સુપરહિટ ફિલ્મોની ફાલતુ વારતાઓ !

છેલ્લા એકાદ વરસમાં જે ફિલ્મો સુપર-ડુપર હિટ થઈ છે એની વાર્તાઓ શું હતી ?
અરે ભાઈ, બબ્બે વાક્યોમાં કહી શકાય એવી ફાલતુ વાર્તાઓ છે ! જુઓ…

*** 

પુષ્પા : ધ રાઈઝ
પગ ઢસડીને ચાલવાની ટેવ ધરાવતો એક આળસું છતાં ટણીબાજ મજુર લાલ ચંદનની દાણચોરીમાં કરોડો રૂપિયા કમાઈ લે છે છતાં પોતાની દાઢીને સારા શેમ્પુ વડે ધોતો નથી !

*** 

KGF ચેપ્ટર 3
આ ફિલ્મનો હિરો દાઢીમાં શેમ્પુ તો કરે છે પણ ઇન્દિરા ગાંધીથી ડરીને એણે સોનાની ખાણમાંથી જેટલું સોનું કાઢ્યું હતું એને શીપમાં ભરીને જાતે જ દરિયામાં ડૂબાડી દે છે ! બોલો.

*** 

બ્રહ્માસ્ત્ર
મહાભારતના જમાનાનું જે બ્રહ્માસ્ત્ર હતું તેના ત્રણ ટુકડા થઈ ગયા છે. એમાંથી એક ટુકડો રણબીર કપૂરના હાથમાં આવી જાય છે પણ કોઈ વિલન ત્રણે ટુકડા ભેગા કરીને આખી દુનિયાને ખતમ કરવા માગે છે. છતાં હોલીવૂડ, અમેરિકા, ચાઈના, રશિયા, RAW, KGB, FBI, ISI, પાકિસ્તાન…. કોઈને આખા કાવત્રાંની ખબર જ નથી ! બોલો.

*** 

રાધેશ્યામ
એક વર્લ્ડ ફેમસ અબજોપતિ જ્યોતિષી પોતાની કુંડળી જોઈને એવું માને છે કે પોતે જેના પ્રેમમાં પડશે એ છોકરી મરી જશે. પણ એણે ‘બ્રહ્માસ્ત્ર’ જોયું જ નહોતું એટલે એને ખબર જ નહોતી કે આમે ય આખી દુનિયા પતી જવાની છે. છેવટે એનો ગુરુ સાચી કુંડળી બતાડીને હિરોનો ફાંકો ઉતારી દે છે.

*** 

ગંગુબાઈ કાઠીયાવાડી
મુંબઈના કમાટીપુરા વિસ્તારમાં કાઠીયાવાડથી એક છોકરીને બળજબરીથી લાવવામાં આવે છે પણ એને પોલિટિક્સમાં રસ પડી જાય છે. છેવટે તે સ્ટેજ ઉપર જઈને એક જ ભાષણ આપી શકે છે. બસ.

*** 

RRR
એક અંગ્રેજ લેડી એક આદિવાસી કબિલાની નાની છોકરીને પોતાની નોકરાણી તરીકે લઈ જાય છે એમાં તો આખી બ્રિટીશ સલ્તનતની વાટ લાગી જાય છે ! યાર, એ છોકરીને પાછી આપી દીધી હોત તો આટલી બધી બબાલ જ ના થાત ને ?

- પેલા ‘નાટુ નાટુ’ જેવા ગાયન ઉપર દેશી ડાન્સ પણ કરવો પડ્યો. બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments