ફ્રીજ: એક પહેલી !


‘પહેલી’ એટલે ઉખાણું, કોયડો, કુટપ્રશ્ન અથવા ભૂલભૂલામણી ! કોના માટે ? અરે પતિઓ માટે ! ટીન-એજર છોકરા-છોકરીઓ માટે !

ઘરની ગૃહિણી સિવાય કોઈપણ વ્યક્તિ આ ભૂલભૂલામણીમાં પૂછ્યા વિના કે ઇવન પૂછીને પણ ઘૂસવાની હિંમત કરતું નથી. કેમકે પુરુષો અને ટીન-એજરોની ફ્રીજની ભૂગોળ વિશેની સમજ એટલી જ હોય છે કે છેક ઉપરના ખાનામાં આઇસક્રીમ અથવા બરફની ટ્રે હોય છે, એની નીચે ચોકલેટો વગેરે હોય છે અને દરવાજાના નીચેના ભાગમાં ઠંડા પાણીના બાટલા હોય છે. બસ.

આ સિવાય જો તમારે ફ્રીજમાંથી કંઈ કાઢવું હોય તો જે રીતે લખનૌની ભૂલભૂલામણીમાં કોઈ ગાઈડને લીધા વિના ગયા હો અને વચમાં હલવાઈ જાવ એવી દશા થઈ શકે છે. બલ્કે, એનાથી યે ખરાબ દશા થતી હોય છે ! 

કેમકે અહીં દૂધની મોટી તપેલીની પાછળ દૂધની નાની તપેલી હોય છે.. 
જેની પાછળની સાવ નાની તપેલીમાં દહીં હોય છે... 
જેની ઉપર સવારની દાળનો વાટકો હોય છે... 
જેની ઉપર ચટણીનું કાચનું ચલાણું હોય છે... 
અને તે ચલાણાના ઢાંકણા પર અડધું કાપેલું લીંબુ હોય છે !
 
એટલું જ નહીં, એની સાઈડમાં જે બેઠા ઘાટનો લોટો હોય છે જેમાં વલોવેલી છાશ હોય છે... 
જેના ઢાંકણા ઉપર ગઈકાલે રાત્રે પંજાબી રેસ્ટોરન્ટમાંથી પેક કરાવીને લાવેલી બે સબ્જીઓના વાડકા એકની ઉપર એક ચડતા ક્રમમાં ગોઠવેલા છે... 
જેની ઉપર ભાવનગરવાળાં માશીએ મોકલાવેલી સ્પેશીયલ કોપરાની ચટણીની ઊંચા ઘાટની બાટલીને જાણે સરકસની પ્લાસ્ટિક ગર્લ દોરડાં ઉપર ચાલવાનો ખેલ બતાડતી હોય એ રીતે ગોઠવેલી છે !

આ બધાની વચ્ચે જે નાની મોટી જગ્યા રહી ગઈ હોય ત્યાં દહીનું મેળવણ (કાલ માટે) લીંબુ શરબતનો ગ્લાસ (બપોર માટે) તીખી લીલી ચટણી (સેન્ડવીચ માટે) તથા આદુ-મરચાં-લસણનો લીલો મસાલો (રોજ બધામાં નાંખવા માટે) તથા એ સિવાયની બે ડઝન ચીજો તથા ડીશોમાં કઈ ચોક્કસ પોઝિશનમાં રાખેલી છે તેની ખબર ફ્રીજની માલિકણ સિવાય કોઈને હોતી નથી !

આવી વિચિત્ર ગોઠવણમાં જ્યારે કોઈ અજાણ્યો પુરુષ (ભલે તે પંદર વરસથી ગૃહિણીનો પતિ કેમ ના હોય, ફ્રીજ બાબતે તો ‘અજાણ્યો’ જ કહેવાયને ?) પોતાને જોઈતી કોઈ ચીજ શોધવા માટે હાથને અંદર નાંખીને... કાંડેથી કાટખૂણે વાળીને... આંગળીઓને 180 ડીગ્રીએ ઘુમાવીને... અંગૂઠાને ‘લૂપ’ આકારે ગોઠવીને.... સફળતાપૂર્વક છેક ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા પછી બહાર કાઢવામાં માત્ર દોઢ ડીગ્રીના અંતરે થાપ ખાઈ જાય તો આખેઆખો એકદંડિયો મહેલ ‘છનનનન… છમ્’ કરતો તૂટી પડે છે ! 

એટલું જ નહીં, એ જ વખતે ગૃહિણીની ત્રાડ સંભળાય છે : ‘તોડી નાંખો ! ના ના, બધું જ તોડી નાંખો !’

સરવાળે, ઉનાળાઓમાં જેમની ઉપર પરમેનેન્ટ આરોપ હોય છે કે ‘આ પાણીના બાટલાઓ કોણ ભરશે ? તમારો બાપો ?’ એવા પિડીત પતિઓ (અથવા ટીન-એજર સંતાનો) ફ્રીજની પઝલથી હંમેશાં દૂર જ ભાગતા ફરે છે.

આ તો ફક્ત ફ્રીજનાં વચલા ખાનાંઓની વાત થઈ. બાકી, પેલા દરવાજાની સાઈડે જે નાની નાની પાળીઓ આપેલી છે એમાં તો હકીકતમાં કિચનનું ‘મિનિ-માળિયું’ જ હોય છે ! 

કેમકે એમાં રાખેલી પંચોતેર ટકા ચીજો આખા વરસ દરમ્યાન કદી વપરાતી જ નથી હોતી ! બસ, દિવાળી આવે ત્યારે એને એની સફાઈ થાય છે (ઉપર ચોંટેલી ફૂગ વગેરે દૂર કરવા માટે) અને ફરી ત્યાં જ આખા કાટમાળને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે !

કહેવાય છે કે કમાન્ડોની ખતરનાક ટ્રેનીંગમાં એક વિઝ્યુઅલ મેમરી ટેસ્ટ હોય છે, જેમાં તમારે માત્ર દસ કે પંદર સેકન્ડમાં એક જ સરસરતી નજર ફેરવીને પછી આંખો બંધ કરીને ડિટેઈલમાં યાદ કરવાનું હોય છે કે તમે શું શું જોયું ? અમારું માનવું છે કે આજે ભલભલી ટ્રેનીંગ લીધેલો કમાન્ડો આપણી ગુજરાતણનું ફ્રીજ ખોલીને પુરી પંદર મિનિટ સુધી સરસરતી નજર મારે પછી પણ એમાંની અડધી આઈટમોને યાદ તો શું રાખી શકે, અડધો અડધ આઈટમો સુધી એની નજર જ નહીં પહોંચી શકે !

અચ્છા, એ છોડો, પેલા ટીવીમાં જે ‘માસ્ટર-શેફો’ આવે છે ને ? જે રાંધનારાઓની ભૂલો કાઢ્યા કરે છે, એમને કહો કે અમારા ફ્રીજની તમામ એકસો ને નવ્વાણું આઈટમોને માત્ર પાંચ મિનિટમાં ફ્રીજની બહાર કાઢીને પાછી ‘હતી ત્યાં ને ત્યાં’ ગોઠવી આપે ! બોલો, લેશો ચેલેન્જ ?

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments