છેલ્લા બે ત્રણ દિવસમાં મેઘરાજાએ આખા ગુજરાતમાં જળબંબાકાર કરી નાંખ્યો છે. પરંતુ એની સાથે સાથે ભલતી સલતી અફવાઓ અને બોગસ સમાચારો પણ ફાટી નીકળ્યા છે ! જુઓ નમૂના…
***
પૂરના વિડીયો મોબાઇલ માટે જોખમી
જ્યાં સુધી મોબાઈલોમાં મકાઈના ભુટ્ટા, ગરમાગરમ ભજીયાં તથા મસાલેદાર ચ્હાના વિડીયો ફરતા હતા ત્યાં સુધી વરસાદી વાતાવરણમાં મોબાઈલોને ખાસ વાંધો નહોતો આવ્યો પરંતુ જુનાગઢ, નવસારી વગેરેનાં બેફામ પૂરના વિડીયોને કારણે નેટવર્કનાં ટાવરોનાં મોજાં તણાતાં હોવાને કારણે મોબાઇલોમાં વિડીયો ચોંટી ચોંટીને ચાલે છે. અમુક મોબાઈલોમાં પુરના વિડીયોનો ભરાવો થઈ જવાથી સીમકાર્ડ ઉપર ભેજ બાઝી જવાથી અંદર વાયરસ ઘૂસી જાય છે.
***
કરોડો પાણીમાં નથી ગયા !?
અમદાવાદમાં માત્ર પાંચ-છ ઇંચ વરસાદ પડવાથી ખામીયુક્ત ડ્રેનેજ સિસ્ટમના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે એવા આરોપના જવાબમાં એક કોર્પોરેટરે કહ્યું હતું કે, ‘કરોડો રૂપિયા પાણીમાં ગયા છે એ વાત સદંતર ખોટી છે હકીકતમાં કરોડો રૂપિયા ક્યાં ગયા છે એ તો કોર્પોરેશનમાં સૌ જાણે છે !’
***
હોડીની તત્કાલ ડીલીવરી મળશે !
તાજેતરમાં આવેલાં ઘોડાપુરને કારણે રાજ્યમાં હોડીની બહુ મોટી ડિમાન્ડ ઊભી થઈ હતી પરંતુ પર્યાપ્ત હોડી ન હોવાને કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી છે આ સમસ્યાના નિવારણ માટે નવી ‘તત્કાલ હોડી-યોજના’ લાવવામાં આવશે. જેમાં મોબાઈલના એપ વડે તમે તત્કાલના ધોરણે હોડીનો ઓર્ડર નોંધાવી શકો છો. જેમાં માત્ર 15 મિનિટમાં હોડીની ડિલીવરી મળી જશે. પુરની સ્થિતિમાં હોડીની હોમ-ડિલીવરી કરવા માટે પૂરતાં હેલિકોપ્ટરો ન હોવાથી ઓર્ડર નોંધાવનારે જાતે આવીને ટેમ્પો વડે હોડીઓ લઈ જવાની રહેશે.
- બાય ઓર્ડર
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment