ટામેટાંનાં માઈક્રો- ફિક્શન !

ટામેટાંમાં ‘લાલચોળ’ તેજી ના આવે તો જ નવાઈ ! કેમકે વગર તેજીએ પણ ટામેટાં લાલચોળ હોય છે !
ટામેટાંના ભાવે સદી ફટકારી છે એ નિમિત્તે થઈ જાય થોડાં માઇક્રોફિકશન…

*** 

ગર્વની વાત

એક સમાચાર એવા છે જે સમગ્ર ગુજરાત (અને ખાસ કરીને સૌરાષ્ટ્ર) માટે બહુ ગર્વની વાત જેવા છે.

બે વિદેશી પર્યાવરણવાદીઓ ગુજરાતના પ્રવાસે હતા. તેઓ પોતાનું ફોર વ્હીલર વાહન લઈને આખા ગુજરાતમાં ફર્યા.
છેવટે એમણે ગુજરાત અને સૌરાષ્ટ્રના હાઈવે ઉપર આવેલી 100થી વધુ કાઠીયાવાડી રેસ્ટોરન્ટોને ‘પર્યાવરણ રક્ષક’ હોવાનાં સર્ટિફીકેટો આપ્યાં.

એક ન્યુઝ ચેનલના રિપોર્ટરે પૂછ્યું કે આ કાઠિયાવાડી ભોજનાલયોને તમે આવાં સર્ટિફિકેટો કયા હિસાબે આપ્યાં છે ?

જવાબમાં વિદેશી પર્યાવરણવાદીઓએ ખુશ થઈને કહ્યું કે ‘વેલ, એમના બાઢાના મેન્યુમાં પારયાવરાનની ઝુમબૈશનું સ્લોગન છે… ‘સેવ ટમેટાં !’’

*** 

પ્રિસ્ક્રીપ્શન

મોંઘી 38 લાખની મર્સિડીઝ કાર એક ભવ્ય મલ્ટિસ્ટોરીડ બિલ્ડીંગ પાસે આવીને ઊભી રહી.

ડ્રાયવરે ઉતરીને તરત જ કારનો દરવાજો ખોલ્યો. એક જાજરમાન મહિલા ડાયમન્ડ નેકલેસ તથા ગોલ્ડ પ્લેટેડ ગોગલ્સ સાથે બહાર નીકળ્યાં.

ચાલ થોડી ધીમી હતી. મારબલનાં ચાર પગથિયાં ચઢતાં શ્વાસ ચડી ગયો. પંદર સેકન્ડનો તડકો લાગ્યો એમાં તો ત્વચાની ચમક ઝાંખી પડી ગઈ.

થોડી મિનિટો બાદ એ મહિલા એક અતિશય મોંઘા સ્ક્રીન સ્પેશીયાલિસ્ટની કેબિનમાં ફરિયાદ કરી રહી હતી :

‘મારા બ્લ્ડ રિપોર્ટમાં હેમોગ્લોબિન ઓછું બતાવે છે એ સાચું, પરંતુ શું એની દવા આટલી સસ્તી ?’

ડોક્ટરે પ્રિસ્ક્રીપ્શન પાછું લીધું અને નવું પ્રિસ્ક્રીપ્શન લખી આપ્યું.

એ વાંચીને મહિલાના ચહેરા ઉપર સ્મિત ચમકી ઊઠ્યું. પ્રિસ્ક્રીપ્શનમાં લખ્યું હતું :

‘દિવસમાં ત્રણ વાર ત્રણ-ત્રણ તાજાં ટામેટાં ખાઓ.’

***

-મન્નુ શેખચલ્લી

Comments