વરઘોડાની વિવિધ કેટેગરીઓ !

સિઝન લગ્નોની છે, સિઝન વરઘોડાઓની છે… પણ તમે જોજો, એમાં પણ કેટેગરીઓ હોય છે !

*** 

ગ્રેડ 4 વરઘોડો
વરરાજા ચાલતો ચાલતો આવે છે. એની આગળ બે પિપૂડીવાળા અને એક ઢોલી છે. પાછળ દસ પંદર જાનૈયા છે. ટ્રાફિકમાં કોઈને નડતા નથી.

*** 

ગ્રેડ 3 વરઘોડો
વરરાજા ભાડૂતી ઘોડી ઉપર આવે છે. આગળ શાકની લારીમાં બે સ્પીકર મુકીને એક જણ કેસિયો પણ વગાડે છે અને મેલ-ફિમેલ એમ બે વોઇસમાં ફિલ્મી ગાયનો ગાય છે. આગળ પાછળ પંદર વીસ જણા નાચે છે. પચાસ જાનૈયા વરઘોડો ક્યારે આગળ વધે એની રાહ જુએ છે. ટ્રાફિક એમને જોવા રોકાતો પણ નથી.

*** 

ગ્રેડ 2 વરઘોડો
વરરાજા શણગારેલી ભાડૂતી કારમાં આવે છે. આગળ ‘બ્રાન્ડેડ’ બેન્ડવાજાની કલરફૂલ લારી છે. ગાયક, કેસિયો ઉપરાંત છ વાજાંવાળા લાલ ટોપા અને લાલ કોટ પહેરીને ચાલે છે પણ પગમાં જુનાં ઘસાયેલાં ચંપલ-સ્લીપર છે ! નાચનારા એટલું બધું નાચે છે કે વરઘોડો આગળ જ નથી વધતો. 100 જાનૈયા પણ આગળ નથી વધતા. એમાંના 10 જાનૈયા ટ્રાફિકને જ આગળ જવા દેવા માટે ‘કંટ્રોલિંગ’ કરે છે !

*** 

ગ્રેડ 1 વરઘોડો
વરરાજા લાઇટિંગવાળા ઘોડા-બગીમાં બેઠો છે. આગળ જનરેટરથી ચાલતી લાઈટો માથે લઈને 20 જણા ચાલે છે. એની આગળ 20 બેન્ડબાજાંવાળા ચાલે છે. એની પણ આગળ 30-40 જણા નાચે છે અને એની પણ આગળ વિડીયોવાળા શૂટિંગ કરતા ચાલે છે ! ટ્રાફિક એમને જ જોવા થંભી ગયો છે.

*** 

ડિલક્સ ગ્રેડ વરઘોડો
વરરાજા લિમોઝિન કારમાં બેઠો છે. બાકીનો ઠાઠ ગ્રેડ 1 થી ચાર ગણો વધારે છે. અને ટ્રાફિકમાં વરઘોડાની જ 30 કાર છે !

*** 

સુપર ડિલક્સ વરઘોડો
વરરાજા ચાલતો ચાલતો આવે છે. આગળ માત્ર બે શરણાઈવાળા અને એક ઢોલી છે. પાછળ માત્ર દસ પંદર જાનૈયા છે... કેમકે આ ડેસ્ટિનેશન વેડિંગ યુરોપના કોઈ ટાપુ ઉપર છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments