દિલ તૂટે છે... સંધાય છે... !

દરેક વ્યક્તિની બે ઉંમર હોય છે. એક, પ્રેમમાં પડવાની અને બીજી, સવાર સવારના છાપું વાંચવાની !

આજે, ‘વેલેન્ટાઇન-ડે’ના દિવસે અહીં નીચે લખેલી વાતો એ જ લોકો સમજી શકશે જે લોકો આજે છાપું વાંચવાની ઉંમરે પહોંચી ગયા છે…

*** 

દિલ ત્યારે તૂટે છે...
જ્યારે તમે જેને લવલેટરો લખીને હાથોહાથ આપવાની હિંમત નહોતા કરી શકતા, એ મોલમાં ક્યાંક મળી જાય... એની સાથે બે નાનાં બાળકો પણ હોય...

અને એ બાળકોને કહે કે ‘બેટા, મામાને નમસ્તે કરો ?!’

*** 

પણ દિલ ત્યારે સંધાય છે...
જ્યારે થોડીવાર પછી એનો પતિ આવે છે... જેના એક હાથમાં શોપિંગની છ બેગો છે, બીજા હાથમાં પત્ની અને બાળકો માટે આઇસ્ક્રીમના કોન છે... અને બગલમાં એની પત્નીનું પર્સ છે ! (એ જ લાગનો છે !)

*** 

દિલ ત્યારે તૂટે છે...
જ્યારે તમારી બાઈક રેડ લાઇટ પાસે આવીને ઊભી રહે છે... બાજુમાં એક મોંઘી કાર આવીને ઊભી રહે છે... અને એમાં પેલી ‘તમારાવાળી’ બેઠી છે ! પણ ના, દિલ તો ત્યારે તૂટે છે જ્યારે પાછળ બેઠેલી તમારી પત્ની તમને ખખડાવે છે કે ‘આમ શું ડાફોળિયાં મારો છો ?’

*** 

પણ દિલ ત્યારે સંધાય છે...
જ્યારે પેલી કારમાં બેઠેલી ‘તમારાવાળી’ એને ધણીને પણ ખખડાવતી દેખાય છે... જે બીજી કોઈ નહીં પણ રસ્તે જતી ભિખારણને જોઈ રહ્યો છે !
(શું ચીપ, ટેસ્ટવાળો મળ્યો છે !)

*** 

દિલ ત્યારે તૂટે છે...
જ્યારે વરસો પછી સ્કુલ રિ-યુનિયનમાં પેલી મળી જાય... અને એ જાડી ઢમ-ઢોલ બની ગઈ હોય ? ના, ત્યારે નહીં, પણ જ્યારે ખબર પડે કે એ તમારા જ ક્લાસના એક છોકરાને પરણી છે !

*** 

પણ દિલ ત્યારે સંધાય છે...
જ્યારે વરસો પછી મળેલો એ ક્લાસ-મેટ તમારા ખભે હાથ મુકીને નિસાસો નાંખે છે કે ‘યાર, તું બચી ગયો ! આણે તો મારું જીવવું હરામ કરી નાંખ્યું છે !’ (બોલો, બચી ગયા ને !)

***

- મન્નુ શેખચલ્લી

Comments