ધર્મસંકટ કોને કહેવાય ?

દેશમાં જે ધર્મને લગતું રાજકારણ ચાલે છે એની વાત જ નથી ! આ તો આપણી રોજિંદી, નોર્મલ લાઇફમાં જે સંકટો આવે છે તેની વાત છે…

*** 

ધર્મસંકટ કોને કહેવાય…
લગ્નની પસંદગી માટે કન્યા જોવા ગયા હોઈએ, કન્યા ચાની ટ્રે લઈને આવે… અને પહેલો ઘૂંટડો પીતાની સાથે જ જબરદસ્ત છીંક આવે….

- એને કહેવાય ધર્મસંકટ !

*** 

ધર્મસંકટ કોને કહેવાય…
કોલેજમાં સાથે ભણતી છોકરીને ખુબ આગ્રહ કરીને બાઇક ઉપર લિફ્ટ આપી હોય… અને અડધે રસ્તે પેટ્રોલ જ પતી જાય…

- એને કહેવાય ધર્મસંકટ !

*** 

ધર્મસંકટ કોને કહેવાય…
ટ્રેનમાં મસ્ત વિન્ડો-સીટ મળી હોય, ત્યાં કોઈ સુંદર યુવતી સ્માઇલ કરીને રિક્વેસ્ટ કરે, કે પ્લીઝ બારી પાસે બેસવા દેશો ? તમે હરખભેર વિન્ડો-સીટ ખાલી કરી આપો… અને એ સીટમાં યુવતી એની મમ્મીને બેસાડી દે…

- એને કહેવાય ધર્મસંકટ !

*** 

ધર્મસંકટ કોને કહેવાય…
કોલેજમાં પ્રોફેસરે આપેલા કોઈ અઘરા સબમિશન માટે ઇન્ટરનેટમાં સર્ચ મારીને આખેઆખો પ્રોજેક્ટ કોપી-પેસ્ટ કરી લીધો હોય… અને કોલેજમાં તમે સબમિટ કરો એ પહેલાં જ ક્લાસની કોઈ સ્માર્ટ છોકરીએ એ જ પ્રોજેક્ટ સબમિટ કરીને સરની વાહ વાહ પણ લઈ લીધી હોય !

- એને કહેવાય ધર્મસંકટ !

*** 

ધર્મસંકટ કોને કહેવાય…
જે પુલનું એક પાર્ટીના નેતાએ ભૂમિપૂજન કર્યું હોય, બીજી પાર્ટીના નેતાએ શીલારોપણ કર્યું હોય, ત્રીજી પાર્ટીના નેતાએ જેનું ઉદ્ઘાટન કર્યું હોય અને ચોથી પાર્ટીના નેતાએ એ પુલનું નામ જ બદલી નાંખ્યું હોય..

એ પુલ અચાનક આખેઆખો તૂટી પડે…

- એને કહેવાય ધર્મસંકટ !

***

- મન્નુ શેખચલ્લી

Comments