પેલી માત્ર 16 વરસની બે હાથ વિનાની શીતલ દેવીને માત્ર પગ વડે તીરંદાજી કરીને ગોલ્ડ મેડલ જીતતી જોઈ…
એ ગજબની ‘વાઉ !’ મોમેન્ટ હતી !
***
અને માત્ર 12 વરસની ઉંમરે ચેસમાં ગ્રાન્ડ-માસ્ટર બનેલા રમેશ પ્રજ્ઞાનંદાને 2023ની વર્લ્ડ-કપ ચેસ ચેમ્પિયનશીપની ફાઈનલ રમતો જોઈને જે ફીલિંગ હતી..
એ પણ જબરદસ્ત ‘વાઉ !’ મોમેન્ટ હતી !
***
પરંતુ એ પછી થોડી ‘વાઉ’ મોમેન્ટો આગળ જતાં ‘હેં?’ મોમેન્ટો બની ગઈ ! જેમકે...
ચંદ્રયાન-3માંથી જ્યારે પેલું નાનકડું ‘વિક્રમ’ રોવર નીકળીને ચાલવા માંડ્યું ત્યારે તો આહાહા... ‘વાઉ !’ થઈ ગયેલું...
પણ પછી એના તરફથી કોઈ સંદેશા જ ના આવ્યા (અને ISROએ કીધું કે મિશનનું આટલું જ કામ હતું) ત્યારે... થોડું ‘હેં ?’ થઈ ગયેલું !
***
એ જ રીતે નાઈજિરીયાથી મધ્યપ્રદેશના કુમઉ જંગલમાં 8 ચિત્તા લાવવામાં આવ્યા (અને સાહેબે, એના ફોટા પણ પાડ્યા) ત્યારે તો બધે ‘વાઉ... વાઉ...’ થતું હતું !
પણ પછી વારાફરતી એ ચિત્તા મરવા માંડ્યા.. ત્યારે પાછું ધીમે ધીમે ‘હેં ?’ થઈ ગયું !
***
એમ તો જુન ૨૦૨૩માં જ્યારે મોદીજીએ અમેરિકાની સંસદમાં ભાષણ કર્યું ત્યારે એ લોકોએ પંદર-પંદર વાર ઊભા થઈને તાળીઓ લગાડી...
એ જોઈને ભક્તોને ‘વાઉ... વાઉ... વાઉ !’ થઈ ગયું ! અને વિરોધીઓને ‘હેં ? હેં ? હેં ?’ થતું હતું !
***
એ જ રીતે જ્યારે વિરોધપક્ષના ગઠબંધને પોતાનું નામ INDIA પાડી દીધું ત્યારે ભાજપવાળાઓને ‘હેં ?’ થઈ ગયેલું અને મોદીવિરોધીઓને ‘વાઉ’ થઈ ગયેલું !
***
જોકે બે મોમેન્ટો એવી હતી કે જેમાં નિર્દોષ અને શુધ્ધ ‘વાઉ’નો આનંદ હતો !
(1) જ્યારે રાહુલ ગાંધી ઊભા-ઊભા જાતે લાઈવ-ઢોંસા બનાવીને સૌને પીરસી રહ્યા હતા ! ... વાઉ ! શું સર્વિસ હતી !
(2) જ્યારે ઇટાલીના વડાપ્રધાન મેલોનીએ મોદીજી સાથે સેલ્ફી લઈને પોસ્ટ કરી ત્યારે લખ્યું #Melody !... વાઉ ! શું હેશટેગ હતું !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment