આપણા ગુજરાતીઓની અમુક આદતો છે તેનું માત્ર સ્વરૂપ બદલાય છે ! એ કદી જતી જ નથી ! જુઓ….
***
જે રીતે શાકભાજી લીધા પછી આપણે ધાણા માગી લઈએ છીએ…
એ જ રીતે ડોક્ટર પાસે તાવની દવા લીધા પછી આપણું બીપી મપાવી લઈએ છીએ… ફ્રીમાં !
***
જે રીતે દસ પાણીપુરી ખાધા પછી એક કોરી પુરી માગી લઈએ છીએ…
એ જ રીતે ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરતી વખતે પૂછી લઈએ છીએ. ‘મોર્નિંગ બ્રેક-ફાસ્ટ તો ફ્રી મેં મિલેગા ના ?’
***
જે રીતે ગમે ત્યાં ખરીદી કર્યા પછી પ્લાસ્ટિકની કોથળી માગી લઈએ છીએ…
એ જ રીતે કાર ખરીદી લીધા પછી સેલ્ફી ફોટો મુકવા માટેની ફોટો-ફ્રેમ પણ માગી જ લઈએ છીએ ને !
***
જે રીતે રાજધાની ટિકીટ બુક કરતાં પહેલાં ટ્રેનમાં ચા-નાસ્તો-ચોકલેટ વગેરેમાં શું શું આપે છે એ પૂછી લઈએ છીએ…
એ જ રીતે મોંઘી હોસ્પિટલમાં આપણા વડીલને ઘુંટણની સર્જરી માટે દાખલ કરાવતાં પહેલાં અહીંની કેન્ટિનમાં શું શું મળે છે એ પૂછી જ લઈએ છીએ !
***
અને જે રીતે ફાફડાં સાથે એકસ્ટ્રા ચટણી માગી જ લઈએ છીએ…
એ જ રીતે લગ્નસરા માટેની સાડીઓ ખરીદતી વખતે એસી શો-રૂમમાં બબ્બે વાર (એ પણ બધા માટે) કોલ્ડ-ડ્રીંક્સ મંગાવી લઈએ છીએ !
***
એ તો ઠીક, જે રીતે ટ્રેનમાં ગાયન ગાઈને ભીખ માગતા ભિખારી પાસે બે ગાયન વધારે ગવડાવી લઈએ છીએ…
એ જ રીતે કવિ સંમેલનમાં દૂબારા.. દૂબારા… કરીને કવિ પાસે બે શાયરીઓ વધારી બોલાવી જ લઈએ છીએ !
(પૂછી જોજો કવિઓને.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment