આ તો સારું છે કે અમુક ડોક્ટરોને કવિતામાં સમજ પડતી હોય છે એટલે મુશાયરામાં જઈને વાહ-વાહ પણ કરે છે. પરંતુ ધારો કે એમની કવિતાઓને સિરિયસલી લેવા માંડે તો ?
- કેવાં કેવાં ડાયાગ્નોસિસ થાય ? જુઓ…
***
કવિ : ‘મારી આંખે કંકુના સુરજ આથમ્યા…’
ડોક્ટર : મિત્ર, તમને મોતિયો પણ નથી આવ્યો અને અંધાપો પણ શરૂ નથી થયો. આ તો આંખોમાં મરચાંની ભૂકી ઊડી લાગે છે ! થોડી વાર માટે પાણીની છાલકો મારો… અને પત્ની પિયર ગઈ હોય તો ટિફીન બંધાવો ! આમ જાતે રસોડામાં ઘૂસીને નવા નવા પ્રયોગો ના કરો !
***
કવિ : ‘પગલું પગલામાં અટવાણું કે મનખો રમતો અલક ચલાણું…’
ડોક્ટર : યાર, પગમાં સિમ્પલ મોચ આવી ગઈ છે ! પાટો બંધાવીને ચાર દિવસ ઘરમાં સખણા બેસો ! જ્યાં ને ત્યાં મહિલા શ્રોતાઓની પાછળ કાવ્ય સંગ્રહનું ચલાણું લઈને દોડવાનું બંધ કરો !
***
કવિ : ‘હમ અપને પૈરોં મેં જાને કિતને ભંવર લપેટે હુએ ખડે હૈ…’
ડોક્ટર : અહીં જે કોઈ હિન્દીભાષી કવિશ્રી હોય, તેનું મારું સ્પષ્ટ ડાયાગ્નોસિસ છે કે તેઓશ્રીને હાથીપગો થયો છે ! એમને કહો કે આમ ભંવર લપેટે ખડે રહેવાથી હાલત વધારે બગડશે ! રોજ ભંવરના પાણીથી નહીં પણ સાદા પાણીથી પગ ધોવાનું રાખો ! અને ખડે ના રહો, શક્ય એટલું ચાલો ! ભૈશાબ, તાત્કાલિક ડોક્ટરની ટ્રિટમેન્ટ ચાલુ કરો !
***
કવિ : ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ…’
ડોક્ટર : આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. કવિને ‘ક્લિપ્ટોમેનિયા’ યાને કે જે હાથે ચડ્યું તે ચોરી લેવાની માનસિક બિમારી હતી. પરંતુ સાયકો થેરાપીનાં સેશન્સ પછી હવે તે પોતાના મનને સતત ટપારીને રોકી રહ્યા છે ! ગુડ ! વેરી ગુડ ! કીપ ઈટ અપ… મટી જશે, હોં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment