ચા.. ચ્હા... ચાહ !

‘આખી’, ‘અડધી’, ‘કટિંગ’, ‘મોળી’ વગેરે તો ચાના ઓર્ડિનરી પ્રકારો છે. હકીકતમાં ચા ખુબ જ રસપ્રદ પ્રકારોમાં અવેલેબલ છે ! જુઓ…

*** 

બાકી’ ચા
કપમાં જે વધી હોય છે તેવી બાકી ચાની વાત નથી. આ તો કીટલી ઉપર ચા પીધા પછી ખિસ્સામાં હાથ નાંખ્યા વિના આપણે કહીએ છીએ ને કે ‘બાકીમાં લખી નાંખજો !’ એ ચા…

*** 

ફિરંગી ચા
ના આદુ, ના ગરમ મસાલો, ના ફૂદીનો, કે ના દૂધ ! ‘કાલાપાની’ની સજા જેવી આ ચાને અમુક અંગ્રેજોની ગુલામ પેઢી ‘બ્લેક ટી’ના નામે ઓળખે છે.

*** 

આત્મનિર્ભર ચા
આ કંઈ મોદી સાહેબની શોધ નથી ! આ પણ અંગ્રેજોની શોધ છે. જેમાં ગરમ પાણી, ખાંડના ગાંગડા, ચાની પડીકી, પાવડરનું દૂધ વગેરે છૂટક સામગ્રીનો થાળ આપણી સામે ધરી દેવામાં આવે છે. જેમાંથી આપણને ‘આવડે એવી’ છતાં ‘ભાવે નહીં’ એવી ચા બનાવવાની કસરત પણ આત્મનિર્ભર થઈને કરવાની હોય છે !

*** 

બિમાર ચા
જે દરદીઓના લોહીમાં વધારે મીઠાશ હોય છે તેઓ બિચારા આવી ખાંડ વગરની ચા પીતા હોય છે. એમાં જે ‘શ્યુગર-ફ્રી’ નાંખવામાં આવે છે એ શ્યુગર કદી ‘ફ્રી’માં મળતી નથી.

*** 

મિનિએચર ચા
આને ‘હાઈકૂ’ ચા પણ કહી શકાય. કેમ કે તે સત્તર અક્ષરની જેમ સત્તર જ સેકન્ડના એક ઘૂંટડામાં પીવાઈ જાય છે. આજકાલ એને ‘પા’ ચા કહે છે.

*** 

કડક-મીઠી
આ પ્રકારની ચા સૌથી બેસ્ટ હોય છે કેમ કે તે પત્ની અથવા પ્રિયતમાની માફક ‘કડક’ પણ હોય છે. અને ‘મીઠી’ પણ એટલી જ હોય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments