હાસ્ય કલાકારો vs. સ્ટેન્ડ અપ કોમેડીયનો

અગાઉ હાસ્ય કલાકારો નિરાંતે બેઠા બેઠા જોક્સ સંભળાવતા હતા અને સાંભળનારા પણ નિરાંતે બેઠાં બેઠાં હસતાં હતાં.

હવે સ્ટેન્ડ-અપ કોમેડિયનો આવ્યા છે. એ લોકો ઊભા ઊભા જોક્સ મારે છે અને સાંભળનારા જોક્સ શરૂ થાય એ પહેલાં જ હસવા માંડે છે !

આ સિવાય પણ ઘણા ફરક છે…

*** 

હાસ્ય કલાકારોના વિડીયોમાં પ્રેક્ષકો હસતા હોય એવાં દ્રશ્યો ગમે ત્યાંથી ઉઠાવીને જોડેલાં હોય છે.

સ્ટેન્ડ-અપ કોમેડિયનના વિડીયોમાં પ્રેક્ષકો અંધારામાં હોય છે અને સતત એમના હસવાના અવાજો ક્યાંકથી સંભળાયા કરે છે.

*** 

હાસ્ય કલાકારોની જોક્સમાં નેવું ટકા જોક્સ પતિ-પત્ની વિશેના હોય છે અને બાકીના દસ ટકા જોક્સ, જોક્સ નહીં પણ જિંદગીની ફિલોસોફી સમજાવતી શાયરીઓ હોય છે.

(આવા વખતે પરણેલા પ્રેક્ષકો હસવાને બદલે તાળીઓ પાડે છે.)

સ્ટેન્ડ-અપ કોમેડિયનોની જોક્સમાં નેવું ટકા જોક્સ પોતાના મા-બાપ વિશે, પોતાના બાળપણ વિશે, પોતાની જોબ વિશે, પોતાના મિડલ ક્લાસની અગવડો વિશે, પોતાના ગુજરાતીપણા / પંજાબીપણા / મુંબઈપણા / અમદાવાદીપણા / દેશીપણા… જેવા ‘પણા’  હોય છે. અને બાકીની દસ ટકા જોક્સમાં ધર્મ અને પોલિટીક્સ વિશે ‘કોમેન્ટ’ હોય છે.

(જ્યારે આવી ‘કોમેન્ટ’ આવે ત્યાર પ્રેક્ષકો ‘વ્હુઉઉઉ…’ એવા અવાજો કરીને પોતે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છે એવો સંકેત આપે છે.)

*** 

હાસ્ય કલાકારોના પ્રેક્ષકો ‘પરાવલંબી’ હોય છે. બિચારા હાસ્ય કલાકારની જોક સારી હોય તો જ હસે છે.

સ્ટેન્ડ-અપ કોમેડિયનોનું ઓડિયન્સ ‘આત્મનિર્ભર’ હોય છે. પોતે નહીં હસે તો ડફોળમાં ગણાઈ જશે એવા ડરથી હસતું રહે છે.

*** 

હાસ્ય કલાકારોના પ્રેક્ષકોને દ્વિઅર્થી, વલ્ગર, સેક્સ-સંબંધી જોક્સ તથા ગાળો બિલકુલ પસંદ નથી.

પરંતુ સ્ટેન્ડ-અપ કોમેડિયનો જ્યારે ગાળ બોલીને પરણેલા ટાઇપના લોકો ‘સંસ્કારી’ હોવાની કોમેન્ટ કરે છે ત્યારે એમનું ઓડિયન્સ રાજીરાજી થઈને ‘વ્હુઉઉઉ…’ એવી  ચિચિયારીઓ પાડે છે.

બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments