વોટ્સએપનું વાર્ષિક રિટર્ન ભરો !


31મી માર્ચે પુરા થતા નાણાકીય વર્ષનું આવક-જાવક અને કમાણીનું રિટર્ન ભરવું પડે છે એ રીતે જો વોટ્સએપ ગ્રુપમાં પણ ‘હિસાબ’ આપવો પડતો હોત તો ?
કંઈક આવી નોટિસો આવે…

*** 
માનનીય ગ્રુપ મેમ્બર,
31 માર્ચે પુરા થયેલા વરસનું ગ્રુપ ઓડિટ આવનાર 30 દિવસમાં થવાનું છે તેથી સૌ મેમ્બરોએ ‘નેટ-સ્ટેટમેન્ટ’ સબમિટ કરવાનું ફરજિયાત છે.

*** 

જે મેમ્બરો ગ્રુપમાં ક્યારેય મેસેજ કરતા નથી અને માત્ર વાંચવા માટે જ ઉપયોગ કરે છે એમણે એડમિન પાસેથી NIL ઇન્ટ્રેસ્ટ લેવાનું રહેશે.

*** 

જેમણે આખા વરસ દરમ્યાન માત્ર ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના જ મેસેજો મુક્યા છે તેઓ તેને પોતાના ટોટલમાં ઉમેરી શકશે નહીં.

*** 

જેમણે આખા વરસ દરમ્યાન માત્ર સ્માઈલીઓ, અંગૂઠા તથા જોડેલા હાથનાં ઇમોજી મુકીને હાજરી પુરાવવાનો દેખાડો કર્યો છે તેમની હાજરી પણ ચોપડે લેવાશે નહીં.

*** 

જે સભ્યોએ હેપ્પી દિપાવલી, હેપ્પી ન્યુ યર, હેપ્પી નવરાત્રિ, હેપ્પી ગુડી પડવા વગેરેના ફોટા બીજાઓમાંથી માત્ર કોપી કરીને ફોરવર્ડ કર્યા છે તેમને માત્ર અડધા જ મેસેજોની ક્રેડિટ મળશે.

*** 

વળી, જે સભ્યોએ સમજ્યા વિના ‘હેપ્પી મિચ્છામિ દુક્કડમ’, ‘હેપ્પી કાળી ચૌદશ’ અને ‘હેપ્પી શહીદ-દિન’ જેવા મેસેજો ઠપકાર્યા છે તેમને ભારે પેનલ્ટી થશે.

*** 

જેમણે હેપ્પી બર્થડે કે હેપ્પી એનિવર્સરીના મેસેજો સાવ નથી કર્યા અથવા બે-ચાર દિવસ પછી જ કર્યા છે તેમને પણ પેનલ્ટી લાગશે.

*** 

જેમણે અગાઉ આવી ગયેલી જોક્સ, વિડીયો તથા મેસેજો જોયા વિના દે-ઠોક રિપીટ કર્યા છે તેમને હવે દરેક મેસેજ ફરજિયાત રીતે સાત વાર વાંચવાની સજા કરવામાં આવશે.

*** 

જે સભ્યોએ દરેક ટોપિકમાં પોતાનાં ભજિયાં મુકવામાં કદી કરકસર કરી નથી તેમને પ્રોત્સાહન ક્રેડિટ મળશે !

*** 

છતાં જે સભ્યોએ કડવાં ભજિયાં મુકીને આખા ગ્રુપનું તેલ ઉકળતું કરી મુક્યું છે તેમણે દંડ ભરવાની તૈયારી રાખવી !

*** 
જે સભ્યોએ ડીપીમાં દસ પંદર વરસ જુનો ફોટો મુકીને પોતાના માથેથી ખરી ગયેલા વાળ તથા પડી ગયેલી ટાલ શેર કરી નથી તેમને 'માહિતી છૂપાવવા બદલ' પેનલ્ટી ભરવાની રહેશે.

***

અને હા, જે સભ્યોએ હજી ડીપીમાં પોતાનો ફોટો મુક્યો જ નથી, તેમને હવે પોતાનો આધારકાર્ડ વાળો ફોટો મુકવાની સખત સજા કરવામાં આવે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments