‘અંકલ હું કાર લઈને એ બાજુ જ જવાનો છું તમને મુકી જાઉં ?
‘ના ! એક વાર કહ્યું ને, હું જાત્તે જ જઈશ !’
પંચ્યાશી વરસના જયસુખભાઈનું નામ જ ‘જયસુખ-જાત્તે’ પડી ગયેલું. એ પણ છેક બાળપણથી ! એ નાના ચાર વરસના હતા ત્યારે પોતાના પાયજામામાં નાડું જાત્તે જ નાંખતા હતા. અને મોટા થયા પછી આજે પોતાના વાળ પણ જાત્તે જ કાપી શકે છે. વચમાં જ્યારે એ જવાન હતા ત્યારે જાત્તે જ કન્યા પસંદ કરી, જાત્તે જ મૂરત શોધીને, જાત્તે જ કોર્ટમાં જઈને જાત્તે જ લગ્ન કરી આવેલા.
મોદી સાહેબનું ‘આત્મનિર્ભર’વાળું તો હજી હમણાં આવ્યું પણ ‘જયસુખ-જાત્તે’ છેક એ જમાનાથી એટલા આત્મનિર્ભર હતા કે પોતાનું હરસ-મસાનું ઓપરેશન પણ જાત્તે જ કરવા માગતા હતા ! એ તો સારું થયું કે એમને કોઈ વૈદ્યરાજ મળી ગયા, જેમની દવાથી દરદ મટી ગયું, જોકે એ પછી જયસુખભાઈ સૌને એમ જ કહેતા ફરતા હતા કે મારા હરસ-મસા મેં જાત્તે જ મટાડ્યા છે !
જોકે આજે જે ‘આત્મનિર્ભર’ કામ કરવાનું હતું તે તો સાવ સહેલું હતું. કોઈ ‘અવસર’ પાર્ટી પ્લોટમાં એક લગ્નનું રિસેપ્શન એટેન્ડ કરવાનું હતું. પડોશના છોકરાએ કારમાં લિફ્ટ ઓફર કરી પણ ‘જયસુખ-જાત્તે’ એમ કંઈ પરાવલંબી બનીને કારમાં જાય ખરા ?
એમણે રીક્ષા કરી, જાત્તે જ મીટર ઝીરો કર્યું, જાત્તે જ ડાબે-જમણે વળવાની સૂચનાઓ આપી, જાત્તે જ ઉતરી ઉતરીને ચાર ઠેકાણે સરનામું પૂછ્યું અને છેવટે જાત્તે જ રીક્ષાના રેટ-કાર્ડમાં જોઈને 100ની નોટ આપતાં જાત્તે જ હિસાબ ગણીને કહ્યું : ‘તારે મને અગિયાર રૂપિયા ને ચાલીસ પૈસા પાછા આપવાના.’
જયસુખભાઈની ચીવટ બધી જ વાતમાં દેખાઈ આવે. ‘અવસર’ પાર્ટી પ્લોટમાં દાખલ થતાંની સાથે જ ત્યાં આવકાર માટે ઊભેલા વડીલને ખખડાવી નાંખ્યા : ‘આ બોર્ડ કોણે બનાવ્યું છે ? નીરવ વેડ્ઝ નિશામાં સ્પેલિંગો સાવ ખોટ્ટા છે ! નીરવમાં ડબલ ઈ આવે અને નિશ્રામાં આઈ હોય, ડબલ ઈ નહીં ! કોઈને બોલાવીને તાત્કાલિક પાટિયું બદલાવો… કંઈ ભાનબાન પડે છે કે નહીં ?’
પંચ્યાશી વરસના જયસુખભાઈનો ઘાંટો બહુ મોટો. ઉપરથી બિલોરી કાચ જેવા જાડા ચશ્મા પહેરે એટલે આંખોના ડોળા નોર્મલ હોય તો પણ લખોટા જેવા લાગે ! બિચારા સ્વાગત માટે ઊભેલા વડીલ ગેંગેંફેંફેં થઈ ગયા.
અંદર જતાંની સાથે જ જયસુખભાઈએ જાત્તે સપાટો બોલાવ્યો. લાઈવ ઓરકેસ્ટ્રામાં ફિલ્મી ગાયનો ગવાઈ રહ્યાં હતાં તે ઘાંટો પાડીને તાત્કાલિક બંધ કરાવ્યાં. ‘અલ્યાઓ આપણી સંસ્કૃતિ ભૂલી ગયા ? આ શું પેમલા પેમલીનાં ગાણાં માંડ્યાં છે ? ચાલો, લગ્નગીતો ગાવ ! અને ના આવડતાં હોય તો ડોબાઓ, મુંગા મરો !’
લીલી હરિયાળી લોનમાં ઘડીભર સન્નાટો છવાઈ ગયો. છ ફૂટના કદાવર અને કડક દેખાતા વડીલને છંછેડવાની કોણ હિંમત કરે ? માંદલા અવાજે લગ્નગીતો શરૂ થયાં…
મૂળ તો જયસુખભાઈને તમામ પ્રસંગો માથે રહીને જાત્તે જ પાર પાડવાની ટેવ. પરંતુ આ લગ્ન તેના દૂરના ભત્રીજાનું હતું એટલે છેક હવે ચિત્રમાં દાખલ થયા હતા. અહીંનું ચિત્ર એ ‘જાત્તે-પોત્તે’ બદલવાના મૂડમાં હતા.
‘અલ્યા, વિડીયોવાળાઓ અને ફોટાવાળાઓ જરા આઘા મરો ને ? લગનની વિધીઓ ખાલી તમારે જ જોવાની છે ?’ જોકે ગોર મહારાજ કરતાં ય વધુ માન ખાનારા વિડીયોગ્રાફરોએ ખાસ ભાવ આપ્યો નહીં એટલે જયસુખભાઈ જાત્તે બુફે ટેબલો તરફ વળ્યાં. અહીં તો એમણે રીતસર તમાશો જ ઊભો કરી દીધો.
‘આ ગુલાબજાંબુ શ્યુગર-ફ્રી કેમ નથી ? મોહનથાળ શ્યુગર-ફ્રી કેમ નથી ? અરે, અહીં આખેઆખું શ્યુગર-ફ્રીનું કાઉન્ટર રાખવાનું હતું ! ક્યાં છે કન્યાના બાપા ? બોલાવો એમને !!’
કન્યાના બાપા આવ્યા કે તરત એમને ખખડાવી નાંખ્યા : ‘આ શું વેશ કાઢ્યા છે ? વાળ કાળા કરી નાંખ્યા છે, મૂછો મૂંડાવી નાંખી છે, ચશ્મા કઢાવી નાંખીને કોન્ટેક્ટ લેન્સ પહેર્યા છે કે શું ? અને લગ્નમાં સારા દેખાવા માટે પાંચ કિલો વજન પણ ઉતારી નાંખ્યું ?’
કન્યાના બાપા બગડ્યા : ‘હું જેવો હોઉં તેવો ! તમે છો કોણ ?’ જયસુખ જાત્તે સામું બરાડ્યા ‘અરે, હું નીરવનો ફૂવો મુવો છું ! સગાઈ વખતે આપણે શ્યુગર-ફ્રીના કાઉન્ટરની શરત થઈ હતી તે ભૂલી ગયા ?’
‘કેવી શરત ? શેની શરત ? અને નીરવનો કોઈ જયસુખ ફૂવો છે જ નહીં ! તમે ક્યાંથી ફૂટી નીકળ્યા ?’
આખરે અડધા કલાકની લમણાંઝીક પછી ખબર પડી કે શહેરનાં બે ‘અવસર’ પાર્ટી પ્લોટ છે. જયસુખભાઈ ‘જાત્તે જ’ ખોટા પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા હતા ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
જયદુઃખ ભાઈ
ReplyDelete