આખી દુનિયાની તમામ પ્રજાઓમાં ગુજરાતીઓ અનોખા છે કેમકે આપણને આપણી પોતાની ઉપર હસતાં આવડે છે ! પાક્કા ગુજરાતીને કોઈ ગાળો આપી જાય તો એ જરાય ગુસ્સે નહીં થાય. કેમ ? એ કહેશે ‘એ કંઈ આપે જ છે ને ? કશું લઈ તો નથી જતો ને ?’
એ સિવાય પણ ગુજરાતીઓનાં ચોક્કસ લક્ષણો છે. જેમ કે…
***
કરવાની તો ‘વર્લ્ડ-ટુર’ પણ જોડે ગુજરાતી રસોઈયો તો જોઈએ જ ! … ગુજરાતીઓનું એક લક્ષણ એવું.
***
પેરિસના એફિલ ટાવર સામે ફોટો પડાવ્યો હોય કે નાયાગ્રાના ધોધની સામે, આપણાં ગુજરાતી બૈરાંઓએ મોંઘી સાડી ઉપર લાંબી બાંયનું સ્વેટર તો પહેર્યું જ હોય !... ગુજરાતીઓનું બીજું લક્ષણ એવું.
***
એક ગુજરાતી અહીંથી અમેરિકા ગયો હોય તો એના 32 કિલોના બેગેજમાંથી 12 કિલો વજન તો ખાખરા, થેપલાં, પાપડ, અથાણાં, રાજગરાનો લોટ, દેશી લાલ મરચું, અને ઉંઝાનું ઇસબગુલ કે ભાવનગરવાળાનું કાયમ ચૂર્ણ વગેરે આઇટમોનું જ થતું હશે !... ગુજરાતીઓનું ત્રીજું લક્ષણ એવું.
***
અમેરિકાથી ઓડ સિઝિનમાં ગુજરાતમાં આવેલો NRI બે જ કામ માટે આવ્યો હશે. કાં તો એ દુઃખતી દાઢ કઢાવવા આવ્યો હશે અથવા બે મહિનાથી પોસ્ટપોન કરેલી હાર્ટની બાય-પાસ સર્જરી કરાવવા આવ્યો હશે !
…ગુજરાતીઓનું ચોથું લક્ષણ એવું.
***
એમ તો અહીં વસતા ‘નેટિવ’ ગુજરાતીઓ પણ કંઈ ઓછા નથી.
અહીં ભરચક ટ્રાફિકમાં બાઇક કે સ્કુટરને વાંકુચૂકું ચલાવીને, ગમે ત્યાં ઘૂસ મારીને, સૌથી આગળ નીકળવામાં રોજ ‘ફોર્મ્યુલા-વન’ રેસ જીતતા હોઈએ એમ ફાંકા મારીએ, પણ કદી ક્યાંય ટાઇમસર તો નહીં જ પહોંચવાનું ! … ગુજરાતીઓનું પાંચમું લક્ષણ એવું.
***
લાખો રૂપિયાની મર્સિડીઝમાંથી ઉતરીને આવેલી શેઠાણી શાકવાળા જોડે ભાવમાં કચકચ કર્યા વિના નહીં રહે ! .. ગુજરાતીઓનું છઠ્ઠું લક્ષણ એવું.
***
પગ વડે સાઇડ બતાવીને ગમે ત્યાં વળી જતી ગૃહિણીઓ રોજ ચાર લારીઓ ઉપરથી શાકભાજી, કેળાં, લીંબુ વિથ ફ્રી ફૂદીનો ખરીદશે પણ ચારેય લારીવાળા પાસેથી રોજે રોજ પ્લાસ્ટિકની થેલીઓ ભૂલ્યા વિના માગશે !.... ગુજરાતીઓનું સાતમું લક્ષણ એવું.
***
ઘરના રસોડામાં પંજાબી, ચાઇનિઝ, સાઉથ ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ વાનગીઓ વારંવાર બનતી હોય, છતાં જો ગુજરાતી થાળી ખાવાનું મન થાય તો સહકુટુંબ રેસ્ટોરન્ટમાં જ જાય ! … ગુજરાતીઓનું આઠમું લક્ષણ એવું.
***
અહીં ચોપડા-પૂજન કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર ચાંલ્લા કરીને થાય છે, કંકોતરીઓ વોટ્સએપમાં મોકલાય છે અને સત્યનારાયણની કથા ફેસબુકમાં ‘લાઇવ’ પ્રસારિત થાય છે, જેથી NRIઓ પણ લાભ લઈ શકે !… ગુજરાતીઓનું નવમું લક્ષણ એવું.
***
હિન્દી બોલતાં ફાવતું નથી છતાં ‘ઉનાળે મેં પરસેવે સે બુસટ પલળ જાતા હે’ એવા ‘રૂપાણી-હિન્દી’વાળા ફની વિડીયો પણ જાતે જ બનાવીને મુકવાના ! … ગુજરાતીઓનું દસમું લક્ષણ એવું.
***
પોતાના પૈસા શેરબજારમાં હલવાણા હોય છતાં અદાણી-અંબાણીનો વર્લ્ડમાં ઊંચો નંબર જોઈને ગર્વથી છાતી તો ફૂલાવવાની જ !... ગુજરાતીઓનું અગિયારમું લક્ષણ એવું.
***
અને ભલે વાવાઝોડું આવે, પુર આવે કે કોરોનાનો કાળો કહેર આવે… છતાં સતત એની જોક્સ બનાવીને હસતા હસાવતા તો રહેવાનું જ ! … ગુજરાતીઓનું બોસ, બારમું ખાસ લક્ષણ એવું… શું કહો છો ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Nice sir
ReplyDelete