રણઝણસિંહ અને ટપકાંવાળું ઈન્ડિયા !

કંઈ કેટલા વખત પછી અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ સમાન રણઝણસિંહ રસ્તામાં મળી ગયા !

અમે પૂછ્યું ‘ક્યાં છો આજકાલ ?’

રણઝણસિહં હસ્યા : ‘ઇન્ડિયામાં જ છું.’

અમે કીધું : ‘કયા ઇન્ડિયામાં ? વચમાં વચમાં ટપકાં હોય ઇ ઇન્ડિયામાં ?’

રણઝણસિંહ આ વખતે ખડખડ હસ્યા : ‘ઇ ટપકાંવાળાં ઇન્ડિયામાં એવું છે કે જ્યાં લગી એમની ટપકાં જોડો સ્પર્ધા પુરી નો થાય ત્યાં લગી કોઈ ચિત્ર ઉપસે એમ નથી.’ 

‘કેમ વળી ? એમની બે મિટિંગું થઈ ત્યાં તો ગેસના બાટલાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થઈ ગ્યો !’

‘તો હવે ત્રીજી મિટિંગ પછી તારે બાટલીમાં 300 રૂપિયાનો ઘટાડો જોઈં છીં ?’

અમે કીધું ‘તમે ભૂલતા નો હોય તો ક’ઈ દંઉં કે કોરોના ટાઇમે આ બાટલીવાળાઉં જ દેશની ઇકોનોમીને ટકાવીને ઊભા ’તા!’

‘હવે જરાક તો શરમ રાખ્ય મન્નુડા ! આ શ્રાવણ મહિનો હાલે છે.’

અમે કીધું ‘ઇ છોડો. મને એમ ક્યો કે આ ટપકાંવાળા ઇન્ડિયાનું હવે આગળ શું થાશે ?’

‘કાંઈ કેવાય નંઈ… દેડકાંની પાંચશેરી યે થાય ને ઝાઝી કીડી સાપને તાણે એવું ય થાય !’

‘હાચી વાત. સંપ ત્યાં જંપ !’

‘મન્નુડા આ કાંઈ જંપીને બેહવા હાટું ભેગા નથી થ્યા ! એમને તો ‘જમ્પ’ એટલે કે ઠેકડા મારવા છે.’

‘મારવા જ પડશે ને ? પણ તમને શું લાગે છે. ટપકાંવાળા ઇન્ડિયાનો લોગો શું હોવો જોઈં ?’

‘એવા લોગા-ફોગા હોય જ નંઈ !’

‘કેમ વળી ?’

‘UPIનો કોઈ લોગો હતો ? NDAનો કોઈ લોગો છે ખરો ? ગઠબંધનુંમાં લોગા નો હોય લોટા હોય, લોટા !’

‘લોટા ?’

‘લાભ મળે ન્યાં લોટવા મંડે એવા લોટા ! તું જોતો નથી ? કાકો આની કોર લોટે છે ને ભત્રીજો ઓલી કોર લોટીને લાડવા લ્યે છે !’

‘તો આમાં પ્રજાએ શું કરવાનું ?’

‘કાંઈ નહીં ! એકસો ને તેંતાળીસ કરોડ ટપકાં બનીને જીવ્યા કરવાનું !’

***

- મન્નુ શેખચલ્લી

Comments