અમુક લોકોને અમુક ચોક્કસ વાક્યો કે શબ્દો વારંવાર બોલવાની ટેવ હોય છે. આવા લોકોની સળી કરવાની ખરેખર મજા લેવી જોઈએ! જુઓ…
***
તમે સમજ્યા કે નંઈ?
સાવ સાદી વાત હોય છતાં અમુક વડીલ આવું બોલ્યા વિના રહેતાં નથી. દાખલા તરીકે વડીલ બોલે કે ‘જુઓ, હું તો શાંતિથી લાઈનમાં ઊભો હતો પણ પાછળથી ધક્કો વાગ્યો... તમે સમજ્યા કે નંઈ?’
- આમાં દરેક વખતે તરત જ માથું ધૂણાવીને કહેવાનું, ‘જરાય ના સમજાયું! તમે ડીટેલમાં સમજાવો... એક્ઝેક્ટલી શી રીતે, શું થયું?’
***
હું શું કહેતો હતો...
અમુક લોકો વાતની શરૂઆત જ આ રીતે કરે છે! ‘હું શું કહેતો હતો...’
- ત્યારે તરત જ વચમાં ભજીયું મુકી દેવાનું: ‘ક્યારે? ગઈકાલે? પરમ દહાડે? કે ગયા વરસે?’
***
તમે નહિ માનો...
જાણે કોઈ મોટી ગિનિસ બુકના રેકોર્ડ જેવી આશ્ચર્યજનક વાત કહેવાના હોય એમ અમુક લોકો વાતની શરૂઆત આ રીતે કરે છે: ‘તમે નહીં માનો...’
- તરત જ કહેવાનું: ‘ના ના. અમે માની લઈશું! તમ તમારે ચલાવોને, ખોટે ખોટી...’
***
બરાબર છે?
આવું બોલવાની આદત તો બહુ લોકોને છે! જેમકે ‘આ રાજુભાઈ તો મારા ઘરની સામે જ રહે છે. બરોબર છે? એમને ને મારે ઘર જેવો સંબંધ છે બરાબર છે? હવે કાલે હું એમની વાઇફને મળવા ગયેલો. બરાબર છે?’
- એ જ ઘડીએ ટાંગ અડાડવાની કે ‘હોતું હશે? રાજુભાઈ તો કહેતા હતા કે સાલું, એ જ બરાબર નથી!’
***
આવું કોણ કરે છે?
આજના યંગસ્ટર્સમાં આ બહુ ચાલ્યું છે. જેમકે ‘પેલો જીગો તો ચાની જોડે મોહનથાળ ખાય છે! યાર, આવું કોણ કરે છે?’
- તરત કહેવાનું: ‘જીગો કરે છે!!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment