પહેલી વાત તો એ ક્લિયર કરી લઈએ કે અંતાક્ષરી રમનારા હવે ‘આ ઉંમરવાળા’ જ રહી ગયા છે. કેમકે યંગ ઉંમરવાળા તો કાનમાં વટાણા ખોસીને ડોકી ધૂણાવવામાં જ બિઝી છે ! એ જનરેશનમાંથી અમુક પેદાશ તો એવી છે કે જેમણે ટીવીમાં પણ અન્નુ કપૂરની અંતાક્ષરી જોઈ નથી !
છતાં જ્યારે એ બચ્ચાંઓ પોતાના મમ્મી-પપ્પા અને અંકલ-આન્ટીઓને અંતાક્ષરી રમતાં જુએ છે ત્યારે સૌથી પહેલાં તો એમને જબરદસ્ત આઘાત લાગે છે ! કેમકે તમે જ કહો, એકસામટા છ-છ અંકલો માથું ધૂણાવતા, હાથ પહોળા કરીને ગાવાને બદલે રાડો પાડતા હોય કે : ‘યાઆઆહુ ! ચાહે કોઈ મુઝે જંગલી કહે… કહને દો જી કહેતા રહે…’ ત્યારે આ યંગ બચુડીયાં તો આવું દૃશ્ય જોઈને ડઘાઈ જ જાય ને ?
યંગ બચુડિયાંઓને બીજો આઘાત ત્યારે લાગે છે જ્યારે અંકલો અને આન્ટીઓ, મમ્મી-પપ્પા સહિત, હસતાં મોઢે કોરસમાં ગાતાં હોય કે ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યાઆઆ?’
ત્યારે બચુડિયાંઓને એક જ વિચાર આવે કે ‘અલ્યા, આ ? આ લોકો ? ખરેખર આવું માને છે ?’ તો પછી અમે બોય્ઝ એન્ડ ગર્લ્સ જોડે ‘ફરવા ગયા’ હોઈએ કે ગરબામાં ગયાં હોઈએ તો શા માટે અડધો અડધો કલાકે ‘વિડીયો કોલ’ કરી કરીને પૂછતાં હશે કે ‘બેટા, તમે ઓલરાઇટ છો ને ? એન્જોય હોં… એન્જોય !’ અને અત્યારે પોતે જ છાતી કાઢીને ગાય છે : ‘પ્યાર કિયા તો ડરના ક્યા !’ બોલો.
જોકે પંદર વીસ મિનિટ અંતાક્ષરી ચાલે પછી બચુડિયાંઓ બોર થઈને એક સાઈડમાં બેસીને કાનમાં વટાણા ખોસી લેતા હોય છે. પણ જે યંગસ્ટરો કાનનો એક વટાણો કાઢીને ત્રાંસી નજરે આખો ખેલ જોઈ શકે છે એમને જાતજાતની ફની સિચ્યુએશનો દેખાતી હોય છે !
જેમકે પેલું ગાયન છે ને, ‘એ મેરી જોહરા જબીં, તુઝે માલૂમ નહીં…’ એ ગાવાનો મોકો મળે કે તરત, તમે પણ માર્ક કરજો, પંચાવનથી પંચોતેર વરસના અંકલો અચાનક કેટલા ગજ્જબના રોમેન્ટિક થઈ ઊઠે છે ! ચાલો, પેલી લાઇન તો સમજ્યા કે ‘તૂ અભી તક હૈ હંસી’ કેમકે એ ઉંમરે આન્ટીઓ તો શું દાદીઓ પણ ‘હંસી’ લાગી શકે તેવી ગ્રેસફૂલ હોય છે. પણ યાર ‘… ઔર મૈં જવાંઆંઆં…’ કરીને રાગડા તાણતા અંકલોને જોયા છે ?
કોઈના માથે ટાલ પડી ગઈ છે ! કોઈની ફાંદ નીકળી આવી છે ! કોઈને આઠ નંબરના જાડા ચશ્મા છે ! તો કોઈના દાંતનું ચોકઠુ નીકળું નીકળું થઈ રહ્યું હોય છે ! અને તમે માર્ક કરજો, મોટાભાગના અંકલોના વાળ ધોળા થઈ રહ્યા હોવા છતાં વાળમાં ડાઈ કરવાની આળસને લીધે માથામાં કોઈ કાબર આવીને માળો મૂકી ગઈ હોય એવું દેખાતું હોય છે (ને ઉપરથી ગાય છે : ‘ઔર મૈં જવાંઆંઆં…’ બોલો.)
સાવ આવું પણ નથી કે ફક્ત અંકલો જ ફની લાગતા હોય ! અમુક ગાયનો વખતે આન્ટીઓને પણ જોવા જેવી હોય છે. દાખલા તરીકે જ્યારે ‘હુશ્ન કે લાખો રંગ’ ગાતાં હોય ત્યારે !
આમાં જોવા જેવું એ હોય છે કે અમુક આન્ટીઓ જાણે ભજનની લીટી ભૂલી ના જવાય એવી રીતે ભોળાભાવે આ ગાયન ગાતાં ગાતાં નજરો નીચી રાખે છે ! પણ અમુક આન્ટીઓ આગળ લળી લળીને, ‘હુશ્ન કે લાખો રંગ’માંથી ભલે ત્રણ જ રંગ બતાડવા લાયક રહ્યા હોય તો પણ, ‘રંગ’માં આવીને ગાતાં હોય છે ! આવે વખતે સામે બેઠેલા અંકલોમાં છુપી હરિફાઈ ચાલતી હોય છે કે એ કોની સામું વધારે રંગ બતાડે છે !
પરંતુ આ ગાયન પત્યું નથી અને પેલું ગાયન આવે કે ‘જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે…’ ત્યારે ખાસ જોવાનું ! પતિ-પત્નીઓ એકબીજા સામું એવા પ્રેમથી જોતાં હોય છે કે જાણે આજે જ એમની વેડિંગ એનીવર્સરી છે ! એવું જ ‘રમંયા વસ્તા વૈયા’ પછી ‘મૈં ને દિલ તુજ કો દિયા’માં જોવા મળશે !
અફસોસ ફક્ત એટલો જ કે અંતાક્ષરી આ ગાયન સુધી પહોંચે ત્યાં સુધીમાં પેલા બચુડિયાંઓ અહીંની મહેફિલમાંથી રસ ખોઈ ચૂક્યાં હોય છે. બાકી, એમને નવાઈઓ જ નહીં, પણ ખાતરીઓ થઈ જશે કે યાર, મોમ એન્ડ ડેડ વચ્ચે હજી પેલો ‘સ્પાર્ક’ તો બરકરાર છે !
***
પણ હલો.... હકીકતમાં આ જે ‘સ્પાર્ક’ છે એ જ તો આ ઉંમરે રમાતી અંતાક્ષરીની જાન છે ! કેમ કે ‘ચલો, અંતાક્ષરી થઈ જાય !’ એમ કહેતાંની સાથે સૌ જોશમાં તો આવી જાય છે પણ પંદર વીસ પંદર વીસ મિનિટમાં જ ઝોલ પડવા લાગે ત્યારે ભાન થાય છે કે ભૈશાબ, જ્યારે અંતાક્ષરીઓ દોઢ દોઢ કલ્લાક (બે ફ્રી પિરિયડ જેટલી) ચાલતી હતી ત્યારે આપણે સ્કુલમાં હતાં ! એ વાતને આજે 40 વરસ થવા આવ્યાં ! છેલ્લાં ચાલીસ વરસમાં અંતાક્ષરી રમવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે એટલે ‘ર’ આવવાની સાથે જ ‘રમૈયા વત્તા વૈયા’ બીજી વાર ગવાઈ જાય છે !
પણ સાહેબો, એની જ તો મજા છે ! કેમકે પેલા 'સ્પાર્ક'ને કારણે જ આપણે 40 વરસ નાનાં થઈને બૂમો પાડવા લાગીએ છીએ કે ‘આઇ ગ્યું… આઇ ગ્યું...’ અથવા સાવ નાનાં છોકરાંની જેમ બૂમાબૂમ કરીને ઝગડીએ છીએ કે ‘ચ’નો ‘છ’ થાય તો ‘ઢ’નો ‘દ’ કેમ ના થાય ?... ‘એ… ખોટું ગાય છે !’ ‘અંચઇ કરે છે !’ ‘ટીક્કી ચડાવો…’ વગેરે !!
કેમકે બોસ, સાચું કહેજો, આ ઉંમરે આપણી જોડે ‘અંચઈ’ પણ કોણ કરે છે !?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment