આજકાલના વડીલો ફરિયાદ કરે છે કે નવાં ગાયનો સાવ મિનિંગલેસ હોય છે પરંતુ વડીલો, એવું નથી ! નવાં ગાયનોમાં પણ બહુ ડીપ મિનિંગ્સ રહેલા છે. જુઓ…
***
‘ચાર બોતલ વોડકા, કામ મેરા રોજ કા…’
હકીકતમાં આ એક સેલ્ફ એમ્પ્લોયડ, સ્વમાનભર્યા યુવાનનું ગાયન છે જે પોતાની મહેનત વડે રોજ ઘેર ઘેર દારૂ પહોંચાડવાનું કાર્ય કરી રહ્યો છે ! એ ડિલીવરી બોય રોજની ચાર બોતલ વોડકા, આઠ બોતલ વ્હીસ્કી, બાર બોતલ બ્રાન્ડી અને બે બોતલ રમની ડિલીવરીનું કામ કરે છે.
***
‘સિગડી પે દિલ સેક રહા હું, તેરા રસ્તા દેખ રહા હું…’
આ ગાયન આજના મધ્યમવર્ગની પીડાને પ્રગટ કરે છે. ગેસના ભાવ વધી જવાને કારણે બિચારો આમ આદમી એક બાજુ સગડી સળગાવીને રોટલા શેકી રહ્યો છે અને બીજી બાજુ ‘અચ્છે દિન’ કોઈક રસ્તેથી આવશે તેની રાહ જોઈ રહ્યો છે.
***
‘તૂ ખીંચ મેરી ફોટો, તૂ ખીંચ મેરી ફોટો પિયા…’
અહીં ગર્લફ્રેન્ડ એક મોલમાં શોપિંગ કરવા ગઈ છે પણ જે કોઈ ડ્રેસ જુએ છે તે બોયફ્રેન્ડને બહુ મોંઘો લાગે છે. આખરે ગર્લફ્રેન્ડ વારાફરતી બધા ડ્રેસ ટ્રાય કરી કરીને મોબાઈલમાં ફોટા પડાવી લે છે જેથી રોજ એક ફોટો ફેસબુકમાં મુકી શકાય !
***
‘તૂ હૈ કે નહીં… તૂ હૈ કે નહીં… તૂ હૈ કે નહીં… તૂ હૈ કે નહીં…’
અહી છ-છ મહિના સુધી ફેસબુક ઉપર એન્જલ પ્રિયા નામની છોકરી સાથે ચેટ કર્યા પછી લલ્લુને ડાઉટ પડ્યો છે કે પેલી ખરેખર છે કે નહીં ? (આત્મજ્ઞાન થયું છે !)
***
‘લગ ગયે 440 વોલ્ટ છૂને સે તેરે…’
અહીં વિરોધપક્ષના નેતાને સપનું આવી રહ્યું છે કે તેના ઘરે EDનો દરોડો પડવાનો છે !
***
‘ના હૈ યે પાના, ના ખોના હી હૈ’
આ ગાયન અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદ વિશે છે કેમ કે એને પામવો પણ મુશ્કેલ છે અને ખોવો પણ મુશ્કેલ લાગી રહ્યો છે ! બોલો, છે ને ડીપ મિનિંગ ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment