એક ઘરાક એક કરિયાણાની દુકાને આવીને પૂછે છે :
‘અરે ભાઈ, 15 લીટરવાળા સીંગતેલના ડબ્બાનો શું ભાવ છે ?’
‘સારી કંપનીનો ડબ્બો હોય તો તમને 2500 થી 2750માં મળી જશે.’
‘પણ ગલીના નાકે જે દુકાને છે ત્યાં તો લખ્યું છે કે ડબ્બો માત્ર 1500 રૂપિયામાં.’
‘તેં હશે. અમારે તો આ જ ભાવ છે.’
‘અચ્છા, ઘઉં શું ભાવે આપો છો ?’
‘તમારે બેસ્ટ ક્વોલીટી શરબતી ઘઉં જોઈતા હોય તો 33 થી 36 રૂપિયે કિલોના ભાવે મળી જાશે. 30 કિલોના પેકિંગમાં આવશે એટલે સમજો ને, હજારથી બારસો રૂપિયામાં થઈ જાય, પછી જેવી બ્રાન્ડ અને જેવી ક્વોલીટી..’
‘એ તો ઠીક છે, પણ પેલી ગલીને નાકે જે દુકાન છે ત્યાં તો મોટું પાટિયું માર્યું છે કે ઘઉંની બોરી 600 રૂપિયામાં !’
‘તે હશે. અમારે તો આ ભાવ છે.’
‘સારું ચાલો, ચોખા શું ભાવે આપો છો ?’
‘એમાંય ક્વોલીટી ઉપર છે. તમારે લૂઝમાં લેવા હોય તો 28 રૂપિયે કિલોથી 40 રૂપિયે કિલો સુધીમાં છે અને તમારે 10 કિલોના પેકિંગમાં લેવા હોય તો 280 થી લઈને 400 સુધીમાં છે… બાકી બેસ્ટ પ્રિમિયમ ક્વોલીટી બાસમતી રાઈસ લેવા હોય તો આપણી પાસે 10 કિલોનું 600 રૂપિયાનું પેકિંગ પણ છે…’
‘એમ ? પણ પેલી દુકાનવાળાએ તો મોટાં મોટાં પોસ્ટર માર્યા છે કે બેસ્ટ ક્વોલીટી બાસમતી રાઇસની થેલી માત્ર 300 રૂપિયામાં !’
‘જુઓ ભૈશાબ, એ ભાવ અમને પોષાય એમ નથી.’
‘અચ્છા, ચાલો ને, તુવરની દાળની શું છે ?’
‘એમાંય ક્વોલીટી મુજબના ભાવ છે પણ તમને દસ કિલોનું પેકિંગ 1500 થી લઈને 2500માં મળી જશે.’
‘હદ કરો છો યાર ? પેલી દુકાનવાળાએ તો મોટાં બેનરો લગાડ્યાં છે… 500 રૂપિયામાં દાળ !’
દુકાનદાર હવે અકળાયો. તેણે કહ્યું, ‘ભઈ, એવું જ હોય તો તમે એ જ દુકાનેથી બધું લો ને ?’
‘લઈ જ લેત ! પણ એની પાસે હાલમાં સ્ટોક નથી !’
***
બોધ : ચૂંટણીનો ખેલ પણ આવો જ છે. વિરોધપક્ષ સત્તામાં ના હોય ત્યારે આવાંજ બેનરો લગાડીને પ્રચાર કરે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment