જીવનમાં અઘરી કળાઓ !

ચ્હામાં બોળેલું ગ્લુકોઝ બિસ્કીટ કઈ ચોક્કસ ક્ષણે પાછું કાઢી લેવું… કે જેથી તે લબડીને ચ્હામાં ના પડી જાય… તેને હવે સોશિયલ મિડીયામાં એક જાતની ખાસ ‘કળા’ ઘોષિત કરવામાં આવી છે !
પરંતુ થોભો, એ સિવાય પણ બીજી અઘરી કળાઓ છે…

*** 

પાણીપુરી ખાતી વખતે હોઠના ખૂણેથી જે ખાટી-તીખી ચટણીનો રેલો દદડીને બહાર આવે છે તેને એક જ ઝાટકે ‘રિવર્સ-શ્વાસ’ વડે અંદર ખેંચી લેવાની કળા પણ અઘરી છે !

*** 

એનાથી અઘરી કળા એ છે કે ઘરે સોફામાં બેસીને આઈસ્ક્રીમ ખાતી વખતે જે ટીપું શર્ટ ઉપર પડી જાય છે, તેને તરત જ આંગળી વડે લૂછીને, જીભ વડે આંગળી ચાટી જઈને, પછી એ જ આંગળીને શર્ટ ઉપર ફેરવીને ‘સબૂત મિટાવવાની’ જે કોશિશ છેને… તે !

*** 

એનાથી અઘરું છે ચાલુ કારે ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલીને મોંમાં રાખેલા માવાની પિચકારી એવી રીતે મારવી કે કારની બોડી ઉપર એક છાંટો પણ ના પડે ! ટ્રાય કરી જોજો.

*** 

એથી પણ અઘરી કલા છે… કે બાઈક ચલાવતી વખતે મોંમાં માવો રાખીને, કાને રાખેલો મોબાઈલ ખભા વડે દબાવીને, ટ્રાફીક સર્કલ ઉપર લાઈટ રેડ થઈ જાય એ પહેલાં… વાંકીચૂકી બાઈક ચલાવીને છેલ્લી સેકન્ડે પેલી પાર નીકળી જવુ ! આહાહા…

*** 

એનાથી એ અઘરું છે… ચાલુ વાહને થર્મોસ ખોલીને એમાંથી ઠંડુ પાણી એ રીતે પીવું કે જેથી થર્મોસ હોઠને પણ ના અડે અને મોં તથા થર્મોસ બન્નેનું પાણી ઉછળીને કપડાં ના પલાળે ! (અઘરી કલા છે, બોસ !)

*** 

બાકી સૌથી અઘરી કલા હોય તો એ છે કે ગરમાગરમ ચ્હા રકાબીમાં કાઢી હોય, એ જ વખતે જો છીંક આવવા લાગે તો શ્વાસ ખેંચીને, ‘પ્રાણાયમ’ વડે છીંકને રોકી રાખવી !

જીવનમાં અમુક કલાઓ ખરેખર અઘરી છે, મિત્ર !

***

- મન્નુ શેખચલ્લી

Comments