2023ની વધુ 'હેં' મોમેન્ટ્સ !

એમ તો 2024ની શરૂઆતમાં જ બીજી ટેસ્ટમાં દ.આફ્રિકા માત્ર 55માં ઓલઆઉટ થઈ ગયું ત્યારે ‘હેં !’ થઈ જ ગયું હતું ! પરંતુ જ્યારે ભારતની છ-છ વિકેટો માત્ર 153ના સ્કોર ઉપર પડી ગઈ ત્યારે અસલી ‘હેં ?’ નીકળી ગયું !
એ છોડો, 2023ની થોડી વધુ ‘હેં’ મોમેન્ટો યાદ કરીએ…

*** 

સૌથી મોટું ‘હેં ?’ ત્યારે નીકળ્યું જ્યારે ખબર આવી કે પાકિસ્તાનમાં બેઠેલા દાઉદ ઇબ્રાહિમને કોઈએ ઝેર આપી દીધું ! હેં...? હેં...? હેં...?

- જો કે પછી ધીમું ધીમું ‘હેં..?’ પણ ત્યારે આવ્યું જ્યારે ખબર આવી કે એ હજી મર્યો નથી !

*** 

એ સિવાય ટ્રિપલ ‘હેં’ મોમેન્ટ્સ કેનેડાથી આવી ! પહેલી વાર, જ્યારે ત્યાં બેઠેલા કુખ્યાત ખાલીસ્તાની પન્નુનો વિડીયો બહાર આવ્યો કે ’19 નવેમ્બરે કોઈ એર-ઇન્ડિયાના વિમાનમાં પ્રવાસ ના કરતા... જાનનો ખતરો છે !’

બીજી વાર ‘હેં’ ત્યારે થયું જ્યારે ભારત સરકારે પન્નુની ધમકીને કોઈ ભાવ જ ના આપ્યો !

ત્રીજી વાર ‘હેં’ સાથે ‘હાશ’ પણ થયું જ્યારે 19 નવેમ્બરે, વર્લ્ડ કપના ફાઈનલના દિવસે એર-ઇન્ડિયાના એકપણ વિમાનનો વાળ પણ વાંકો ના થયો ! (વિમાનના વાળ ક્યાં હોય એ તમે જાણો !)

*** 

પન્નુ કેસમાં નવું ‘હેં’ ત્યારે થયું જ્યારે અમેરિકાએ આરોપ લગાવ્યો કે પન્નુની હત્યા કરવાની સોપારી કોઈ નિખિલ ગુપ્તાને આપી હતી ! એ પણ માત્ર 1 લાખ ડોલરમાં ! (હેં ? પન્નુ આટલો સસ્તો ?)

*** 

પાકિસ્તાનથી વધુ એક ‘હેં’ ત્યારે આવ્યું જ્યારે અફઘાનિસ્તાનના 3,75,000 શરણાર્થીઓ પાછા અફઘાનિસ્તાન જતા રહ્યા !

- હેં ? શરણાર્થીઓ ? પાછા જાય ? ભારતમાં તો કદી એવું સાંભળ્યું જ નથી ! આ ચમત્કાર શી રીતે થયો ? અને ભારતના ‘માનવતાવાદીઓ’ પણ ચૂપ ?? હેં ?

*** 

2023નું સૌથી વધુ હસવું આવે એવું ‘હેં’ એ હતું કે ટાઇગર શ્રોફની ‘ગણપત’ નામની ફિલ્મનું ‘વર્લ્ડ કલેક્શન’ માત્ર 4 લાખ રૂપિયા હતું !

***

- મન્નુ શેખચલ્લી

Comments