અમદાવાદીઓની ચંદ્રયાત્રા 2040 !!

આપણું ચંદ્રયાન તો સલામત રીતે ટેકઓફ કરીને સ્પેસમાં પહોંચી ગયું. ભલું હશે તો ચંદ્ર ઉપર લેન્ડિંગ કરીને ઇતિહાસ પણ સર્જી દેશે. 

પણ બોસ, જરા કલ્પના કરો… જ્યારે 2040માં આપણે વિશ્વગુરુ બની ચૂક્યા હોઈશું અને અમદાવાદના રિવરફ્રન્ટની પાળેથી એકાદ ‘મુન-શટલિયું’ અઠવાડિયે બે વાર ચંદ્રની ટીપ ઉપર જતું હશે ત્યારે કેવાં કેવાં દ્રશ્યો થતાં હશે…

‘મેં તમને પેલ્લાં જ કીધેલું કે ઓનલાઇન રેડીમેઇડ સ્પેસ-સુટ મંગાવવાને બદલે આપડા ચંદુલાલ ટેલર જોડે સીવડાઈ લો ! પણ તમે ના માન્યા… હવે કમરમાંથી ટાઇટ પડે છે ને ?’ એક કાકી કાકા જોડે કચકચ કરતાં હશે.

“ના ના, એવું નથી. આ તો ચાર દહાડાથી મેરેજોના રિસેપ્શનોમાં જરી રસ-પુરી-પાત્રાં વધારે ખવાઈ ગયાં છે ને, એટલે...' કાકા પોતાનું પેટ સ્પેસ- સૂટમાં એડજેસ્ટ કર્યા પછી કાકીનું મગજ ખાતા હશે :

'પણ તને આ કાંજીવરમની સાડી પહેરવાનું કોણે કીધેલું ? સ્પેસ-સૂટ પહેર્યા પછી તો સેલ્ફીમાં ય દેખાતી નથી. અને ઉપરથી... એટલે કે નીચેથી તો સ્પેસ-સૂટ પેન્ટ જ જેવો હોય ! તો એમાં તારી કાંજીવરમ સાડીનો ડૂચો ના થઈ જાય ?”

‘બસ તમે તો રે’વા જ દો હોં ? બેબીએ છેક મંગળ ઉપરથી આપડા માસાની દુકાન માર્સ-કાંજીવરમ સાડી મોકલાઈ હોય તે આવા પ્રસંગે નંઈ તો ક્યારે પે’રવાની ? અને પહેરતાં પહેરતાં તો સેલ્ફીઓ લીધી જ છે… પંદર હજાર લાઇકો બી મલી ગઈ છે ! આ તો તમારું જ ધ્યાન કોઈ બીજી સગલી ઉપર લાગે છે !’

એ બીજી NRI સગલી એના લેટેસ્ટ NRI સગલા જોડે થ્રી-ડી કોલમાં ચોંટી હશે : 

‘હાઆઆઈ ! લુક… મારુ આ બાન્ઢાની સ્ટાઈલનું સ્પેસ-સૂટ કેવું લાગે ચે ? ઓસ્સમ નો ? આય એમ ડાઈંગ ટુ સી યુ. ટને ચંડ્રા પર જોવા માટે મરી રઈ ચુ… એન્ડ ઓ યાહ ! તારી મોમે મારી જોડે ફ્રોઝન કાઠીયાવારી ખિચરી-કરી એન્ડ બ્રિન્જોલનો ઓરો સેન્ડ કરિયો ચે ! ડાઇંગ ટુ ઇટ વિથ યુ. તારી સાતે ખાઈને મરી જવા… સોરી, સોરી, ગુગલ ટ્રાન્સલેટ ઇઝ વેરી ફની !’

આટલા વર્ણનમાં તમે સમજી જ ગયા હશો કે સાબરમતી રીવરફ્રન્ટથી ચંદ્ર ઉપર બનેલી ‘ન્યુ-કર્ણાવતીનગરી’ વચ્ચેની આ સ્પેસ-ફ્લાઇટનું શટલિયું હમણાં હમણાં જ ચાલું થયું હશે. બાકી જમ્બો સ્પેસ-ફ્લાઈટો તો વરસોથી ચાલતી જ હશે.

અંદર જતાંની સાથે જ કર્કશ મહેસાણી અવાજમાં એનાઉન્સમેન્ટ ચાલતું હશે : 

'હોંભળો ! ધક્કામુક્કી કરશો નંઈ ! શીટ નંબર પરમોંણે જ બેહવા મલશીં… બારીએ બેહવા હારુ કોઈએ કોઈનોં લમણોં લેવોં નંઈ ! અને શોંતિ રાખો… ફ્લાઇટ ઉપડવાને અ’જી વાર છ… કેમકે પાયલોટ માવો ખઈને થૂંકવા જ્યો છે !

જોકે વિન્ડો સીટ પર બેસતાંની સાથે જ કોઈ ફરિયાદ કરશે. ‘આ બારીનો કાચ લાલ લાલ કેમ દેખાય છે ?’ 

જવાબ મળશે ‘એ તો ઉદ્ઘાટનના દહાડે જ કોઈ પાનની પિચકારી મારી ગયું હતું ને એટલે !’ 

એવામાં બીજો પેસેન્જર કહેતો હશે : ‘મારી તો બારી જ બંધ છે. ઉપર પ્લાયવૂડ મારી રાખ્યું છે !’ 

જવાબ મળશે : ‘એ તો બારીના ખાસ પ્રકારના મોંઘા કાચમાં સ્હેજ તીરાડ પડી ગઈ છે ને, એટલે !’

આખરે, બધા પેસેન્જરો સીટો ઉપર ગોઠવાઈ ગયાને 45 મિનિટ થઈ જવા છતાં શટલિયું હજી ઊભું જ હશે કેમકે વચ્ચે ચાલવાની જગ્યામાં સાંકળો વડે બાંધેલાં સ્ટુલો ગોઠવીને ‘એકસ્ટ્રા’ પેસેન્જરોને ‘ઓનમાં’ બેસાડવામાં આવી રહ્યા હશે !

દરમ્યાનમાં ‘આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો…’નું રિ-મિક્સ 27મી વખત વાગી ચૂક્યું હશે. 

એવામાં એક ફોરેનર લાગતો માણસ હાથમાં મોટો થાળ લઈને ‘ખમ…ઓન ! ખમ… ઓન!’ એવી બૂમો પાડતો શટલિયામાં આંટા મારતો દેખાશે.

પેલાં કાકી કાકાને પૂછશે : ‘આ ધોળિયો કોને કમ-ઓન કમ-ઓન કરીને બોલાવે છે ?’ 

કાકા કહેશે ‘એ કમોન કમોન નથી કહેતો… ખમોંન ખમોંન કરીને ખમણ વેચે છે ! ખાવાં છે ?’

છેવટે, પાઈલોટ અને કંડકટરનાં એકસ્ટ્રા પેસેન્જરોનાં ‘સેટિંગ’ પતી ગયા પછી, ધોળિયા ફેરિયાનાં અડધો અડધ ખમણ વેચાઈ ગયા પછી, કાળિયા ફેરિયાના મસાલેદાર મેક્સિન મકાઈ ડોડા ખવાઈ ગયા પછી અને રાજકોટની પ્રખ્યાત પિચ્ચાંઉં સોડા પીધાના ઓડકારો ખાધા પછી જ્યારે શટલિયું આછી ધ્રુજારી અને મોટી ધણધણાટી સાથે ઉપડશે ત્યારે ‘અંબે માત કી જય !’ ‘ભારત માતા કી જય !’ અને ‘વંદે માતરમ્ !’નાં નારાઓ ગુંજી ઊઠશે.

પરંતુ શટલિયું હજી શૂન્યાવકાશમાં દાખલ થાય ત્યાં તો ડાબે જમણે હાલક-ડોલક થતું, બગડી ગયેલી રીક્ષાની જેમ ઝાટકા મારવા લાગશે ! 

આવા સમયે કોઈ પોલિટીકલ પંડિત ટાઇપનો પેસેન્જર કોમેન્ટ કરશે : ‘રીવરફ્રન્ટના સી પ્લેનની જેમ આનું પણ બાળમરણ થશે કે શું ?’

ત્યાં તો કર્કશ મહેસાણી એનાઉન્સમેન્ટ સંભળાશે : ‘ભૈશાબ, કોઈને મૃત્યુંજયનોં જાપ કરતોં આવડ છ ?’ આ સાથે જ પેસેન્જરોમાં સન્નાટો છવાઈ જશે…

(પછી થશે શું ? આવતા અઠવાડિયે વાત !)

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments