એસ્ટ્રોલોજીસ્ટ એટલે જ્યોતિષી અને સેફોલોજીસ્ટ એટલે જે એક્ઝિટ પોલ વડે ચૂંટણીનાં પરિણામોની આગાહી કરે છે તે. હવે જુઓ, બન્નેમાં ફરક શું છે?
***
સૌથી પહેલું તો એ કે એસ્ટ્રોલોજીસ્ટ કરે તેને ‘આગાહી’ કહેવાય છે.
અને સેફોલોજીસ્ટ કરે છે તેને ઊંચી ભાષામાં ‘એનાલિસિસ’ કહેવાય છે.
***
એસ્ટ્રોલોજીસ્ટ એકલો હોય છે. તે પક્ષની કુંડળી, ઉમેદવારની ગ્રહદશા તથા દેશ-કાળની સ્થિતિ જોઈને આગાહી કરે છે.
જ્યારે સેફોલોજીસ્ટોની આખી ટીમ હોય છે. એ લોકો હજારો લોકોને પૂછીને, સેંકડો લોકોનાં મંતવ્યો લઈને, અને ઉપરથી પોતાની ‘એક્સપર્ટીઝ’ ઉમેરીને આંકડા બહાર પાડે છે. (અઘરું છે, નહીં?)
***
એસ્ટ્રોલોજરની આગાહી ક્લિયર-કટ હોય છે. આમ થશે અથવા આમ થશે.
સેફોલોજીસ્ટોમાં કદી ક્લિયર-કટ નથી હોતું! એક કંપની 80થી 100નો આંકડો આપશે, બીજી કંપની 90થી 110નો આંકડો પાડશે, તો ત્રીજી 95થી 115નું બતાડશે.
- એ તો ઠીક, ઉપરથી કહેશે આમાં 5 ટકાની વધ-ઘટ થઈ શકે છે! (અલ્યા, 80ના 5 ટકા એટલે મિનિમમ 76 અને 115ના 5 ટકા એટલે મેક્સિમમ 123! યાને કે 76 થી 123? આ વળી કઈ જાતની આગાહીઓ થઈ?)
***
એસ્ટ્રોલોજરની આગાહી ખોટી પડે તો એ ચૂપચાપ રહે છે.
સેફોલોજીસ્ટની આગાહી ખોટી પડે તો એનું ‘એનાલિસિસ’ કરીને તમને લાંબા લાંબા આંકડાઓ આપીને સમજાવશે કે મતદાન વખતે આવું કેમ થયું?
***
સાચી વાત એ છે કે એસ્ટ્રોલોજરો પોતાના યજમાનને રાજી રાખતા હોય છે.
અને સેફોલોજીસ્ટો? એ મોટેભાગે પોતાને જ રાજી રાખવામાં માને છે !
***
છતાં કહેવાય છે કે એસ્ટ્રોલોજી એ જુનું પુરાણું શાસ્ત્ર છે…
અને સેફોલોજી તો સાયન્સ છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment