આજકાલ બોલીવૂડમાં સાવ ફાલતુ વાતે સેલિબ્રેશનો ચાલી રહ્યાં છે, જેમકે ‘ફલાણી હિટ ફિલ્મને રિલીઝ થયાં ને 35 વરસ થયાં !’ ‘ફલાણી ફિલ્મને 25 વરસ થયાં !’
અરે, ભઇ, અમે કહીએ છીએ કે બીજી પણ એવી ઘટનાઓ છે જે યાદગિરી માગે છે ! દાખલા તરીકે…
***
કેસેટ કિંગ ગુલશન કુમારની હત્યાને કેટલાં વરસ થયાં ? એની હત્યાના ષડયંત્રનો ભાગીદાર સંગીતકાર નદીમ લંડનમાં ભાગી ગયાને કેટલાં વરસ થયાં ?
***
અચ્છા, સિરીયસ ના થવું હોય તો મને કહો, રેખાને આજ સુધી ‘જવાન’ રહ્યાંને કેટલાં વરસ થયાં ?
***
અરે, આમિર ખાને દેશ છોડી જવાની વાત કર્યા પછી દેશમાં જ પડ્યા પાથર્યા રહ્યાને કેટલાં વરસ થયાં ?
***
અચ્છા, તુષાર કપૂરને છેલ્લામાં છેલ્લો ‘આં-એ-ઈ-ઓ’વાળો ગુંગાનો રોલ કર્યાને કેટલાં વરસ થયાં ?
***
એ જ રીતે રોહિત શેટ્ટીએ છેલ્લી સેન્સિબેલ ફિલ્મ બનાવ્યાને, અને કંગના રાણાવતે છેલ્લું સેન્સિબલ ટ્વીટ કર્યાને કેટલાં વરસ થઈ ગયાં ?
***
અચ્છા, રાખી સાવંત ક્યાં છે ? એને પેલા પંજાબી ગાયક મિકા સિંહે કિસ કર્યાને કેટલાં વરસ થઈ ગયાં ? (યાદ કરો ! બિચારી રાખી સાવંતને પબ્લિસીટીની ‘તાતી’ જરૂર છે.)
***
એમ તો રામગોપાલ વર્માને પણ યાદ કરવા જોઈએ. એમની છેલ્લી ફિલ્મ કઈ હતી જે ‘જોવા જેવી’ હતી ?
***
અને તાજેતરની ઐતિહાસિક ઘટના યાદ કરવી હોય તો કરો, આર્યન ખાન પાસેથી ડ્રગ્સ કેટલાં વરસ પહેલાં ‘નહોતું’ પકડાયું ?
***
છેલ્લે એક પર્સનલ રેકોર્ડ…
બોલો, કેટલાં વરસ પછી તમને ખ્યાલ આવ્યો કે ‘હા… ફલાણી ફિલ્મમાં ફલાણો સીન હિન્દુઓનું અપમાન કરવા માટે જ રાખ્યો હતો ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment