વધુ 'લાઈવ' મિમ્સ આઈપીએલમાં !

સોશિયલ મિડીયામાં જે મિમ્સ બને છે એના માટે અમુક તૈયાર ડાયલોગ વપરાતા રહે છે. મજાની વાત એ છે કે આવાં મિમ્સ આઈપીએલની મેચોમાં તો ‘લાઇવ’ ટેલિકાસ્ટમાં વાપરી શકાય એવાં હોય છે ! જુઓ..

*** 

હૈદરાબાદ જેવી ટીમે પહેલી ઇનિંગમાં ૨૭૫ કે ૨૮૫ રન ઠોકી દીધા હોય... એ પછી ગુજરાત ટાઈટન્સનો દાવ શરૂ થયો હોય... બિચારો શુભમન ગિલ બેટ વીંઝીને ચોગ્ગા મારવાની કોશિશ કરતો હોય... પણ સળંગ ત્રણ બોલમાં બેટ અને બોલનો સંગમ જ ના થતો હોય...

એ જ વખતે ‘લાઇવ’માં મિમ મુકી દેવાનું : ‘રહને દો બેટા, તુમ સે ના હો પાયેગા !’

*** 

ટાર્ગેટ માંડ ૧૭૫નો હોય... પરંતુ ચેન્નાઈની ટીમની ચાર વિકેટો પડી ગઈ હોય... છેલ્લી પાંચ ઓવરમાં ૭૫ રન કરવાના બાકી હોય... અને બેટિંગમાં જાડેજા-ધોની આવવાના બાકી હોય...

એ વખતે રાખીનું મિમ આવે : ‘મેરે કરન-અર્જુન આયેંગે... મેરે કરન-અર્જુન આયેંગે...’

*** 

ઘડીકમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ રહ્યો છે... તો ઘડીકમાં સામટી ત્રણ વિકેટો પડી જાય છે... એ પછી સાવ લોલિપોપ જેવા લાગતા સળંગ બે ત્રણ કેચ છૂટી જાય છે...

ડગ-આઉટમાં સચિન, દ્રવિડ, મલિંગા અને પોન્ટિંગ જેવા સિનિયર ખેલાડીઓ આ બધું સાવ સપાટ હાવભાવ સાથે જોઈ રહ્યા છે...

એ દ્રશ્ય ઉપર અસરાનીનું મિમ આવે : ‘યે ક્યા ક્યા દેખના પડ રહા હૈ ઇસ ઉમ્ર મેં ?’

*** 

સળંગ બે છગ્ગા ખાધા પછી, અઢીસોના સ્ટ્રાઇક રેટથી રમી રહેલા ઝંઝાવાતી બેટ્સમેનની વિકેટ લીધા પછી... પેલો ખેંખલી જેવો ચહલ જે રીતે દાંત બતાડીને ફિક્કું હસે છે...

એની ઉપર મિમ આવવું જોઈએ : ‘મોગેમ્બો ખુશ હુઆ !’

*** 

અને મેચ પત્યા પછી ચાર વિકેટ લઈ જનારાં બાંગ્લાદેશના મુસ્તફિઝુરને કોઈ ધોળિયો ફર્રાટેદાર ઇંગ્લીશમાં સવાલ કરે... જવાબમાં મુસ્તફિઝુર બાઘાની જેમ સ્માઈલ આપીને ‘યા યા યા...’ કરે...

ત્યારે થ્રી ઇડિયટ્સનું મિમ મુકો : ‘અરે, કહના ક્યા ચાહતે હો ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments