ચોમાસામાં જ્યાં બે ઇંચ વરસાદમાં રોડની ઐસી કી તૈસી થઈ જાય છે ત્યાં મોંઘા ભાવની બાઇકો પણ શા કામની? (એમાં વળી આજકાલ ટ્રાફિક પોલીસે રોંગ સાઇડમાં જનારાંને પંચર પાડવાના કારસા ઘડ્યા છે !)
***
બોસ, બાઇક તો એવી પાવરફૂલ છે કે 0 થી 5 સેકન્ડમાં તે 60 KMની સ્પીડ પકડી લે છે ! 10 સેકન્ડમાં તો 100ને ટચ કરે છે ! પણ બોસ, 30 સેકન્ડમાં તો બીજો સિગ્નલ આવી જાય છે…
- ત્યાં જો 140 સેકન્ડ ઊભા જ રહેવાનું હોય તો બાઇક લીધેલી શા કામની ?
***
બોસ, ટીવીની એડમાં બાઇકને પહાડો, જંગલો, ઝરણાં, કીચ્ચડ અને પથરાળ માર્ગો પરથી સડસડાટ નીકળતી જોઈને તમે નવી બાઇક ખરીદી…
- પણ જો શહેરના રોડમાં પડેલા ખાડાને લીધે મણકા દુઃખી જતા હોય તો બાઇક લીધેલી શા કામની ?
***
અરે બોસ, સ્પોર્ટસ ચેનલોમાં બાઈકોને ખતરનાક જમ્પ મારતી જોઈને તમને બાઇક ખરીદવાનું મન થઈ ગયું…
- પણ જ અંડરપાસના અઢી ફૂટ ઊંડા પાણીમાં ય બંધ પડી જતી હોય તો એ બાઇક શા કામની ?
***
જોકે બોસ, સ્ટાઈલોમાં તમારો જવાબ નહીં હોં ! સલૂનમાં જઈને વાળનું સ્ટાઇલિંગ કરાવ્યું હોય, હેર-કલર લગાડ્યો હોય, વાળમાં જેલ નાખીને સ્પાઇક્સ બનાવ્યા હોય, બોચીમાં મસ્ત ટેટૂ ચીતરાવ્યું હોય, આઈ-બ્રોમાં કટ મુકાવ્યો હોય, કાનમાં બુટ્ટી પહેરી હોય…
- પણ બાઇક ઉપર બેસતાંની સાથે જ હેલ્મેટ પહેરી લીધી… તો એ બાઇક શા કામની ?
***
અને બોસ, 150ની સ્પીડે જઈ શકે એવી બાઇક વડે છોકરીને પટાવ્યા પછી, એની સાથે લગ્ન કર્યા પછી, એ જ બાઇકના હેન્ડલ ઉપર લટકતી પ્લાસ્ટીકની તેલીમાં 200 ગ્રામ શાક લઈને ઘરે આવતા હો…
- તો એ બાઇક લીધેલી શા કામની બોલો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment