ભલે કર્ણાટકમાં ગ્રેજ્યુએટ થયા પછી ત્રણ વરસ લગી દર મહિને 3000 રૂપિયા હરામની બેરોજગારીના મળવાના હોય, પરંતુ એ સિવાય અમુક રોજગાર એવા છે કે જેમાં ખાસ કંઈ કર્યા વિના જ પગાર મળતો રહે છે ! જુઓ…
***
કોર્ટમાં જજની પાછળ જે પેલો માણસ લાલ પાઘડી પહેરીને ઊભો રહે છે તેણે કરવાનું શું ? દર મહિને પગાર જ લેવાનો ને ?
***
એ તો ઠીક, બેન્કોમાં જે સિક્યોરીટીવાળો હોય છે એણે તો ઊભા પણ નહીં રહેવાનું ! બસ બંદૂક ઝાલીને બેસી રહેવાનો પગાર…! બોલો.
***
અચ્છા, મોંઘી હોટલની બહાર જે ‘વેલે પાર્કિંગ’નું ટેબલ હોય છે એ ભાઈએ તો ચાવીઓ પણ હાથમાં નહીં ઝાલવાની ! બસ, ત્યાં ફક્ત બેસી રહેવાનો પગાર…!
***
આનાથી પણ સહેલી નોકરી છે શહેરથી દૂર દૂર આવેલા એકલા અટુલા રેલ્વે ફાટકવાળાની ! એણે દિવસમાં માંડ દસ વાર ફાટક ખોલ-બંધ કરવું પડતું હશે. બસ.
***
અચ્છા, તમે મને કહેશો કે કપિલ શર્માના શોમાં પેલું જે ઓરકેસ્ટ્રા હોય છે એમાં ખંજરી વગાડનારને કેટલી શાંતિ હશે, નહીં ?
***
અને હા, રાતના બબ્બે વાગ્યા સુધી જે ડાયરાઓ ચાલતા હોય છે એના સ્ટેજ ઉપર જે અડધો ડઝનથી વધારે માણસો મંજીરાં પણ વગાડ્યા વિના અમસ્તા બેઠા હોય છે… એમનું ખરેખર ‘કામ’ શું હોય છે ?
***
બાકી સૌથી સહેલી નોકરી છે સંસદ ભવનના ચોકીદારની…
વરસના ૩૦૦ દિવસ કંઈ કામકાજ જ ના હોય ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment