પટેલ, પટેલ, પટેલ... એન્ડ કંપની !

દસ ઇન્વેસ્ટરોએ ભેગા મળીને એક કંપની શરૂ કરી. જોગાનુજોગ દસે દસ જણા પટેલ હતા. એટલે કંપનીનું નામ રાખ્યું પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ એન્ડ કંપની !

એક દિવસ ત્યાં ફોન આવ્યો :
‘હલો પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ એન્ડ કંપનીથી બોલો ?’

‘યસ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ, પટેલ એન્ડ કંપનીમાંથી બોલું… બોલો શું હતું ?’

‘મિસ્ટર પટેલને આપો ને ?’

‘મિસ્ટર પટેલ મિટિંગમાં છે, એક કલાક પછી મળશે.’

‘તો પટેલ સાહેબને આપો.’

‘પટેલ સાહેબ તો બહારગામ છે. કાલે આવશે.’

‘એમ ? તો પટેલભાઈને આપો.’

‘પટેલભાઈ હજી બહારગામથી આવ્યા નથી.’

‘એવું છે ? તો પટેલ સરને આપો.’

‘પટેલ સર તો ફોરેનમાં છે !’

‘ઓહો… તો પછી પટેલકાકાને આપો.’

‘પટેલકાકા આજે મોડા આવવાના છે.’

‘અં….હં… હશે, ચાલો પટેલમામા જોડે વાત કરાવો….’

‘પટેલમામા આજે રજા ઉપર છે.’

‘હે ભગવાન ! તો પછી પટેલદાદા તો મળશે કે નહીં ?’

‘પટેલદાદા તો બિમાર છે ને ? હોસ્પિટલમાં દાખલ કર્યા છે !’

‘તો યાર પટેલજીજાને આપો !’

‘પટેલજીજા, પટેલદાદાની ખબર કાઢવા હોસ્પિટલમાં ગયા છે…’

‘અરેરે…. તો યાર, પટેલજી તો મળશે કે નહીં ?’

‘પટેલજી હમણાં જ નીકળી ગયા !’

‘ત્રાસ છે યાર… ચાલો, એક કામ કરો… પેલા પટેલને આપો !’

‘બોલું છું !’

***

- મન્નુ શેખચલ્લી

Comments