પત્નીએ પતિને કહ્યું, ‘તમારું છાપું જરા સાઇડમાં મુકો અને માળિયામાં ચડો.’
પતિ અકળાયો. ‘હું કંઈ માળિયું સાફ નથી કરવાનો! કહી દઉં છું હાં!’
‘સાફ નથી કરવાનું. એક અગત્યની વસ્તુ ઉતારવાની છે. તમે સીડી લઈ આવો.’
પતિએ સીધી લગાડીને માળિયામાં ડોકીયું કર્યું. ‘બોલ, શું ઉતારવાનું છે?’
‘એમ બહારથી નહીં મળે – અંદર જાવ.’
પતિએ ધૂળ, જાળાં અને બાવાંથી માથું બચાવતા અંદર ટૂંટીયું વાળીને ઘૂસ્યા. ‘હવે બોલ, શું ઉતારવાનું છે?’
‘તમે અંદર જુઓ તો ખરા… શું શુંદેખાય છે?’
‘આ બાજુ ચાર ખોખાં છે, એમાં ડબલાં ડુબલી ભરેલાં છે.. બાજુમાં દોરડાં છે, સુતળીઓનો ઢગલો છે, પ્લાસ્ટીકની દોરીનાં પિલ્લાં છે, બગડી ગયેલા નળ છે, જુનો ધોકો છે, ચાર તગારાં છે, બે ત્રણ પગલૂછણિયાં છે…’
‘એ બાજુ નહી, જરા અંદરની બાજુએ જુઓ, ત્યાં શું શું છે?’
‘તારે જોઈએ છે શું?’
‘કહું છું! પણ જુઓ તો ખરા? ત્યાં શું છે?’
‘આ બાજુ તો જુના પ્લાસ્ટિકના ડબ્બા છે.’
‘હા, હા! એ ડબ્બામાં જુઓને, શું છે?’
‘આ એક ડબ્બામાંથી પતંગની દોરીઓનાં પિલ્લાં અને લચ્છાં નીકળ્યાં… આ બીજામાં નાની મોટી ખીલીઓ અને પીલા ભર્યાં છે..’
‘હજી બીજા ડબ્બા જુઓ…’
‘આ જોયા… જો, આમાં તારા સીલાઈના દોરા અને કોકડાં છે, નાના મોટા કપડાંના ગાભા છે…’
‘ગાભા નથી, સાડીના ફોલ છે, મેચિંગ બોર્ડરો છે.’
‘હા, પણ તારે જોઈએ છે શું એ બોલ ને?’
‘તમે હજી જુઓ… હું કહું છું તમને…’
‘આ… અહીં સ્વીચો છે, ક્લિપો છે, જુનું વોટર હિટર છે… આંઆંકછીં! મને છીંકો આવે છે! તને જોઈએ છે શુંઉઉં?’
‘કંઈ નહીં, નીચે આવતા રહો.’
‘કેમ?’
‘એ તો એક સ્ટિકર બિંદીનું નાનું પેકેટ નહોતું જડતું… પણ આ રહ્યું, નીચે જ હતું!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment