એકતા કપૂર ' શોલે' બનાવે તો ?!

કેમ ભઈ? જો ‘ખિચડી’વાળા ‘ખિચડી-2’ બનાવે તો ‘ક્યું કિ સાસ’વાળા ‘ક્યું કિ શોલે’ ના બનાવે? એટલે જ ફિલ્મનું નામ માત્ર ‘K-શોલે’ નહીં, ‘ક્યું કિ આગ ભી કભી ચિંગારી થી’ સહિત એનું શોર્ટ ફોર્મ KSKKABKCT હશે! હવે શાંતિ રાખો, રિમોટ હાથમાં લો અને જુઓ એનાં થોડાં દ્રશ્યો…

***

દ્રશ્યઃ 1

‘કિતને આદમી થેએએ?’ ગબ્બર ત્રાડ પાડીને પૂછે છે. જવાબમાં કાલિયો ગુંચવાયો છે:

‘જુઓને, આદમી તો એક રઘુકાકા, એક રહીમચાચા અને એક બાબુજી જ હતા! બાકી તો ચાર ડઝન બહુઓ, બે ડઝન સાસુઓ, પાંચ ડઝન જેઠાણીઓ, છ ડઝન દેરાણીઓ, સાતેક ડઝન નણંદો… એમ જ્યાં જુઓ ત્યાં બૈરાં જ બૈરાં હતાં! સાલું, સાડીઓનું સેલ લાગ્યું હોય એવું વાતાવરણ હતું !’

‘અબેએએ… ઇતની સારી ઔરતેં થી ફિર ભી વાપસ ચલે આયે?’

‘બોસ, એટલા માટે જ વાપસ ચલે આયે ! કેમકે હજી અમે બંદૂક બહાર કાઢીએ એ પહેલાં તો બધી ઔરતો હાથમાં પૂજાની થાળીઓ લઈને ગાવા લાગતી હતી… રિશ્તોં કી પૂજા જહાં હો…’

‘બસ બસ! ગાના બંધ કરો !’ ગબ્બરની હટી જશે. ‘પચાસ પચાસ કોસ દૂર ગાંવ મેં જબ બચ્ચા રોતા હૈ…’

‘-તો વો રાનું મંડલ ઔર હિમેશ રેશમિયા કા ગાના સુનકર રોતા હૈ ! સરકાર આપ કા જમાના ગયા !’

‘સાલું, મારો જમાનો ગયો?’ ગબ્બર ધૂંધવાઈ ઊઠે છે ‘હોલી કબ હૈ? હોલી…’

***

દ્રશ્યઃ 2

હોળીના ગાયનમાં બસંતી, મૌસી, તુલસી (જે જયા ભાદુરીની જગ્યાએ છે) કોમોલિકા, પ્રેરણા, અર્ચના, પ્રજ્ઞા, સંધ્યા, ગોપી બહુ, અક્ષરા, સિમર અને અનુપમા ઉપરાંત ગામની દોઢસો બહુઓ અને પચાસ સાસુઓ રંગબિરંગી કપડાં પહેરીને ગુલાલ ઉછાળીને ડાન્સ કરી રહી છે !

ગબ્બર અને એના ડાકુઓ ઘોડા લઈને ધમાકાભેર ધસી આવે છે અને બંદૂકો વડે હવામાં ધડાકા કરવા લાગે છે! પણ બધી સ્ત્રીઓ એ તરફ ધ્યાન આપ્યા વિના બીજી જ દિશામાં દોડે છે ! એ પણ હરખાતી, હસતી, નાચતી અને કૂદતી !

ગબ્બર જુએ છે કે બધી સ્ત્રીઓ એક બાઘા જેવા ગોરા સરખા ક્યુટ છોકરાની આસપાસ ટોળે વડીને લટુડા-પટુડા કરી રહી છે !

ગબ્બર છક્કડ ખાઈ જાય છે: ‘કાલિયા, ઈ કૌન હૈ રે?’

‘લો જી! આપ નહીં જાનતે? ઇ તો તુસ્સાર કપૂર હૈ! લગતા હૈ આજ હોલી કા સ્પેશીયલ એપિસોડ હૈ !’

***

દ્રશ્યઃ 3

ભરબપોરનું દ્રશ્ય છે. ઠાકુરની હવેલીમાં તુલસી (એટલે કે જયા) વારાફરતી એક પછી એક થાંભલે લટકાવેલાં ફાનસો સળગાવી રહી છે. આ જોઈને બહારગામથી આવેલો જય આશ્ચર્યમાં પડી જાય છે. 

એ પૂછે છે ‘રામુકાકા, આ તુલસી આમ ભરબપોરે કેમ દીવાબત્તી કરી રહી છે?’

‘જવા દોને ભૈશાબ? એની આખી સ્ટોરી સંભળાવું તો 500 એપિસોડ ચાલે એટલી લાંબી છે પણ શોર્ટમાં કહું તો જ્યારે ગબ્બરે ઠાકુરના ફેમિલીને ગોળીઓથી વીંધી નાખ્યું ત્યારે તુલસીનો પતિ ફક્ત ઘાયલ જ થયો હતો, મર્યો નહોતો. પણ એ આઘાતને કારણે તુલસીની યાદદાસ્ત જતી રહી… એ પછી એનો પતિ કોમામાં જતો રહ્યો… પછી તુલસીનાં બીજાં લગ્ન થયાં પરંતુ માત્ર 100 એપિસોડમાં છૂટાછેડા થઈ ગયા. એ પછી તુલસીને ત્રીજા એક નવા બજાજ સાથે પ્રેમ થઈ રહ્યો છે… ત્યાં પહેલો પતિ કોમામાંથી બહાર આવી ગયો છે ! બોલો, આમાં ને આમાં તુલસીને માનસિક ડિપ્રેશનની બિમારી આવી ગઈ છે ! એટલે તે ભરબપોરે દીવા સળગાવ્યા કરે છે…’

‘ત્રાસ છે! પણ યાર, તુલસીનો પહેલો પતિ એની સામે કેમ નથી આવતો?’

‘ભૈશાબ, હું જ તુલસીનો પહેલો પતિ છું ! પણ આ તો એકતા કપૂરનું શોલે છે ! જ્યાં સુધી યાદદાશ્ત પાછી ના આવે ત્યાં સુધી મારાથી કંઈ ના થાય !’

***

દ્રશ્યઃ 4

ઠાકુરની હવેલીના ધાબા ઉપર સામસામી અંતાક્ષરી ચાલી રહી છે ! એક બાજુ ‘ગાંવવાલા’ છે અને બીજી બાજુ ડાકુઓ છે. (પોલીસો જજની સીટોમાં બેઠા છે) બસંતી નાચી રહી છે:

 ‘મહેંદી લગા કે રખના… ડોલી સજાકે રખના…’

ત્યાં વીરુ બૂમ પાડે છે! ‘બસંતીઈઈઈ ! ઇન કૂત્તોં કે સામને મત નાચના !’

‘મૈં તો નાચુંગી ! ક્યું કી આ જ તો કરવા ચૌથ કા સ્પેશીયલ એપિસોડ હૈ !’

ગબ્બર આ જ વાત ઉપર ઝુમી ઊઠે છેઃ ‘અરે ઓ સામ્ભા! જાઓ, એક ચાઈણી લે આઓ !’

***

દ્રશ્યઃ 5

ક્લાઇમેક્સમાં ગામની તમામ સ્ત્રીઓ પૂજાની થાળી લઈને પોતાના પતિઓને વિજયતિલક કરીને લડવા માટે મોકલે છે. પતિઓ પણ પત્નીઓના સેંથામાં સિંદુર પુરીને નીકળી પડે છે.

પછી બધા ગામવાળા ભેગા થઈને ગબ્બરને બહુ મારે છે. પછી તો એમની સ્ત્રીઓ પણ ગબ્બરને વારાફરતી ઝૂડી નાંખે છે…
છેવટે, ગબ્બર સાવ અધમૂવો થઈ જાય છે ત્યારે ઠાકુર આવે છે!

 ગબ્બર ચોંકી જાય છે: ‘અરે? તુમ્હારે હાથ વાપસ કૈસે આ ગયે?’

ઠાકુર કહે છે ‘ક્યું? મૈં પ્લાસ્ટિક સર્જરી નહીં કરવા સકતા ક્યા?’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment