રાજકારણની તીન પત્તીમાં !

મારા તમારા જેવા તો વરસમાં એકાદ વાર સાતમ-આઠમનો જુગાર રમે છે પણ દેશના નેતાઓ તો બારેમાસ સત્તાની તીન પત્તી ફેરવતા રહે છે ! જુઓ એમના માટે તીન પત્તીના શબ્દોનો શું અર્થ થાય છે…

*** 

રોન નીકળી
એટલે વારાફરતી ત્રણ ઘટનાઓ વિવાદાસ્પદ બની… જેમકે અંબાજીમાં ચીકીનો પ્રસાદ, ડાકોરમાં વીઆઈપી દર્શન અને સાળંગપુરમાં હનુમાનજીના ચિત્રનો કંકાસ !

*** 

કલર નીકળ્યા
મતલબ કે અમુક કલરબાજ માણસો મીઠા શીરામાં કાંકરા જેવા નીકળ્યા ! જેમકે મહાઠગ કિરણ પટેલ, વડોદરાનો બોગસ વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી અને આણંદના કલેક્ટર ઓફિસવાળાં કેતકીબેન વ્યાસ !

*** 

ટ્રાયો લાગ્યો
નસીબ એવાં પાધરાં કે ત્રણે ત્રણ એક્કા નીકળે ! જેમકે ચંદ્રયાન-૩ સફળ નીવડ્યું,  BRICKSમાં છ નવા દેશો જોડાયા અને ભાલાફેંકમાં નીરજ ચોપ્રા ગોલ્ડ મેડલ લાવ્યો !

*** 

બંધમાં આવવું
જેમકે અચાનક સંસદનું ખાસ સત્ર 18 થી 22 સપ્ટેમ્બરમાં બોલાવ્યું છે ! પણ મોદી સરકાર પત્તાં ખોલતી જ નથી કે એમાં એજન્ડા શું છે !

*** 

બ્લાઇન્ડમાં રમવું
આવનારી ચૂંટણીઓમાં I.N.D.I.A.ના ઘટકો મિટિંગો તો કરી રહ્યા છે પણ શું કરવું, કેમ કરવું, કોણ કરશે અને શું થશે ? આ બધી બાબતે હજી અંધારામાં તીર ચલાવવા જેવું જ છે !

*** 

બ્લફ મારવી
2047માં ભારત વિકસીત દેશ બની જશે… અચ્છે દિન આયેંગે… ખેડૂતોની આવક બમણી થઈ જશે… તમે સમજી ગયા ને ?!

*** 

જોકર ગેમ
જે પત્તું એકલું કદી કોઈ બાજી જીતી શકતું નથી છતાં એને ટ્રમ્પ કાર્ડ બનાવીને આગળ ધરવામાં આવે છે… આ પણ સમજી ગયા ને ?!

***

- મન્નુ શેખચલ્લી

Comments