કહે છે કે આજકાલ છાપાં વાંચનારાઓની સંખ્યા ઘટતી જાય છે. લોકો કહે છે કે જ્યાં બધું જ મોબાઈલમાં આવી જાય છે ત્યાં છાપાંની શી જરૂર છે ?
અમુક લોકો તો ઉપરથી સલાહ આપે છે કે છાપાંએ પણ મોબાઈલ જેવા થઈ જવું જોઈએ ! બોલો !
જરા વિચારો, છાપાં ખરેખર મોબાઈલ જેવાં થઈ જાય તો ?...
***
જરા વિચારો, રોજ સવારે છાપામાં પહેલાં પાને રંગીન રૂપાળા ફોટાઓ સાથે બબ્બે ડઝન ‘ગુડમોર્નિંગ’ના મેસેજો હોય…
- તો કેવું લાગે ?
***
જરા વિચારો, રોજ સવારે એકાદ સુવિચારને બદલે રોજના બબ્બે ડઝન સુવિચારો ફોટાઓ સાથે છપાતા હોય તો…
- તો કેવું લાગે ?
***
જરા વિચારો, પચ્ચીસ વાર આવી ગયેલી એકની એક જોક્સ પણ દિવસમાં પચ્ચીસ વાર છપાઈને આવે…
- તો કેવું લાગે ?
***
એ તો ઠીક, પણ રોજ આખું પાનું ભરીને ડાયાબિટીસ શી રીતે ઘટાડવો, હાર્ટ એટેકથી શી રીતે બચવું, કેન્સરને જડમૂળથી કેમ નાબૂદ કરવો… વગેરેથી માંડીને 100 વરસ સુધી શી રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકાય તેની સલાહો (એ પણ પચ્ચીસ વાર છપાઈ ગઈ હોય તેવી) છપાતી હોય…
- તો કેવું લાગે ?
***
ના ના, બિલકુલ મોબાઈલની જેમ જ રોજ કોમી ઝેર ફેલાવતી વાતો, તથ્ય વગરના જુઠ્ઠાણાં અને ફેક ન્યુઝ છપાઈને આવતા હોય…
- તો કેવું લાગે ?
***
અરે, કમ સે કમ એટલું તો વિચારો…
કે તમારું આ છાપું માત્ર સવા બે ઈંચ બાય સાડા પાંચ ઈંચ જેવડું હોય…
- તો કેવું લાગે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment