‘પઠાન’માં તો પોલમપોલનો પાર જ નથી ! ગયા સોમવારે તો આપણે માત્ર (6) પોલમપોલ જોઈ હતી. હજી ઘણી બાકી છે… પરંતુ એ પહેલાં મને એ કહો કે શાહરૂખ ઉર્ફે ‘પઠાન’ જેવા અક્કલના ઓથમીરને ભારતની ખૂફિયા એજન્સીનો ‘ટોપ’ એજન્ટ કયા લોજિકથી કહેવામાં આવે છે? જુઓ એની બેવકૂફીઓના નમૂના…
***
પોલમપોલ નંબર (7)
આપણા સુપર-એજન્ટ ભાઈસાહેબને કહેવામાં આવે છે કે સ્પેનમાં એક ડૉ. રૂબિયા મોહસિન છે જેના છેડા ISI સાથે અડેલા છે તેની ઉપર નજર રાખો પણ માથામાં કદી શેમ્પુ કે કાંસકી પણ ન ફેરવનારો પઠાન એ ડોકટરાણીના હની ટ્રેપમાં ફસાઈ જાય છે ! (એ દિપીકા શેની ડોક્ટર છે ? પ્રાણીઓની ? કે સેક્સ અપીલની?) અમને તો એ નથી સમજાતું કે જેની ઉપર ISI એજન્ટ હોવાનો શક હોય એવી કોઈપણ બાઈ કોઈપણ રંગની બિકીની પહેરીને ડોગી સ્ટાઈલમાં શરીર હલાવે એટલે શં, એની પાછળ પાછળ લાળ પાડતા હાલ્યા જ જવાનું ? ક્યાં આપવામાં આવે છે આવી કમાન્ડો ટ્રેઇનીંગ ?
***
પોલમપોલ નંબર (8)
બિના શેમ્પુ અને બિના કંગીવાળો પઠાન દિપીકાની પાછળ પાછળ પૂંછડી હલાવતો છેક વિલનના અડ્ડામાં ફસાઈ જાય છે ! તો પણ એ ડોબાને કેમ લાઇટ નથી થતી કે બેટમજી તને ફસાવવામાં આવ્યો છે ? એ તો ઠીક, જ્યારે વિલન જોન અબ્રાહમના શૂટરો ગોળીઓ છોડવા માંડે છે ત્યારે એને ફસાવનારી દિપીકા જ સામી ગોળીઓ છોડતાં ચોખ્ખેચોખ્ખું કહે છે કે ‘હું ISIની એજન્ટ છું !’ છતાં કઈ કક્ષાના આઈક્યુ વડે પઠાન એની ઉપર ભરોસો કરી લે છે ?
યાર, આખો ભારત-પાકિસ્તાનનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લો, ખુદ પરવેઝ મુશર્રફ ભરોસો કરવાને લાયક નહોતા ! તો ક્યા હિસાબે આ નોન-શેમ્પુ નોન-કંગી એજન્ટ દિપીકા ઉપર ભરોસો કરી લે છે ? (અમે તો OTTમાં જોતાં જોતાં સોફામાંથી ઊભા થઈને બૂમો પાડી હતી કે, ‘ટોપા, એ ISI વાળી છે! એનો ભરોસો ના કરાય !’)
***
પોલમપોલ નંબર (9)
જ્યારે દિપીકા રશિયાની કોઈ ભેદી જગ્યાએથી ‘રક્તબીજ’ નામનું વાયરસ ચોરવા માટે પઠાનની મદદ માંગે છે ત્યારે જ આપણા દિમાગમાં ખતરાની ઘંટી વાગવા લાગે કે ‘બોસ, આમાં ના પડાય !’ છતાં પઠાન એમાં ધરાર પડે જ છે !
ચાલો, માની લો કે ભારતના સિક્રેટ એજન્ટની નોકરી માટે શાહરૂખે કોઈ ડમી કાંડ કરીને નોકરી લીધી હશે, પણ બોસ, જ્યારે જાનનું જોખમ ખેડીને શાહરૂખ વાયરસની વોયલ પોતાના હાથમાં મેળવી લે છે અને દિપીકા એને દોરડા ઉપર લટકતો રાખીને કહે છે કે ‘લાઓ, વો વોયલ મુઝે દે દો !’ ત્યારે તો ખતરાની ઘંટી નહીં, મોટો ઘંટ વાગવો જોઈએ ને ? અમે તો અમારા વાળ ખેંચીને ચીસો પાડતા હતા કે ‘ના આપીશ !! ના આપીશ !!’
છતાં શાહરૂખ એને વોયલ આપી જ દે છે ! (યાર, હિન્દી ફિલ્મોમાં આટલો ડફોળ તો શક્તિ કપૂર જેવાને પણ નથી બતાડતા ! ભલે ને સામે શ્રીદેવી કેમ ના હોય?)
***
પોલમપોલ નંબર (10)
છેવટે વોયલ હાથમાં આવતાંની સાથે જ દિપીકા દોરડું કાપી નાંખે છે ! અને પઠાન સાહેબ રશિયનોના હાથમાં ઝડપાઈ જાય છે ! પત્યું ? સાહેબ, રિલેશનશીપમાં આવડો મોટો ‘ધોકો’ થયા પછી તો ડફોળમાં ડફોળ બારમું ફેઈલ છોકરો પણ છોકરીનો કદી ભરોસો ના કરે ! છતાં પઠાન સાહેબ ફરી એકવાર, બે વરસ પછી દિપીકાના જ બાટલામાં ફસાવા માટે સામે ચાલીને ધસી જાય છે !
નવાઈની વાત તો એ છે કે ઇન્ડિયાની આવડી મોટી સિક્રેટ એજન્સી આવડા મોટા ફિયાસ્કા પછી પઠાન સામે કોઈ પગલાં પણ નથી લેતી ! હદ થાય છે યાર…
***
પોલમપોલ નંબર (11)
આગળ જતાં શાહરૂખને રશિયામાંથી છોડાવવા માટે ‘ટાઇગર’ સલમાન ખાન સુપર સ્પીડે જતી ટ્રેનની છત ફાડીને અંદર આવે છે ! એ છત ઉપર શી રીતે આવ્યો ? સીધી વાત છે, હેલિકોપ્ટરથી આવ્યો ને ? તો પછી આટલું બધું ઢીશૂમ ઢીશૂમ કર્યા પછી એ લોકો ફરી હેલિકોપ્ટર વડે કેમ બહાર નથી નીકળી જતા ? પેલા તૂટી પડેલા બ્રિજ ઉપરથી ટ્રેનને ગબડાવવાની VFX સસ્તામાં પડતી હતી એટલે ?
***
પોલમપોલ નંબર (12)
અચ્છા, આ બધું જે થયું એ તો બે વરસ પહેલાંનો શરમજનક કાંડ છે. છતાં ઇન્ડિયાની એજન્સી બે વરસ સુધી એ તપાસ નથી કરતી કે એ ‘રક્તબીજ’ ગયું ક્યાં ? જોન અબ્રાહમ એનું શું કરવા માગતો હતો ? દિપીકા ક્યાં ઓગળી ગઈ ? (અને શાહરૂખે હજી એના વાળ શેમ્પુ વડે કેમ નથી ધોયા ?)
આમ છતાં બે વરસ પછી જ્યારે દિપીકા પેરિસમાં કોઈ રેલ્વે સ્ટેશને કેમેરાની નજરે ચડી જાય છે ત્યારે એની હિલચાલની ‘તપાસ’ કરવા માટે કોને મોકલવામાં આવે છે ? શાહરૂખ ખાનને જ !! ભૈશાઆઅબ ! એનાથી ડોબો બીજો કોઈ મળ્યો જ નહીં ??
(હજી ઘણી પોલમપોલ બાકી છે, શાંતિ રાખો.)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Very very hilarious 😂
ReplyDelete