જૈસા સ્ટાર.... વૈસી બ્રાન્ડ... !

જસ્ટ વિચાર કરો, જો KENT આરઓ પ્લાન્ટની જાહેરખબરો ટીવીમાં ના આવતી હોત તો ?

- તો આપણે હેમા માલિનીને સાવ ભૂલી જ ગયા હોત ને ? 

અરે, એ તો છોડો, ક્યાંક ભૂલથી આપણે હેમાજીનો લેટેસ્ટ ફોટો દેખાઈ જાય તો જાણે આપણી જ કોઈ સ્કુલની બહેનપણીને વરસો પછી જોઈ હોય એમ નિસાસો નાંખતા હોત કે, ‘અરેરે… બિચારી આટલી બધી ઘરડી થઈ ગઈ ?’ (એટલે જ KENTવાળા પણ ચાલાક છે. એ લોકો 10 વરસ પહેલાં શૂટ કરેલી જાહેરખબર બતાડ્યા કરે છે.)

અમુક ફિલ્મ સ્ટારો દર ત્રીજી એડમાં ટપકી પડે છે. દાખલા તરીકે બચ્ચન સાહેબ ! તો વળી અમુક ફિલ્મસ્ટારોની એક જ એડ વરસો લગી દેખાયા કરે છે. દાખલા તરીકે અજય દેવગણની ‘જુંબાં કેસરી’… આથી અમને વિચાર આવ્યો કે ફિલ્મ સ્ટારોએ પોતાની ઇમેજને સૂટ થાય એવી જ પ્રોડક્ટોની જાહેરખબરોમાં કામ કરવું જોઈએ…

*** 

અક્ષયકુમાર
ભલે છેલ્લે છેલ્લે આવેલી ફિલ્મો ફ્લોપ ગઈ હોય પણ અક્ષયકુમાર હજી ‘પેડમેન’ તરીકે યાદ છે. પણ યાર, એ ભાઈ મહિલાઓની ટીવી સિરિયલોની વચ્ચે અચાનક સેનિટરી નેપકીન વેચવા માટે આવી ચડે તો કેવું લાગે ? 

એટલે અમે વિચાર્યું કે અક્ષયકુમાર માટે બેસ્ટ પ્રોડક્ટ છે. કાયમ ચૂર્ણ ! કેમકે અક્ષયભાઈ ‘ટોઈલેટ-એક પ્રેમકથા’ માટે પણ મશહૂર છે ને ! અને કાયમ ચૂર્ણની ‘ઇફેક્ટ’ તો ટોઈલેટમાં જ દેખાય ને ?

આ સિવાય અક્ષયકુમાર બડી આસાનીથી ‘ટોઈલેટ પેપર’, ‘ટોઈલેટ એર ફ્રેશનર’, ‘ટોઈલેટ ક્લીનર’ અને ‘ટોઈલેટ ટાઈલ્સ’ માટે બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે ! આજકાલ જે અતિશય મોંઘા ટોઇલેટનાં નળ, શાવર અને સિંક આવી રહ્યાં છે એમાં પણ અક્ષયકુમાર ચાલે ! (મતલબ કે ટોઈલેટ કા રાજા કૌન ? અક્ષયકુમાર !)

*** 

સોનાક્ષી સિંહા
બિચારી સોનાક્ષીના ‘હર્યાભર્યા’ ફિગર માટે બહુ કોમેન્ટો થતી રહે છે. આમાં ને આમાં બિચારાં બેને શરીર પણ ઉતારેલું પણ ભૂખ સહન નહીં થઈ હોય એટલે ફરી સદાબહાર બની ગયાં.

જોકે અમારું દૃઢપણે માનવું છે કે સોનાક્ષીએ દેશભરનાં વસ્ત્રોની ‘L’ તથા ‘XL’ સાઇઝનાં બ્રાન્ડ એમ્બેસેડર બની જવું જોઈએ. એ બહાને લોકો OTT ઉપર ‘ડબલ XL’ નામની ફિલ્મ પણ જોઈ નાંખશે. (જે નફો થયો તે.)

*** 

આલિયા ભટ્ટ
આ છોકરી મમ્મી બની ગયા છતાં હજી સ્કૂલ ગર્લ જ લાગે છે. (આમ તો કુપોષણથી પીડાતાં બાળકોને પૌષ્ટિક ભોજન જમાડવાની સરકારી યોજનાઓની જાહેરખબરમાં BEFORE વાળા ફોટામાં આલિયાનો ફોટો આરામથી મુકી શકાય.)

છતાં જો આલિયા ભટ્ટ ‘સ્કુલ-ગર્લ’ માટેની વિવિધ પ્રોડક્ટોની એડમાં આવવા માંડે તો એને બહુ જ સૂટ થાય ! જેમકે, સ્કુલબેગો, સ્કુલ ડ્રેસ, ટિફીન બોક્સ, કંપાસ બોક્સ, વોટરબોટલ, ચોટલા બાંધવાની રિબિનો, બોલપેનો, સ્કેચ પેનો, અરે ઓનલાઇન ટ્યૂશન ક્લાસિસની એડમાં પણ ચાલે !

*** 

શાહરૂખ ખાન
આ સાહેબનો પ્રોબ્લેમ એ છે કે તે પોતાના સિવાય બીજા કશાને પ્રમોટ કરી શકતા જ નથી ! એ ગમે તે પ્રોડક્ટની એડમાં દેખાય, છેવટે તો એમાં શાહરૂખ જ દેખાય છે અને પ્રોડ્કટ માત્ર બહાનું બની જાય છે.

આ હિસાબે શાહરૂખે પોતાની જ બ્રાન્ડો ચાલુ કરવા જેવી છે ! જેમકે ‘શાહરૂખ અરીસા’, ‘શાહરૂખ બ્રાન્ડ સેલ્ફી કેમેરા’, ‘શાહરૂખ  સ્ટાઈલ સેલ્ફી ફિલ્ટર’, ‘શાહરૂખ સેલ્ફ-પ્રમોશન કોર્પોરેશન’ વગેરે…

*** 

અમિતાભ બચ્ચન
બચ્ચન સાહેબ તો એટલી બધી પ્રોડક્ટોની જાહેરખબરો કરી નાંખી છે કે હવે બાકી શું રહ્યું ? તો આ સવાલના જવાબમાં અમે એક નાનકડું લિસ્ટ બનાવ્યું છે. જુઓ…

(1) પાયજામાનાં નાડાં (2) ચડ્ડીનું ઇલાસ્ટિક (3) નાક વડે સુંઘવાની છીંકણી (4) નાની મોટી સાઇઝની ટાંકણી (5) તૂટેલી સ્લીપર સાંધવાનો ગુંદર (6) જાડા કાચવાળા ચશ્મા (7) પસ્તી, ભંગાર, પ્લાયા બૈણીઈઈ…

*** 

રણવીર સિંહ
તમામ ફેશન ડિઝાઈનરોએ મહિલાઓનાં વસ્ત્રો માટે આ બ્રાન્ડ એમ્બેસેડરનો તાત્કાલિક સંપર્ક કરવો ! આ ભાઈ તમારો માલ ખરીદી પણ લેશે !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments