જે રીતે ગુજરાતના કોંગ્રેસીઓમાં આજકાલ ભાજપમાં જોડાઈ જવાનો પ્રવાહ ચાલુ થયો છે એ જોતાં તો લાગે છે કે ભવિષ્યમાં…
***
ભવિષ્યમાં ભાજપમાં સભ્યપદની બે કેટેગરીઓ હશે (1) ભાજપી-ભાજપવાળા (2) કોંગ્રેસી-ભાજપાવાળા !
***
એમાંય, જે ભાજપમાંથી કોંગ્રેસમાં જઈને પાછા ભાજપમાં જોડાયા હશે એમની સ્પેશીયલ કેટેગરી હશે... ઘરવાપસી ભાજપવાળા !
***
સમય જતાં ભાજપમાં જુથબંધી તો થવાની જ છે ! તે વખતે છાપાંઓમાં તથા મિડીયામાં એમનાં જુથોનાં શોર્ટફોર્મ આ રીતે આવતાં હશે : ભા-ભાજપી, કોં-ભાજપી, રિટર્ન- ભાજપી, બળવાખોર–ભા-ભાજપી... બળવાખોર કોં-ભાજપી અને બળવાખોર રિટર્ન - ભાજપી...!
***
જોકે અત્યારે જે ચાલ્યું છે એમ જ ચાલતું રહેશે તો એક દિવસ સમાચાર આવશે કે કોંગ્રેસ કાર્યાલયનું આખું બિલ્ડીંગ રાતોરાત ‘કમલમ્’ બની ગયું !
***
આજકાલ ‘મોદી કી ગેરંટી’ ચાલે છે ને ? પણ ભવિષ્યમાં જો કોઈ રડ્યો ખડ્યો કોંગ્રેસમાં જોડાવા માગતો હશે તો સભ્યપદના ફોર્મમાં એક ખાનું હશે. જેમાં લખ્યું હશે... ‘કોંગ્રેસમાં કેટલાં વરસ રહેવાની ગેરંટી આપો છો?’
***
હાલમાં જે મોટા કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તે આગળ જતાં ‘ભાજપ બ્રાન્ડ વોશિંગ પાવડર’ના બ્રાન્ડ એમ્બેસેડરો તો બનવાના જ છે ! પણ...
***
... ભવિષ્યમાં ભાજપ બ્રાન્ડનું દૂધ પણ આવશે ! જેના વડે કોંગ્રેસીઓ ‘દૂધે ધોયેલા’ બની શકશે !
***
‘કોંગ્રેસ મુક્ત ભારત’ એ ભાજપનું સપનું છે ને ! તો ગુજરાતમાં એની શરૂઆત એ રીતે થશે કે અહીં ‘કોંગ્રેસ મુક્ત કોંગ્રેસી’ હોય એવા તમામ નેતાઓનું એક મોટું સરઘસ નીકળશે !
***
આખી વાતની પરાકાષ્ટા ત્યારે આવશે જ્યારે જાહેર કરવામાં આવશે કે ખુદ ગાંધીજી ભાજપમાં જોડાઈ ગયા છે !! અને ત્યારે ગાંધીજી સામેના કુ-પ્રચારનો પણ અંત આવશે, કેમકે એ પછી તો ગાંધીજી પણ દૂધે ધોયેલા ગણાશે ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment