માવઠાંવાળા લગ્નોમાં !

એક જુનું ગીત હતું કે ‘લગનમાં ભંગ પડ્યો રે મારા ભઈ, આજ મારે થવાની હતી તે થઈ !’

બે દિવસ પહેલાં જ્યારે ગુજરાતભરમાં માવઠાં થયાં ત્યારે જેને ત્યાં લગ્નો લીધેલાં હતાં ત્યાં શું શું થયું ?

*** 

જમણવારમાં ગરમાગરમ સૂપ ખૂટી પડ્યો, અને શિખંડ વધી પડ્યો ! બોલો.

*** 

તવા રોટીના કાઉન્ટર આગળ ભીડ હતી પણ તંદુરી રોટી પાસે તો ડબલ ભીડ હાથ શેકવા ઊભી રહી ગઈ હતી !

*** 

છેવટે રસોઈયાને કહેવું પડ્યું કે દાળ ઉકાળવાનું પડતું મુકો, અને થોડાં તાપણાં સળગાવીને વચમાં ગોઠવો !

*** 

ઠંડી એટલી સખત હતી કે લગ્ન પતી ગયા પછી પણ વર-વધુ લગ્નવેદી પાસેથી ખસવા તૈયાર નહોતાં !

*** 

એ તો ઠીક, ફેરા પતી ગયા પછી ભીડ વિખરાઈ જવાને બદલે યજ્ઞવેદીની આસપાસ ગોઠવાઈ ગઈ હતી !

*** 

ઝીણા ઝીણા વરસાદમાં જાન આવી ત્યારે વરરાજાને જોધપુરી કોટની ઉપર રેઇનકોટ પહરેાવવો પડ્યો હતો !

*** 

અને ધોધમાર વરસાદ ચાલુ થયો ત્યારે કન્યાને પધરાવવા માટે મામાઓ અને ભાઈઓ કન્યાને માથે ચંદરવો ધરવાને બદલે તાડપત્રી ધરીને લઈ આવ્યા હતા !

*** 

કન્યાએ બેક-લેસ ચોલીવાળો ડ્રેસ કરાવ્યો હતો પણ છેવટે જાડો ધાબળો ઓઢવો પડ્યો ! બોલો.

*** 

પેલા વિડીયોવાળાનું ડ્રોન નજીક આવે તો લોકો ઊઠીને દૂર ભાગતા હતા! કેમકે એના પંખામાંથી ઠંડીગાર હવા આવતી હતી !

*** 

એમાં વળી કોઈકે ફાયર-બ્રિગેડમાં ફોન કરી દીધો કે, ‘ભૈશાબ અહીં આવીને જરા આગ લગાડી આપો ને? અમે તો ટાઢે મરી ગયા…’

***

- મન્નુ શેખચલ્લી

Comments