રણઝણસિંહના ઈલેક્ટોરલ તાંદુલ !

અમે રણઝણસિંહના ઘરે પહોંચ્યા ત્યારે એ પલાંઠી વાળીને નીચે બેઠાં હતાં અને થાળીમાં રાખેલા પૌંવાનો એક એક દાણો હથેળીમાં મુકીને કંઈક ગણી રહ્યા હતા !

અમે પૂછ્યું, ‘આ શું કરો છો ?’

‘તાંદુલ ગણું છું મન્નુડા !’

અમને નવાઈ લાગી. ‘કેમ તાંદુલ ગણવાનું સૂઝ્યું, સવાર સવારના ?’

‘જોને. તારા મોદી સાહેબે કીધું છે કે જો જુના પૌરાણિક જમાનામાં મિડીયા હોત તો કહેતું હોત કે સુદામાએ કૃષ્ણને જે તાંદુલ આપેલા એ તો ભ્રષ્ટાચાર છે !’

હું હસી પડ્યો. ‘તમને વળી આજના જમાનામાં કયો સુદામા આ તાંદુલ આપી ગયો ?’

રણઝણસિંહ હથેળી ખંખેરતાં ઊભા થયા. ‘મન્નુડા, જોવાની વાત ઈ છે કે આજના જમાનામાં ભાજપને જે 6000 કરોડનાં તાંદુલ મળી ગયા છે ઇ હંધાય કોઈ ગરીબ સુદામાઓ તો નંઈ જ દીધા હોય ને ?’

‘હાસ્તો વળી, સીધી વાત છે.’

‘અને જો ઇ હંધાય સુદામા જ હોય તો ઇવડા ઇ સુદામાવનાં નામું જાહેર કરવામાં વાંધો શું છે ?’

‘હાસ્તો, વાંધો શું છે ?’

‘વાંધો ઈ છે મન્નુડા, કે ઈ સુદામાઓ ઝુંપડીવાળા નંઈ પણ મહેલવાળા જ છે !’

‘તમે બોલો છે મરમમાં, પણ બધું સમજાય છે હોં !’

‘ના. સવાલ ઈ છે આજની રુકમણી ક્યાં છે ?’

‘રુકમણી ? કેવી રુકમણી ?’

‘ઇ જ તો આખી વારતા છે… સુદામાજી તાંદુલની પોટલી લઈને બાલસખા કૃષ્ણ ભગવાન પાસે પહોંચ્યા… કૃષ્ણ ભગવાને પોટલીમાંથી હજી એક મુઠ્ઠી તાંદુલ ખાધા ત્યાં તો સુદામાની ઝુંપડીના ઠેકાણે આખો મહેલ ઊભો થઈ ગયો ! બીજી મુઠ્ઠી તાંદુલ ખાધા ત્યાં તો ઘરમાં સોનાચાંદીમાં ઘરેણાની રેલમછેલ થઈ ગઈ અને ત્રીજી મુઠ્ઠી ખાધી ત્યાં તો -’

‘વારતા ખબર છે. પણ એમાં આજનાં રુકણીજી ક્યાંથી આવ્યા ?’

‘અલ્યા, ઇ ટાણે તો રુકમણીજીએ કૃષ્ણને ત્રણ મુઠ્ઠી તાંદુલે અટકાવી દીધા હતા પણ આજના સુદામાવને ન્યાં તો મહેલોના મહેલો બનતાં જ જાય છે ! છતાં એને રોકનારી કોઈ રાણી રુકમણી છે જ ક્યાં ?’

મેં કહ્યું, ‘કેમ, છે ને ! પેલી ED રાણી ? ફરક એટલો જ કે -’

‘બસ બસ મન્નુડા, હવે તું ય બવ શાણો થતો જાય છે, હોં ?’

‘તો ઇ જ વાત પર થોડા તાંદુલ દઈ દ્યો !’

પણ રણઝણસિંહે અમારી હથેળીમાં તાળી જ આપી ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments