દિવાળીના દિવસે આપણે ત્યાં ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન કરવાનો રીવાજ છે. પરંતુ જમાનો જેમ જેમ બદલાતો જાય છે તેમ તેમ લક્ષ્મી યાને કે ધનના પ્રકારો પણ બદલાતા જાય છે! જુઓ…
***
ED ધન
આ એવું ધન છે જેની ઉપર માત્ર EDની જ નજર પડે છે. એટલું જ નહીં, નજર પડતાંની સાથે દરોડો પણ પડે છે !
***
વોટ-ધન
જો વોટ બેન્કો હોઈ શકે તો વોટ-ધન શા માટે ના હોય? અગાઉ આ વોટ-ધનની પૂજા પાંચ વરસે એકાદ વાર જ કરવામાં આવતી હતી પરંતુ જ્યારથી બેન્કો લૂંટાઈ જવાના બનાવો બનવા માંડ્યા ત્યારથી દૈનિક ધોરણે વોટ-ધનની પૂજા કરવી પડે છે !
***
ભક્ત-ધન
નેતાઓ માટે સેવકો અને ફિલ્મ સ્ટારો માટે ચાહકો અને ઇન્ફ્લુએન્સરો માટે ફોલોઅર્સ જેટલા જરૂરી છે એટલા જ જરૂરી મહાન નેતાઓ માટે એમના ભક્તો છે! ફરક એટલો જ કે પૂજા ભક્તોની નહીં, ભક્તોના ભગવાનની જ થાય છે !
***
ચોપડા-ધન
અહીં બે નંબરના ચોપડાની વાત થઈ રહી છે! આજકાલ ભારતનું આવું ચોપડા-ધન ભારત કરતાં ભારતની બહાર વધારે પૂજાતું થઈ ગયું છે !
***
ઇલેક્ટોરલ-ધન
આ રાજકીય પક્ષોનું ધન છે જેમાં ગુપ્ત દાતાઓ ગુપ્ત રીતે દાન કરે છે છતાં તેની રકમો છાપામાં જાહેર થતી રહે છે.
***
જન-ધન
અર્થાત્ જનતાનું ધન ! જેને બાપનો માલ સમજીને ભ્રષ્ટાચારીઓ પોતપોતાની તિજોરીમાં સરકાવી લે છે.
***
સમય-ધન
કહે છે કે સમય કિંમતી છે. પરંતુ અમુક નવરા લોકો પાસે આ કિંમતી ધનનો સ્ટોક ખૂટતો જ નથી. ઉલ્ટું થોડા પૈસા ખર્ચીનું તેનું રિ-ચાર્જ કરાવી લે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment