સ્ટેટસ અને રિયાલિટી !

આજકાલ સોશિયલ મિડીયામાં લોકો પોતાનાં સ્ટેટસમાં જાતજાતનું લખતા હોય છે પણ સાહેબ, એમની રિયાલીટી કંઈ જુદી જ હોય છે ! જુઓ…

*** 

એક ભાઈ…
રોજ શાકવાળા જોડે ધાણા-ફૂદીના માટે રકઝક કરતા હોય છે. પણ…

એમના સ્ટેટસમાં લખ્યું છે…
શેર કભી ઘાસ નહીં ખાતા !

*** 

એક છોકરો…
દર વરસે ત્રણ સબ્જેક્ટમાં નાપાસ થાય છે. પણ…

એના સ્ટેટસમાં લખે છે…
Ask me ANYTHING !

*** 

એક સજ્જન…
એમનું નામ રામક્રીષનનુ ઉન્નિક્રિષ્નન્ ગુંડુરાવ યેદિયુરાપ્પન ત્રિચુરાવલ્લી શ્રીરંગમસંતનમ ઐયર છે.

સ્ટેટસમાં લખે છે…
Keep your messages short !

*** 

એક ભાઈ…
એમનું સ્કુટર ગઈકાલે જ બેન્કવાળા જપ્ત કરીને લઈ ગયા કેમકે હપ્તા નહોતા ભર્યા.

એમનું સ્ટેટસ…
પૈસો તો હાથનો મેલ છે.

*** 

એક ટ્રોલ ટપોરી…
સવારથી સાંજ લગી સોશિયલ મિડીયામાં ગમે તેની પાછળ પડીને બેફામ ગાળાગાળી કરે છે. પણ…

સ્ટેટસ છે…
મનની શાંતિ એ જ વિશ્વશાંતિ !

*** 

એક છોકરો…
રાત્રે બે વાગ્યા પહેલાં કદી ઉંઘતો નથી અને સવારે બાર વાગ્યા પહેલાં ઉઠતો નથી.

એણે સ્ટેટસમાં લખ્યું છે…
વો સુબહા કભી તો આયેગી !

*** 

એક વડીલ…
પોતાની પુત્રવધુની કચકચથી ત્રાસીની આખો દહાડો મંદિરના ઓટલે જ બેઠા હોય છે.

એમનું સ્ટેટસ…
દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે !

***

- મન્નુ શેખચલ્લી

Comments