કહે છે કે ‘કસુંબો’ નામની ગુજરાતી ફિલ્મના મામલે સોશિયલ મિડીયામાં સામસામી છાવણીઓ બની ગઈ છે ! આના કારણે હવે ગુજરાતી ફિલ્મો માટે થોડા નવા શબ્દો પણ ફૂટી નીકળ્યા છે ! જુઓ…
***
પ્રિમિયર-પિપાસુ
એવા મહાનુભાવો, જે કદી ખિસ્સાંના ખર્ચે ગુજરાતી ફિલ્મો જોતા જ નથી, છતાં દરેકે દરેક ગુજરાતી ફિલ્મના પ્રિમિયરનો પાસ એમને મળવો જ જોઈએ, તેને જન્મસિધ્ધ પોતાનો અધિકાર માને છે !
***
રિવ્યુ-જીવી
ના ના ! એમનું ગુજરાન ગુજરાતી ફિલ્મોના રિવ્યુ લખવાથી નથી ચાલતું ! બલ્કે, એમનું માનવું છે કે એમના રિવ્યુ વડે જ આ તમામ ગુજરાતી ફિલ્મોને પોતે જીવાડી છે ! નહિતર એમના રિવ્યુ વિના તો આખી ઈન્ડસ્ટરી મરી પરવારી હોત !
***
પોપકોર્ન-પ્રસન્ન
એવા રિવ્યુકારો, જે માત્ર એક સોફ્ટ ડ્રીંક અને સો ગ્રામ પોપકોર્નમાં જ એટલા પ્રસન્ન થઈ જાય છે કે ફેસબુકમાં વખાણની વણઝાર રમતી મુકી દે છે !
***
ફેસબુક-ફૈડકો
‘ચકલી નાની પણ ફૈડકો મોટો’ એવી જુની કહેવત મુજબ તમામ મામુલી ફિલ્મોએ ફેસબુક ઉપર જે મોટા મોટા ફૈડકા મારવા પડે છે તે રિવાજનું નવું નામ !
***
ફેસબુક-ફુલણજી
ફેસબુક ઉપર પોતાનાં વખાણનો ફૂગાવો અને ફેલાવો જોઈને જે કલાકારો અને કસબીઓના ઇગોમાં જે તેજીનો કરંટ આવે છે તે સ્થિતિ-સ્થાપક સ્થિતિ !
***
વખાણ-વાટકી
‘જીવો અને જીવવા દો’ના નિયમ મુજબ ‘ફુલો અને ફુલવા દો’ વડે એકબીજાનાં વખાણનો થતો વિશુદ્ધ વાટકી વ્યવહાર !
***
પરપોટા – વિસ્ફોટ
ઉપરની આખી ‘પરસ્પરાવલંબી’ ગોઠવણમાં જ્યારે કોઈને અચાનક કંઈ વાંકુ પડે અને સોશિયલ મિડીયામાં ફૂલી ગયેલા પરપોટાને અણીદાર શબ્દો વડે ફોડવા માંડે... એવી ક્યારેક જ બનતી વીરલ ઘટના !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment