બજેટમાં છૂપી જોગવાઈઓ !

સમય બદલાઈ ગયો છે. (ભારત બદલ રહા હૈ !) હવે બજેટો પણ ચૂંટણી ઢંઢેરા જેવા થતાં જાય છે ! કરદાતાઓને રાહત… ખેડૂતોને લોન… મહિલાઓનો વિકાસ… વગેરે, વગેરે.
જોકે અમુક છુપી બજેટ જોગવાઈઓની જાહેરાતો નિર્મલાજીએ કરી નથી, પણ કરી દેવા જેવી હતી. જેમકે…

*** 

બેન્ક-ટોપી ફંડ
દર વરસે લગભગ એકાદ લાખ કરોડની લોનો મોટા મોટા લોકો લીધા પછી ચૂકવતા જ નથી ! તો બજેટમાં એની ચોખ્ખે ચોખ્ખી જોગવાઈ જ રાખી દો ને ?

*** 

રંગરોગાન ફંડ
વડાપ્રધાનશ્રી તેમજ અન્ય VIPઓ જ્યારે જ્યારે ઉદ્ઘાટનો કરવા, શિલારોપણો કરવા, રેલીઓ-રોડ શો કરવા તેમજ હોનારતમાં જે મરતાં બચી ગયાં હોય તેમની ખબર કાઢવા માટે જનતા વચ્ચે આવે છે, ત્યારે એમની આસપાસ ચારેબાજુ જે સાફસફાઈ, બંદોબસ્ત અને રંગરોગાનો કરાવવાં પડે છે તેનું પણ એક અલાયદુ ફંડ રાખોને, બજેટમાં ?

*** 

ખાડા ખર્ચ બજેટ
દેશનાં તમામ નાનાં-મોટાં શહેરોમાં પહેલો વરસાદ પડતાંની સાથે રોડ ઉપર જે લાખો ખાડા પડી જાય છે તેના રીપેરીંગ માટે હવે અમુક કરોડ રૂપિયાનું બજેટ કેન્દ્રએ જ ફાળવવા જેવું છે.

*** 

પુનઃ પરીક્ષા જોગવાઈ ફંડ
પેપર ફૂટે તો ફરીથી પરીક્ષા માટે અને પેપરો ફૂટે જ નહીં તે માટે હવે મોટાં મોટાં તંત્રોની જરૂર પડવાની જ છે ! તે માટેનો વહીવટી ખર્ચ અને પોલીસ બંદોબસ્ત વગેરે માટે એક મંત્રાલય જ બનાવો ! બેકાર યુવાનોના વોટ, બેકાર હોવા છતાં મળશે જ મળશે !

*** 

બોયકોટ બંદોબસ્ત
હવે ફિલ્મોનો બોયકોટ તો નિયમિત રીતે થયા જ કરવાનો. આના માટે તોડફોડ ના થાય તેનો પોલીસ બંદોબસ્ત અને તોડફોડ થયા પછીનું વળતર વગેરે માટે બજેટમાં જોગવાઈ રાખો, નિર્મલાજી !

*** 

વિકાસ પ્રચાર ફંડ
હવે માત્ર વિકાસનો પ્રચાર નથી કરવાનો, હવે તો પ્રચારનો પણ વિકાસ કરવો પડશે ! કેમકે હવે આપણે વિશ્ર્વગુરુ બનવા જઈ રહ્યા છીએ. તો નિર્મલાજી, એનું બજેટ ક્યાં છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments