ફ્રેન્ડના મેરેજમાં મસ્તી !

મોસમ મેરેજોની છે, એમાંય વળી જો આપણા દોસ્તની શાદી હોય તો પૂછવું જ શું ? મેરેજના ફંકશનોમાં નિર્દોષ મસ્તી કરવાના કેટલાક નુસખા…

*** 

રિસેપ્શનમાં સ્ટેજ ઉપર જઈને સૌ કપલ જોડે ફોટા પડાવે છે. આમાં ને આમાં નીચે લાંબી લાઈન લાગેલી હોય છે.

આવી લાઈનના છેડે જઈને કોઈ સિરીયસ ટાઇપના અંકલને પૂછવાનું ‘આ શેની લાઇન છે ? અહીં કંઈ ફ્રીમાં મળે છે ?’

*** 

પછી બધાનાં હાથમાં પકડેલા કવર જોઈને કહેવાનું ‘અચ્છા, કવરમાં જે રકમ મુકી હોય એ હિસાબે રિટર્ન ગિફ્ટ મળતી લાગે છે !’

*** 

લાઇનમાંથી અચાનક હાથ ઊંચો કરીને મોટેથી બોલવાનું ‘એ... એ... લાગવગ ના ચાલે હોં ! જુઓ, પેલી વરરાજાની બહેનપણીઓ ઘૂસ મારે છે !!’

*** 

ધીમે રહીને છતાં બધાને સંભળાય એ રીતે ઘૂસપૂસ કરવાની : ‘જુઓ, પેલાં પિન્ક સાડીવાળાં આન્ટી બીજીવાર લાઇનમાં ઘુસ્યાં ! ફ્રી ગિફ્ટ બહુ સારી આપતા લાગે છે !’

*** 

દસ મિનિટ લાઇનમાં ઊભા રહ્યા પછી મોટેથી નિસાસો નાંખવાનો : ‘બે યાર, આના કરતાં બેન્કની જેમ નંબરનાં ટોકન આપી દેતા હોય તો ?’

*** 

કન્યા પાસે જઈને ધીમેથી પૂછવાનું ‘સાચું કહેજે, તું આને પહેલેથી ઓળખતી હતી ?’

કન્યા હા પાડે કે ના પાડે... જવાબમાં ચપટી વગાડીને કહેવાનું ‘અચ્છાઆઆ... એટલે જ આની જોડે ફાઈનલ કર્યું... બાકી...’

*** 

ગ્રુપ ફોટો પડાવતી વખતે ફોટોગ્રાફર બધાને સરખી રીતે ગોઠવી લીધા પછી ચાંપ દાબવા જાય એ જ ઘડીએ ‘એ... 
એક મિનિટ. !’ એમ કરીને છીંક આવવાની હોય એવી એક્ટિંગ કરો !

પછી છીંક ખાવાની જ નહીં !

આવું બે ચાર વાર કર્યા પછી ફોટોગ્રાફર ખરેખર ચાંપ દાબે ત્યારે જોરથી છીંક ખાઓ !

***

- મન્નુ શેખચલ્લી

Comments