કરવા ચોથ શું કરવા આવે છે ?

‘આનંદ’ ફિલ્મનો એક ડાયલોગ છે કે ‘બાબુ મોશાય! જિન્દગી બડી હોની ચાહિયે, લંબી નહીં !’ પરંતુ ભારતની પરિણીત નારીઓ એવું નથી માનતી. એમનું કહેવું છે કે ‘પતિ કી જિન્દગી બડી નહીં, લંબી હોની ચાહિયે !’ હા, એ વાત અલગ છે કે ‘પતિ કી સેલેરી તો બડી હોની ચાહિયે !’ કેમકે પતિ ગમે એટલી બડી સેલેરી લાવે, એ ‘લંબી’ ચાલતી જ નથી !

કરવા-ચોથના વ્રત પાછળનું આખું સિક્રેટ જ આ છે ! પતિની ઉંમર લાંબી હોવી જોઈએ, જેથી એનું પેન્શન છેક લાંબે સુધી ચાલતું રહે ! 

તમને ખબર છે? આ નવી પેન્શન યોજનાનો અંદરખાનેથી સૌથી વધુ વિરોધ કોણ કરે છે? રિટાયર્ડ થનારા પુરુષોની પત્નીઓ ! ગુજરાતીમાં કહેવત છે કે ‘હાથી જીવતો લાખનો, પણ મરેલો સવા લાખનો!’ એ જ રીતે ગણિત એવું છે કે ‘પતિ નોકરી કરતો લાખનો, પણ રિટાયર્ડ હોય તો સવા લાખનો !’ 

કેમકે એ કાકા રિટાયર થાય પછી એમનો ‘મેન્ટેનન્સ’ ખર્ચ કેટલો? નહીં નવાં કપડાં સીવડાવવાનાં, નહીં નવી સાડીઓ લેવાની, નહીં નવાં ઘરેણાં કરાવવાનાં… અરે, બૂટ-ચંપલ કે સેન્ડલની નવી જોડી પણ શેના માટે લાવવાની? કેમકે કાકાને જઈ જઈને જવાનું ક્યાં? મંદિરે જ ને?

આ વ્રતની પાછળ આખું ચક્કર ‘ઇકોનોમિક્સ’નું પણ છે. તમે જુઓ, આ સંસારમાં ‘ઇન્કમ’ની જવાબદારી પતિની છે પણ ‘એક્સ્પેન્ડિચર’નો આખો પાવર પત્નીને જ આપેલો છે. (વળી, આમાં બિલો પણ પાસ નહીં કરાવવાનાં અને ‘ઓડિટ’ પણ નહીં કરાવવાનું!) પતિ પૂછે કે પૈસા ગયા ક્યાં? તો એક જ વાક્યનો જવાબ હોય ‘એ તો ખર્ચાઈ ગયા !’

પતિની ઉંમર લાંબી હોય એમાં પત્નીને બીજો એક પણ ફાયદો છે, જેની મોટાભાગના પતિઓને ખબર જ નથી. દાખલા તરીકે, ન કરે નારાયણ, ને પતિ વહેલો મરી જાય તો? તો તરત જ ઘરની વહુ સાસુજી પાસે આવીને કહેશે, ‘હવે તમારે આ બધાં સોના-ચાંદીનાં ઘરેણાનું શું કામ છે? મને આપી દો ને?’ 

એ જ રીતે થોડા સમય પછી વહુ એકાદ દિવસે કહેશે ‘સાસુજી, તમારી પાસે પેલી કાંજીવરમની સાડી છે ને? એ મને આપો ને? આજે એક ટ્રેડિશનલ ફંકશનમાં જવાનું છે. જુઓને મારી પાસે તો બધી મોડર્ન સ્ટાઈલની જ છે…’ 

ટુંકમાં પતિ ગયો કે તરત પત્નીનું ‘સ્ત્રી-ધન’ પણ વહુઓ પડાવી લે! આ તો કેમ ચાલે? એના કરતાં તો દાંતના ચોકઠાંવાળા અને દિવસમાં ત્રણ વાર ચાર જાતની દવા ખાનારા પતિને સાચવવો શું ખોટો?

અચ્છા, કરવા ચોથનું વ્રત પુરું કરતી વખતે હાથમાં ચાળણી ઝાલીને પહેલાં ચંદ્રના અને પછી પતિનાં દર્શન કરવાનો રીવાજ શા માટે છે? 

તો જુની વ્રતકથા એવી છે કે સાત સાત ભાઈઓ વચ્ચે એક જ બહેન હતી. ભાઈઓ પોતાની બહેનને અનહદ પ્રેમ કરતા હતા. ત્યાં સુધી કે બહેનને જમાડ્યા પછી જ ભોજન કરતા. 

હવે એ બહેનને સાસરે પરણાવી દીધી. એ પછી એકવાર જ્યારે બહેન પિયર આવી ત્યારે તેણે કરવા ચોથનું વ્રત રાખ્યું. આખા દિવસના નિર્જળા ઉપવાસ પછી ચંદ્રના દર્શન કરવાનાં હતાં પણ ચંદ્ર તો વાદળોમાં હતો ! હવે? 

ભૂખને કારણે બહેન આકુળ વ્યાકુળ થઈ ગઈ. આ સાત ભાઈઓથી જોવાયું નહીં એટલે દૂરના એક વૃક્ષ પાછળ ગળણી લટકાવીને તેની પાછળ દીવાનો પ્રકાશ કરીને ચંદ્રનો આભાસ ઊભો કરી દીધો !

બિચારી બહેને તેને ચંદ્ર સમજીને વ્રત પુરું કર્યું. તેણે ભોજનના કોળિયા લીધા કે તરત એનો પતિ મૃત્યુ પામ્યો ! બસ, એ પછી એવો રીવાજ પડ્યો કે ગળણી હાથમાં જ રાખવી ! ચંદ્ર પણ એમાંથી જોવાનો અને પતિને પણ એમાંથી જ જોઈને જીવતો હોવાની ખાતરી કરી લીધા પછી જ ભોજનનો કોળિયો મોંમાં મુકવો. સમજ્યા? 

આ કથા એટલા માટે કહેવી પડી કે આપણી ગુજરાતણોએ તો પેલાં સિરિયલવાળાં એકતા કપૂરે ટીવીમાં બતાડ્યું એટલે હૈશો હૈશો કરીને કરવા ચોથ કરવા મંડી છે !

અને હલો, કરવા ચોથમાં જે ‘કરવા’ છે તે ‘કડવા’ ચોથ નહીં, હોં! કેમકે એક અફવા-કથા એવી છે આ વ્રત કરવાથી પત્નીની જીભ ગમે તેટલી કડવી હોય છતાં બિચારા પતિને હંમેશાં મીઠી જ લાગે છે ! એટલું જ નહીં, જેમ જેમ વ્રતના વરસો વધતાં જાય તેમ તેમ પતિ પત્નીની જીભનું કહ્યું ‘કરવા’ લાગે છે! (હવે તમે કહેશો કે એવું તો વ્રત વિના પણ થાય જ છે ને?) 

પણ સાહેબો, એટલું તો સમજો કે એમ કરતાં કરતાં પણ તમારી લાઈફ તો લાંબી ટકે છે ને ! અને તમને હજી ક્યાં ખબર છે? વીમા કંપનીઓ પણ હવે તો કરવાચોથના વ્રતનું છૂપી રીતે સમર્થન કરે છે કેમકે જેટલાં પ્રિમિયમ વધ્યાં એટલાં સાચાં !

છેલ્લે છેલ્લે એ પણ જાણતા જાવ કે હિન્દીમાં ‘કરવા’ એટલે એક જાતનું વાસણ ! જેને આપણે ‘પાત્ર’ પણ કહીએ છીએ.

હવે તમે જ કહો, તમારા લગ્ન વખતે ‘પાત્ર’ની પસંદગી કોણે કરી હતી? તમે જ ને? તો ભોગવો હવે !

***

- મન્નુ શેખચલ્લી

E-mail :mannu41955@gmail.com

Comments

Post a Comment