એક ઠેકાણે કૂતરાંઓની હાઈ-લેવલ મિટિંગ ચાલી રહી છે. હાઈ-લેવલનાં કૂતરાંઓએ કૂતરાંઓને ખાવાનાં બિસ્કીટોને ન્યાય આપી દીધા પછી અને એકબીજા સામું ‘વાઉવાઉ’ અને ‘હાઉહાઉ’ કરી લીધા પછી મિટિંગ શરૂ થાય છે.
(‘વાઉવાઉ’ એટલે ‘વાઉ! તમારા દાંત બહુ જોરદાર છે, હમણાં જ ધાર કઢાવી ?’ અને ‘હાઉહાઉ’ એટલે જેની સામું પૂંછડી પટપટાવો છો એની જ પાછળ ભસવાની કળા તમે શી રીતે શીખી ?)
‘તો શ્વાનમિત્રો, હવે સાંભળો ! આપણે અહીં એક બહુ ગંભીર મુદ્દા માટે ભેગા થયા છીએ.’
‘કેમ શું થયું ? મ્યુનિસિપાલીટી શહેરમાંથી વીજળીના થાંભલા કઢાવી નાંખવાની છે ?’
‘થાંભલા નહીં હોય તો પણ ચાલશે. કેમકે શહેરમાં ભીંતોની કોઈ કમી નથી.’
‘હા,પણ ત્યાં માણસોએ પાન-મસાલા ખાઈને એટલું બધું ચીતરામણ કર્યું હોય છે કે યાર, આપણને કંઈ મઝા જ નથી આવતી !’
‘એક મિનિટ, આ બધી મજાક મસ્તી છોડીને મેઇન પોઇન્ટ ઉપર આવીએ ? શ્વાનમિત્રો, વાત એમ છે કે સરકારે હવે કૂતરાંઓની વધતી જતી વસતી ઉપર કંટ્રોલ કરવા માટે એક હાઈ લેવલની કમિટી બનાવી છે.’
‘એમાં એકપણ શ્વાનને મેમ્બર કેમ નથી બનાવ્યો ? મારો તો પહેલો વાંધો જ એ છે.’
‘કેમ ? તમારે એ કમિટીના મેમ્બર બનીને બંગલો – ગાડી ભથ્થું વગેરેના ઠાઠમાઠો જ ભોગવવા હશે ને ?’
‘પ્લીઝ પ્લીઝ ! માણસો જેવી વાતો ના કરો ! અહીં સમસ્યા એ છે કે શ્વાનોના વસ્તી વિસ્ફોટને રોકવા માટે કાવતરાં ઘડાઈ રહ્યાં છે !’
‘ભૃણ હત્યા પાપ છે ! ભૃણ હત્યા મુર્દાબાદ ! ભૃણહત્યા પાપ છે ! ભૃણહત્યા મુર્દાબાદ !’
‘અરે યાર, તમે સમજતા કેમ નથી ? આમ સુત્રો પોકારીને ભસવાથી પ્રોબ્લેમો સોલ્વ નહીં થાય !’
‘આપણે આપણા હક્ક માટે લડવું પડશે ! અને એ પણ કૂતરાંઓની જેમ અંદરો-અંદર નહીં !’
‘એક મિનિટ ! મને આ બિન-સંસદીય શબ્દ સામે વાંધો છે ! આપણે કૂતરાં નથી ! આપણે શ્વાનો છીએ !’
‘યસ ! અને અંદરો અંદર લડવું એ આપણી સદીઓ જુની પરંપરા છે ! આજકાલ તમામ પરંપરાઓ સૌનો હક્ક જ ગણાય છે !’
‘મિત્રો, આમ જોવા જાવ તો આપણે બધી વાતમાં માનવીયતા ઘૂસાડનારા માણસો પાસેથી ઓલરેડી ઘણા હક્ક મેળવી લીધાં છે.’
‘જેમકે રાતના કોઈપણ ટાઇમે સળંગ દોઢ-દોઢ કલાક સુધી ભસી ભસીને સૌની ઊંઘ બગાડવી એ આપણા વાણીસ્વાતંત્ર્યનો હક્ક છે.’
‘અને આખા દેશમાં દર વરસે લગભગ સત્તાવીસ લાખ માણસોને કરડવાં એ તો આપણો સ્વ-રક્ષણનો અધિકાર છે !’
‘એક મિનિટ, આપણા શ્વાનમિત્રો જે અણીયાળા દાંતો વડે ગમે તેને બચકાં ભરી લે છે તે સ્વ-રક્ષણમાં કેવી રીતે ગણાય ?’
‘સ્વ-રક્ષણ જ કહેવાય ! કેમકે આપણે તો શાંતિપ્રય છીએ. માનવજાતના વફાદાર મિત્ર છીએ. પણ માનવીઓ આપણને હડે હડે કરે અને પથ્થર મારવા કે લાકડી મારવા હાથ ઉગામે એ તો હિંસક હૂમલો જ કહેવાય ને ?’
‘મિસ્ટર શ્વાનમિત્ર ! આ બચકાં ભરવાના કેસમાં તમને ઊંધુ નથી લાગતું ?’
‘એ યાર, આ શ્વાન ક્યાંથી આવી ગયો છે ? એને ચૂપ કરો !’
‘તું મને ચૂપ કરનાર કોણ ? હાઉ હાઉ…!’
‘અબે તું મને ચૂપ કરનાર કોણ ? ઘર્રર્રર્ર વ્હાઉ !’
‘અબે તુ ચૂપ !! વ્હાઆઉ ઉઉઉ ઘર્રર્રર વ્હાઉ !’
‘મિત્રો, પ્લીઝ ! આપણા વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ અહીં કરવાને બદલે અડધી રાત્રે સોસાયટીઓમાં કરીએ તો કેવું ?’
‘ના ! મુદ્દો એ છે કે આપણા શ્વાનમિત્રો વરસે દહાડે સત્તાવીસ લાખ બચકાં ભરે છે એના લીધે જ તો આખો હડકવાની રસીનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે !’
‘યસ્સ ! અને આપણે દેશના અર્થતંત્રમાં કેટલો મોટો ફાળો આપી રહ્યા છીએ !’
‘વ્હાઉ ! વ્હાઉ વાહ વ્હાઉ !!’
‘શ્વાનમિત્રો, પ્લીઝ મૂળ મુદ્દા ઉપરથી ના ભટકો ! મુદ્દો એ છે કે જો આપણું વસ્તી નિયંત્રણ થવા માંડશે તો પછી આપણે જઈશું ક્યાં ?’
‘રાઈટ ! બીજા દેશોમાં કંઈ અહીંના જેવા માનવતાથી છલકતા લોકો નથી ! આપણે અહીં જ જન્મ્યા છીએ !’
‘કરેક્ટ ! ભારત મારો દેશ છે, ભારતના તમામ શ્વાનો મારાં ભાઈ બહેનો છે, હું મારા દેશને -’
‘આ ભાઈ બહેનવાળું ક્યાંથી શીખી લાવ્યો, મિત્ર ? આપણી આ જે વસ્તી વધીને સાડા સાત કરોડે પહોંચી છે, એમાં ભાઈ-બહેન ના ચાલે !’
‘પ્લીઝ… પ્લીઝ.. યાર ! મેઇન ટોપિક ઉપર આવો ! જો આપણી વસ્તી નિયંત્રણ માટે નવાં પગલાં લેવાશે તો શું પરિણામો આવશે એ તો વિચારો ?’
‘મને લાગે છે કે અત્યારે છે એના કરતાં ડબલ એનજીઓ ફાટી નીકળશે ! કેમકે ખસીકરણનાં બજેટો પણ ડબલ થઈ જવાનાં !’
‘હિયર ! હિયર ! દેશ ડબલ વિકાસ કરી રહ્યો છે !’
‘એમાં આપણો પણ ફાળો છે !’
‘સબ કા સાથ, સબ કા વિકાસ ! તો પછી શ્વાનસંખ્યાનો વિકાસ કેમ નહીં ?’
‘વસ્તી નિયંત્રણ કાનૂન મુર્દાબાદ ! વસ્તી નિયંત્રણ કાનૂન મુર્દાબાદ ! વ્હાઉ વ્હાઉ વ્હાઉ !’
‘અરે, આ મિત્રને કોઈ રોકો ! આપણે શ્વાનોના જ એજન્ડા ઉઠાવવાના છે ! માણસોના નહીં !!’
‘અને શ્વાનો માટે હજી કોઈ કાનૂન આવ્યો જ નથી ! આ તો માત્ર ગાઈડલાઇન આવી છે !’
‘હે ?’ (અચાનક મિટિંગમાં સન્નાટો છવાઈ જાય છે)
(પછી બધાં કૂતરાં જોરજોરથી હસવા માંડે છે ! પછી પૂંછડી હલાવીને ખુશીથી ભસવા માંડે છે. એ બધાં વચ્ચે ક્યાંક એક ગલૂડિયું આવીને કહે છે : ‘વા વાયો ને નળિયું ખસ્યું, એ જોઈને કૂતરું ભસ્યું !’)
(એ પછી જાણે પોતાનો જ કાલ્પનિક ભય ખોટો ઠર્યો હોય એમ સૌ હસતાં હસતાં વિખરાઈ જાય છે.)
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment