આજકાલની નવી પેઢીને જુના રૂઢિપ્રયોગોમાં ખાસ ટપ્પી પડતી નથી હોતી. જેમકે તમે કહો કે ‘વાડ ચીભડાં ગળે’… એમાં અડધી જનતા ‘વાડ’ને ‘વાળ’ સમજે એવા ચાન્સિસ છે !
અને ‘વૉટ ઇઝ ચીભડાં?’ એના માટે તો એમને શાક મારકેટમાં લઈ જવા પડે ! બાકી રહ્યું ‘ગળે’, તો એમાંય પાર્ટીને એનો મતલબ ‘ગળે ઉતારતાં’ સાંજ પડી જાય !
એટલા માટે જ અમે આપણા જુના રૂઢિપ્રયોગોના મિનિંગ સોશિયલ મિડીયાના માધ્યમથી સમજાવવા માટે એક ખાસ ગાઇડ બનાવી છે…
***
માન ન માન, મૈં તેરા મહેમાન
જેને ને તેને ફ્રેન્ડ રિકવેસ્ટો મોકલ્યા કરવી.
આંગળી આપી તો પાંચુ પકડ્યું
ફ્રેન્ડ રિક્વેસ્ટ એસ્સેપ્ટ કરી તો રોજની બબ્બે ડઝન કોમેન્ટો કરવા માંડ્યો !
વખાણી ખીચડી દાંતે વળગવી
બે ચાર પોસ્ટ લાઇક કરી એમાં તો સીધો ‘આઈ લવ યુ’ સુધી પહોંચી ગયો !
ડુંગરા દૂરથી રળિયામણા
DPમાં તો ફીગર સારું જ દેખાય !
કાગડો દહીંથરું લઈ ગયો
સૌથી ખરાબ DPવાળાને જ્યારે સૌથી બ્યુટિફૂલ છોકરી સૌથી વધુ રિસ્પોન્સ આપે.
ખોદા પહાડ, નિકલા ચૂહા
જ્યારે ‘એન્જલ પ્રિયા’ વાસ્તવમાં ‘અદરક પપ્પુ’ નીકળે !
હાથીના ચાવવાના જુદા અને દેખાડવાના જુદા
અલગ અલગ બે ડઝન યુઝર નેમ રાખવાં.
નેકી ઔર પૂછ-પૂછ ?
ટિન્ડર એકાઉન્ટમાં લખવું કે માત્ર ફ્રેન્ડશીપમાં જ રસ છે !
છાશ લેવા જવું ને દોણી સંતાડવી
છીંક આવે તેનીયે પોસ્ટ મુકવી અને પછી ફરિયાદ કવી કે પ્રાયવસીમાં લોકો ‘ઇન્ટ્રુડ’ થાય છે !
આદુ ખાઈને પાછળ પડવું
ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર, ટિન્ડર, સ્નેપચેટ એમ કરતાં કરતાં ફોન નંબર શોધીને છેક ઘરનું લોકેશન શોધીને ટ્રોલિંગ કરવું.
પાણીચું પકડાવી દેવું
બ્લોક કરી દેવો.
જેવા સાથે તેવા
એ બ્લોક કરે તો આપણે એને પણ બ્લોક કરી દેવી.
આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા
જ્યારે એક છોકરીએ બન્ને બોયફ્રેન્ડને બ્લોક કર્યા હોય.
પીઠ પાછળ ખંજર
તમારા પેજ પર લાઇક કરે અને બીજાને ટેગ કરીને એની ઉપર ફાલતુ કોમેન્ટો કરે !
ખાય તેનું ખોદવું
જે દોસ્તે ઇન્ટ્રો કરાવી હોય એના જ ચડ્ડી-બનિયાનમાં ફોટા પાડી છોકરીને સેન્ડ કરવા.
ધૂળ ઉપર લીંપણ
બ્રેક-અપ કરી નાંખ્યા પછી સત્તર વાર ‘સોરી’ના મેસેજો મોકલવા.
થૂંક વડે થીંગડું મારવું
બ્રેક અપ પછી સસ્તી ઓનલાઇન ગિફ્ટો મોકલીને પેચ-અપ કરવાની કોશિશ કરવી.
નવી ગિલ્લી નવો દાવ
એક છોકરીએ ડ્રોપ કર્યો તો બીજીની પાછળ પડવું.
લગ્ને લગ્ને કુંવારા
નવી છોકરી માટે નવું યુઝર-નેમ
મનમાં પરણે ને મનમાં રાંડે
છોકરી લાઇક કરે ત્યાં તો લવ થઈ જાય અને બ્લોક કરે તો હાર્ટ-બ્રેક થઈ જાય !
ગામ હોય ત્યાં ઉકરડો હોય જ
ગ્રુપમાં વાહિયાત પોસ્ટ મુકનારાઓ હોય જ.
વીંછીનો દાબડો ખુલી જવો
ગ્રુપમાં અચાનક પર્સનલ પોર્નો-વિડીયો ફરવા માંડવો.
નાચવું નહીં ને આંગણું વાંકુ
‘પર્સનલ’ રિઝન્સનું બહાનું કાઢીને ગ્રુપ છોડી દેવું.
ટાઢા પાણીએ ખસ ગઈ
ઉપરની સ્થિતિમાં બીજા ગ્રુપ મેમ્બરોની ફીલિંગ્સ !
રાત થોડી ને વેશ ઝાઝા
ઘરડે ઘડપણ રંગીલાવેડાના વિડીયો બનાવવા.
બુઢ્ઢી ઘોડી લાલ લગામ
રેખાની ઉંમરે કેટરિના જેવા મેકપ કરવા.
ભેંસ આગળ ભાગવત
અઘરી અઘરી ભાષામાં અઘરી અઘરી કવિતાનું અઘરું અઘરું વિવેચન કરવું.
મોસાળે જમવું ને મા પીરસણે
ફાલતુ કવિતાનાં વખાણ ઘરના નેં ઘરનાં જ લોકો કર્યા કરે.
પોતાના પગે કુહાડો મારવો
ગર્લફ્રેન્ડની કવિતાને ફાલતુ કહી દેવી.
આંધળે બહેરું કૂટવું
ફેક પોસ્ટને સમજ્યા વિના વાયરલ કરી નાંખવી.
દૂધનું દૂધ, પાણીનું પાણી
વોટ્સએપ ચેટનો સ્નેપશોટ મુકીને સાબિતી આપવી.
ત્રણ સાંધો ત્યાં તેર તૂટે
માંડ રિ-ચાર્જ કરાવ્યું હોય ત્યાં બેટરી જ પતી જાય !
અને… ગાંડાના અલગ ગામ ના હોય
મોબાઈલ તો બધા પાસે હોય જ !
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment