આજની વાઈ-ફાઈ, હાઈ-ટેક અને ડિજીટલ જનરેશનને તો કલ્પના પણ ક્યાંથી હોય કે ’70 અને ’80ના દાયકામાં એમના પપ્પાઓ, અંકલો અને દાદાઓ કેવી કેવી ટેકનોલોજી સાથે લમણાં લેતા હતા !
***
રિમોટ-લેસ ટીવી :
એ જમાનાનાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં તો રિમોટ હતા જ નહીં, એ તો ઠીક, ટીવીઓ મમ્મીની મરજી મુજબ પણ નહોતાં ચાલતાં. આખી ‘પપ્પા ટેકનોલોજી’ એવી હતી કે બગડી ગયેલું ટીવી (અને બગડી ગયેલું બાળક) એક બે થપ્પડ મારતાંની સાથે ચાલુ થઈ જતાં હતાં !
ટીવીની ‘રિમોટ ટેકનોલોજી’માં એવું હતું કે ધાબા ઉપર ગોઠવેલું એન્ટેના હલાવવા માટે ઘરના સૌથી ઠોઠ છોકરાએ હાથ-પગ ભાંગવાનું જોખમ લઈને ધાબે જવું પડતું હતું. (આમાં ટીવીનો તો શું, છોકરાનો ય વીમો નહોતો મળતો.) અમુક ‘પર્સનલ સેટિંગ્સ’ પણ એવાં હતાં કે એન્ટેના હલાવો તો ન્યુઝ રિપોર્ટરથી લઈને ભલભલા ક્રિકેટરોને ‘લયબદ્ધ’ રીતે કમરથી હલાવી શકાતા હતા !
***
પુશ-બટન-લેસ સ્કુટર :
બે-ત્રણ વરસ જુનાં સ્કુટરને સ્ટાર્ટ કરવાની તો આખી ‘આર્ટ’ જ અદ્ભૂત હતી. જેની મુખ્યત્વે ત્રણ કલાત્મક પધ્ધતિઓ હતી.
(1) ડાબા હાથે હળવેથી સ્કુટરના એક હેન્ડલને ‘ટચ’ રાખીને જમણા પગે બે ત્રણ ઢીલી કીકો મારવી, પછી હેન્ડલને મજબૂતીથી પકડીને ચોથી કીક જોરથી મારવી !
(2) છતાં પેલું રીઢું વાહન સ્ટાર્ટ ના થાય તો દાંત કચકચાવીને, હેન્ડલ ઝાલીને, પગ વડે સળંગ આઠ-દસ કીકો ફટકારી દેવી ! આમાં તીતીઘોડાની જેમ ઠેકડા મારવા જેવું નૃત્ય કરવાની પણ છૂટ હતી.
(3) હજીયે ના ગાંઠે તો તેને ડાબી બાજુ નમાવીને, સ્કુટરના કાનમાં તમારા ઇષ્ટદેવનું નામ બોલીને, પછી પ્રેમથી સ્કુટરને સીધું કરીને, એક જ કીક મારવાથી અચૂક સ્ટાર્ટ થઈ જતું હતું ! વૉટ એ ટેકનોલોજી !
***
ચલ-મેરી-લુના ટેકનોલોજી :
એ જમાનાનું સૌથી લજામણું વાહન હોય તો તે લુના હતું. બિચારું એટલું ક્યુટ હતું કે કીકો મારતી વખતે અમે ગુસ્સો પણ નહોતા કરી શકતા ! બંધ પડેલી લુનાને સ્ટેન્ડ ઉપર ચડાવીને તમારે મનમાં તમારું ‘બાળપણ યાદ કરીને’ સ્ટેન્ડ ઉપર ચડાવેલી સાઈકલ ચલાવતા હતા એ રીતે પેડલો મારવાં પડતાં હતાં !
છતાં એ ના માને તો સાઈકલ શીખતી વખતે જે રીતે એને લઈને બબૂચકોની જેમ દોડતા હતા એમ દોડીને મનમાં (અથવા મોટેથી, નાના બાળકની જેમ જ) વ્હરુરુમ્મ ! વ્હરુરુમ્મ ! એવું બોલવાથી બિચારી લુના ગેલમાં આવીને સ્ટાર્ટ થઈ જતી હતી ! યસ. વૉટ એ ટેકનોલોજી.
અને હા, ખડમાંકડી જેવા લુનાનું સાયલેન્સર જ્યારે કાર્બન અને ઓઈલથી ચોક-અપ થઈ જતું ત્યારે તો ‘એક્સપર્ટ’ ટેકનોલોજીસ્ટ પાસે જવું પડતું હતું ! એ લોકો સાયલેન્સરને કંઈ લાકડાં-કોલસાની મીની-ભઠ્ઠીમાં પહેલાં શેકવા મુકતા હતા અને પછી વેલ્ડીંગ ગન તેનું આખું પડખું ચીરીને અંદર કેટલો ‘રગડો’ છે એનાં આપણને ‘દર્શન’ પણ કરાવતા હતા !
બધો કચરો સાફ કર્યા પછી ફરી વેલ્ડીંગ ગન વડે સાંધો મારીને સાયલેન્સર પાછું બેસાડી આપે ત્યારે બિચારું ‘ઓપન-હાર્ટ’ સર્જરીમાંથી પાછા આવી રહેલા પેશન્ટ જેવું ગરીબડું દેખાતું હતું ! (એ વખતે જો કોઈએ રીલ શૂટ કર્યું હોત તો આજે એને લખોટીઓ અને ગિલ્લી દંડાનાં રીલમાં જોઈને આપણે કેવાં હરખનાં આંસુ સારતા હોત?)
***
બલ્બ-ટ્યુબલાઈટ ટેકનોલોજી :
ટ્યુબલાઈટ બંધ પડી ગઈ ? સિમ્પલ, સ્ટુલ લઈને ચડવાનું, ટ્યુબને સ્હેજ આમતેમ ગોળ ફેરવવાની, અને લો ! ઝબૂક… ઝબૂક.. ઝક્કાસ !
જોકે આમાં પણ પપ્પાઓ અથવા છોકરાઓની જ મોનોપોલી હતી. મમ્મીઓ અને છોકરીઓનું કહ્યું એ સફેદ સુંદરીઓ માનતી નહોતી. પરંતુ જો એ પછીયે ટ્યુબ-સુંદરી રુસણાં લઈને બેઠી હોય તો એની બગલ નીચે એક ‘ચોક’ નામની (તમાકુ સાથે ખાવાના ચૂના માટે હોય છે એવી) ડબ્બીને પ્રેમથી મચડવાની રહેતી હતી. વાઉ ! વોટ એ ટેકનોલોજી !
આ તો સિમ્પલ ટેકનોલોજી હતી પણ બલ્બ ઊડી જાય તો ?
એનું લબડી પડેલું ફિલામેન્ટ કોઈ રીતે પાછું ‘ટચ’ થાય એ રીતે ગોળાને ગોળગોળ ફેરવવો… પછી ફિલામેન્ટનું દાંડી સાથે ‘મિલન’ કરાવવું… અને છેવટે ખુબ જ નજાકત સાથે એને સોકેટમાં ભરાવીને… (અહીં આખી ટેકનોલોજી ‘આર્ટ-ફોર્મ’ બની જતી હતી કે - ) ફિલામેન્ટ ફરી લબડી ના પડે એ રીતે માત્ર અડધો આંટો મરાવવો !
તમને યાદ હોય તો આટલું કર્યા પછી એ ટેકનોલોજીસ્ટ જાતે જ, ધીમેથી, આંગળીના હળવા દબાણ વડે સ્વીચ ‘ઓન’ કરવાનો આગ્રહ રાખતો હતો ! આહા ! ધ આર્ટ ઓફ ટેકનોલોજી !
***
આર્ટ ઓફ ટેકનોલોજી :
આમ છતાં, અમુક સિમ્પલ ટેકનોલોજીઓ પણ નકરી ‘કલા’ હતી. જેમકે...
રેડિયોમાં શોર્ટવેવનું વિદેશી સ્ટેશન પકડવું,
સાઇકલની ઉતરી ગયેલી ચેઇન પાછી ચડાવવી (હાથ ગંદા કર્યા વિના),
ટુ ઇન-વન પ્લેયરમાં ફસાઈ ગયેલી ઓડીયો કેસેટની ટેપ સલામત રીતે બહાર કાઢવી,
એ જ ટેપને પેન્સિલ વડે ‘રિ-વાઇન્ડ’ કરવી,
પ્લાસ્ટિકની ડોલ ઉપર લાકડી ગોઠવીને વોટર-હીટર વડે નહાવાનું પાણી ગરમ કરવું…
અને કોઈની લુનામાંથી પેટ્રોલ ટ્યુબ ખોલીને થોડું પેટ્રોલ ચોરી લેવું ! (એ પણ આપણા સિગારેટ ‘લાઇટર’ માટે જ, હોં !)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955!@gmail.com
Remember the old days
ReplyDelete