માણવાલાયક ડીપ-ફેક વિડિયોઝ !

આમિર ખાન કોંગ્રેસનો પ્રચાર કરતો હોય એવો એક ડીપ-ફેક વિડીયો ફરતો થઈ ગયો હતો ! પછી આમિર ખાને ખુલાસો પણ કર્યો કે આ તો ‘ફેક’ છે.. પણ બોસ, અમુક ટાઇપના ડીપ-ફેક વિડીયો તો જરૂર બનવા જોઈએ. જેને વારંવાર જોવાની ખરેખર મઝા પડી જાય ! દાખલા તરીકે…

*** 

‘આયેગા તો મોદી...’ એવા ગાયન ઉપર રાહુલબાબા અને પ્રિયંકાજી ખુશખુશાલ થઈને ગરબા રમતા હોય ! એટલું જ નહીં, જ્યારે ડાંડીયા રમવાના આવે ત્યારે ખુદ મોદીજી આવીને એમને પોતાના સ્ટેપ્સ શીખવાડતા હોય ! (મહોબ્બત કી દુકાન હૈ, ભઈ !)

*** 

એ જ રીતે કંગના રાણાવત મોદીજીના ઘરે જઈને એમની રીતસર આરતી ઉતારતાં હોય ! એમાંય વળી મોદીજી મંદ મંદ સ્મિત સાથે કંગનાને આશીર્વાદ આપતા હોય : ‘આયુષ્યમાન ભવ !’

*** 

અચ્છા, એવો ડીપ-ફેક વિડીયો જોવાનો તો ગમે ને કે... હાર્દિક પંડ્યા ને રોહિત શર્મા ગ્રાઉન્ડ ઉપર બથ્થંબથ્થા લડી રહ્યા છે ! એમાંય, આગળ જતાં હાર્દિક ક્યાંકથી સ્ટંપલું લઈ આવે ! અને રોહિત ઉપર ધસી જાય ! પછી રોહિત ભાગી રહ્યો હોય ત્યાં ક્યાંકથી હરભજનસિંહ આવીને રોહિતના હાથમાં બેટ પકડાવી દે ! પછી રોહિત પણ હાર્દિકને ઝૂડવા માંડે ! દે ધનાધન... દે ધનાધન...

*** 

વિરાટ કોહલી આરસીબીના બીજા ખેલાડીઓ આગળ સખત બગડ્યો હોય. ‘યાર, સબ કુછ મૈં હી કરું ? તુમ લોગ ભી કુછ હેલ્પ કરો યાર ?’ એટલામાં અનુષ્કા શર્મા આવીને વિરાટને ખભે હાથ મુકતાં સમજાવે છે : 

‘બેબી, ઇતના લોડ મત લિયા કરો... અભી મેરા શોનાબાબુ ક્યા ખાયેગા ? બિરીયાની બના દું ? યા મૂલી કે પરાંઠે ખાઓગે ?’

એવામાં ફાફ-દુ-પ્લેસી આગળ આવીને કહેશે ‘મૂલી કે પરાન્ટે મૈં બી ખાયેંગી, બાબીજી !’

*** 

આ બધું તો ઠીક પણ અલ્ટીમેટ ડીપ-ફેક વિડીયો આ હશે –
જેમાં આપણા રૂપાણી સાહેબ સોનિયાજીને શુધ્ધ હિન્દી બોલતાં શીખવાડતાં હશે : 

‘દેખિયે, હિન્દી તો બોત સેહલા હે... તુમ તમારે મેરી માફક ગભરાયે બિના બોલનેકા ચાલુ કરો... અપને આપ આવડ જાયેંગા !’

***

- મન્નુ શેખચલ્લી

Comments