સલીમ-જાવેદ પહેલાં સુપર સ્ટાર લેખક કોણ હતા ?

તમને ‘પથ્થર કે સનમ’ યાદ છે ? જેમાં, મનોજકુમાર કોઈ જાગીરદારનો એસ્ટેટ મેનેજર બનીને આવે છે ત્યારે એની દિકરી (વહીદા રહેમાન) એને ઉલ્લુ બનાવવા માટે પોતાની પ્રિય સખી જેવી નોકરાણી (મુમતાઝ)ને જ દિકરી બનીને પ્રેમનો ડ્રામા ખેલવાનું કહે છે ?

અચ્છા, ‘નીલકમલ’ યાદ છે ? બિચારી વહીદા મનોજકુમારને પરણી તો છે પણ ગયા જનમનો એનો દિવાલમાં ચણી દેવાયેલો પ્રેમી રાજકુમાર એને સપનામાં આવે છે અને બિચારી ઊંઘમાં ચાલતી ચાલતી ક્યાંક પહોંચી જાય છે ?

તમને ‘કટીપતંગ’ પણ યાદ હશે, જેમાં આશા પારેખને પરણવા માટે જાન લઈને જે યુવાન આવેલો, એ જ રાજેશ ખન્ના તેના વિધવા થઈ ગયા પછીના જીવનમાં પ્રેમમાં પડે છે ? 

અરે, ‘ખિલૌના’ તો યાદ જ હશે, કે જેમાં પ્રેમભંગ થવાને કારણે પાગલ થયેલા સંજીવકુમારને પ્રેમ આપીને સાજો કરવા માટે એક તવાયફ (મુતાઝ)ને ઘરમાં રાખવામાં આવે છે ?

વેલ, એ જમાના માટે તો સાવ અનોખી કહી શકાય એવી આ તમામ ફિલ્મોની સ્ટોરી લખનાર લેખક હતા ગુલશન નંદા ! મઝાની વાત એ હતી કે આ ચારેય કહાણીઓ પોકેટબુકના સ્વરૂપે ઓલરેડી લાખો વાચકો વાંચી ચૂક્યા હતા ! છતાં એ પછી એની ઉપરથી ફિલ્મો બની અને સુપરહિટ રહી.

આજના જે વાચકો ’70ના દાયકામાં જો યુવાનીમાં રહ્યા હશે તો એમને યાદ હશે કે એ સમયે દરેક રેલ્વે સ્ટેશનો ઉપર જે A H WHEELERના બુક સ્ટોલ રહેતા હતા ત્યાં આવી પોકેટબુક્સો દસ-દસ રૂપિયામાં મળતી હતી. નવાઈની વાત એ પણ હતી કે જ્યારે પિકચરની ટિકીટોનો ભાવ દોઢ રૂપિયા કે બે રૂપિયા હતો ત્યારે પણ યુવાનો એનાથી પાંચ ગણા પૈસા ખર્ચીને આવી પોકેટબુક્સ ખરીદીને વાંચતા હતા. (જોકે ગણિત એવું હતું કે એક ચોપડીને મિનિમમ પાંચ જણા તો વાંચી જ શકે ને !)

એ જમાનાની પોકેટબુક્સોના બજારમાં પણ ગુલશન નંદા બેસ્ટ સેલર ગણાતા હતા. કહેવાય છે કે પોકેટ બુકના પ્રકાશકો એમના ઘરે હાથમાં રૂપિયાથી ભરેલી બ્રિફકેસો લઈને રાહ જોતા ઊભા રહેતા હતા કે ગુલશન નંદા એમના માટે એકાદ ‘ઉપન્યાસ’ લખી આપે. (હિન્દીમાં નવલકથાને ઉપન્યાસ કહે છે.) 

ગુલશન નંદાનો સિક્કો એ સમયે એટલો જબરદસ્ત ચાલતો હતો કે ‘હિન્દ પોકેટ બુક્સ’ નામના પ્રકાશકે કંઈ માતબર રકમ આપીને એમની પાસે ‘ઝિલ કે ઉસ પાર’ નામની જે નોવેલ લખાવડાવી એની પહેલી જ એડિશનનો પ્રિન્ટ ઓર્ડર પાંચ લાખ કોપીનો હતો ! (આટલી તો કોઈ એક ગુજરાતી લેખકની તમામ ચોપડીઓનાં વેચાણનો સરવાળો કરો તોય ના પહોંચી શકાય.)

એ તો જાણે ઓછું હોય તેમ આ પુસ્તકની પબ્લિસીટી માટે ઠેર ઠેર મોટાં મોટાં હોર્ડિંગો લગાવવામાં આવ્યાં હતાં ! પોસ્ટરો અને બેનરો તો અલગ ! કહેવાય છે કે માત્ર છ સાત મહિનામાં ઝિલ કે ઉસ પારની તમામ નકલો વેચાઈ ગઈ હતી, એ પણ એની કિંમત દોઢી એટલે કે પંદર રૂપિયા હોવા છતાં !

જોકે ગુલશન નંદાએ ક્યારેય સલીમ-જાવેદની જેમ પોતાની વાર્તા ઉપરથી બનેલી ફિલ્મના પોસ્ટરો ઉપર પોતાનું નામ આવવું જ જોઈએ એવો આગ્રહ  નહોતો રાખ્યો. ક્યારેય પોતાની હિટ ફિલ્મો માટે સલીમ-જાવેદની જેમ મુંબઈમાં મોટાં મોટાં હોર્ડિંગો નહોતાં ચીતરાવ્યાં, છતાં ગુલશન નંદાનું નામ એ સફળતાની ગેરંટી ગણાતું હતું.

1921માં પાકિસ્તાનના ક્વેટા શહેરમાં જન્મેલા ગુલશન નંદા પાર્ટિશન પહેલાં જ પોતાના પરિવાર સાથે દિલ્હી આવી ગયા હતા. પરંતુ લાહોર કોલેજમાં હતા ત્યારે જ જિંદગીની પહેલી નવલકથા લખી ચૂક્યા હતા. જે પાંચેક વરસ પછી દિલ્હીમાં છપાઈને બહાર પડી. જોકે ગુલશન નંદાને હિન્દી સાહિત્ય જગતે ક્યારેય ‘સાહિત્યકાર’ ગણ્યા જ નહીં. પરંતુ એ જમાનામાં પેલી પાંચ-દસ રૂપિયાની પોકેટબુક્સો બહુ વેચાતી હતી, એમાંની જ એક પોકેટબુક ‘પથ્થર કે હોઠ’ની ઉપરથી 1953માં તામિલમાં એક ફિલ્મ બની ‘પુનર્જન્મ’.

પરંતુ ગુલશન નંદાનું નસીબ ફર્યુ 1964થી, જ્યારે હિન્દીમાં પહેલી ફિલ્મ બની ‘ફૂલોં કી સેજ’ (અંધેરે ચિરાગ ઉપરથી) એ પછી તો હિટ ફિલ્મોની લંગાર લાગી ગઈ… કાજલ (1965), સાવન કી ઘટા (1966), પથ્થર કે સનમ (1967), નીલકમલ (1968), ખિલૌના (1970), કટીપતંગ (1971), નયા જમાના (1971), શર્મિલી (1971). 

આમાં ' નયા જમાના'ની ખાસિયત એ હતી કે એ ફિલ્મની પટકથા- સંવાદની પોકેટ બુક ફિલ્મ રિલીઝ થાય તેની સાથે જ બહાર પડી હતી ! એમાં આઠ ગ્લોસી પાનાં પર ફિલ્મના દ્રશ્યોના ફોટા પણ હતા. બોલો ! વચ્ચે વચ્ચે જ્યાં ગાયન આવે ત્યાં આખું ગાયન પણ લખેલું હોય !

હકીકતમાં 'નયા જમાના' એ પહેલી ફિલ્મ હતી જેમાં ગુલશન નંદાએ બીજા બે લેખકો ( સચિન ભૌમિક તથા અન્ય એક) સાથે મળીને ડાયરેકટ ફિલ્મ માટે પટકથા સંવાદ લખ્યા હતા. ડિરેક્ટર પ્રમોદ ચક્રવર્તીએ ગુલશન નંદાને આમાં પહેલી વાર જોતર્યા હતા.

અહીં સુધી તો એમના ‘ઉપન્યાસ’ ઉપરથી ફિલ્મો બનતી હતી પણ એ પછી યશ ચોપરાએ જ્યારે પોતાનું પ્રોડક્શન શરૂ કર્યું ત્યારે પહેલી ફિલ્મ ‘દાગ’ (1972) માટે ગુલશન નંદા પાસે સ્ટોરી માગી. આ પછી ગુલશન નંદાએ ડાયરેક્ટ ફિલ્મો માટે લખવાનું શરૂ કર્યું.અને હિટ ફિલ્મોની લાઈન લાગી ઼઼  જુગનુ (1973), જોશીલા (1973), ઝિલ કે ઉસ પાર (1973), ભંવર (1973), અજનબી (1976) અને મહેબૂબા (1976) બોક્સ ઓફિસોને છલકાવતી રહી.

ગુલશન નંદાના તમામ પુસ્તકો હિન્દીમાં પ્રગટ થયાં પણ નવાઈની વાત એ છે કે એમને હિન્દી લખતાં નહોતું ફાવતું ! એ લખતા હતા ઉર્દૂ લિપિમાં, જેનું હિન્દી તેમના બનેવી કરી આપતા હતા.

જોકે આ 1966 થી 1976 સુધીના ગોલ્ડન તબક્કા પછી, કારણ જે હોય તે, પરંતુ એમની સ્ટોરી ઉપરથી લગભગ દસ ફિલ્મો બની જે ખાસ ચાલી નહીં. આનાં નામો વાંચો તોય ખ્યાલ આવી જશે... આઝાદ, દિલ કા હીરા, એર હોસ્ટેસ, દો પ્રેમી, બડે દિલવાલા, બિંદિયા ચમકેગી, બાદલ, સલમા.. વગેરે.

1985માં એમના નિધન પછી છેક 1987માં રીલીઝ થયેલી ‘નઝરાના’ (રાજેશખન્ના, શ્રીદેવી, સ્મિતા પાટિલ) એમની છેલ્લી ફિલ્મ હતી. પરંતુ એક જાણવા જેવી વાત એ પણ છે કે ગુલશન નંદા રાજકપૂરના સગામાં થાય ! કઈ રીતે ? તો વાત એમ છે કે ગુલશન નંદાનો દિકરો રાહુલ નંદા જેને પરણ્યો તે છોકરીના પપ્પા તે પ્રેમ ચોપરા ! અને પ્રેમ ચોપરા તથા રાજ કપૂર એકબીજાના સાઢુ થાય ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Replies
    1. અરે બાપરે!! કેટલા ખાખાખોળાં કરીને આટલી સભર વિતેલી માહિતી એકઠી કરી છે? ધન્ય હો બાપજી,સો સલામ.માન ગયે. ગુલશન નંદા વિષે આજે સો જણને પુછો અને એક વ્યક્તિ. પણ જો સાચો જવાબ આપે તો બોલીવુડ ધન્ય થઇ જાય. આભાર.

      Delete

Post a Comment