ઈન્ડિયાના સુપર રિચ કડકા !

અમેરિકાની સિલિકોન વેલી બેન્ક ફડચામાં જતાંની સાથે જ ભલભલા કુબેરપતિઓની સંપત્તિમાં ગાબડાં પડી ગયાં છે !
આજે દુનિયાભરમાં ભલે બિલ ગેટ્સો, એલન મસ્કો અને ઝુકરબર્ગો જેવા સુપર રીચ લોકો આફતમાં હોય, ઇન્ડિયામાં તો મામૂલી કડકા પણ સુપર રીચ બની રહ્યા છે ! જુઓ…

*** 

ભલેને બિલ ગેટ્સો
કે મસ્કો તૂટી રહ્યા છે
ઇન્ડિયાના આમ કડકા
સુપર રીચ બની રહ્યા છે…

*** 

પહેલાં હતાં ‘બેલેન્સ’
ફક્ત સ્વીસ બેન્કોમાં જ
હવે દરેક લલ્લુના ફોનમાં
બેલેન્સ થઈ ગયાં છે !
ઇન્ડિયાના આમ કડકા
સુપર રીચ બની રહ્યા છે…

*** 

‘ક્રેડિટ’ હતી તો કોની ?
જેની શાન-બાન હતી
આજે લલ્લુ-પંજુઓનાં
‘ક્રેડિટ-કાર્ડ’ થઈ ગયાં છે !
ઇન્ડિયાના આમ કડકા
સુપર રીચ બની રહ્યા છે…

*** 

દેવું કરે જે પાર્ટી,
સાહસિક ગણાતી ભાઈ !
આજે રીક્ષાવાળા પણ
લાખોની લોન લઈ ફરે છે !
ઇન્ડિયાના આમ કડકા
સુપર રીચ બની રહ્યા છે…

*** 

99વાળા ભાવ તો
હર કંપની રાખે છે ને ?
અમે એક-એક રૂપિયા એવા
લાખ્ખો જતા કર્યા છે !
ઇન્ડિયાના આમ કડકા
સુપર રીચ બની રહ્યા છે…

*** 

દાનેશ્વરી હતા તે
શું માન માગતા ’તા ?
અહીં સ્કૂલના એડમિશનમાં
સૌ ‘ડોનેશન’ દઈ રહ્યાં છે !
ઇન્ડિયાના આમ કડકા
સુપર રીચ બની રહ્યા છે…

*** 

આકાઓ પાકિસ્તાનના
પેટ્રોલનું કરે ટેન્શન
અહીં રસ્તે રખડતા લુખ્ખા
ટાંકી ફૂલ કરી રહ્યા છે !
ઇન્ડિયાના આમ કડકા
સુપર રીચ બની રહ્યા છે…

***
- મન્નુ શેખચલ્લી

Comments